Comments

આ તો એક ઉદાહરણ છે

તા.૧૦ ડિસેમ્બર,૨૦૨૩ના ‘ગુજરાતમિત્ર’માં પહેલે પાને તથા અન્ય વર્તમાનપત્રોમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે ઓડિશામાં કોંગ્રેસ સાંસદ અને રાજ્યસભાના સભ્ય ધીરજપ્રસાદ શાહુને ત્યાંના આવકવેરાના દરોડામાં રૂપિયા ૩૦૦ કરોડની રોકડ રકમ હાથ લાગી. આ સમાચારથી આખા દેશમાં હાહાકાર મચી ગયો છે. પરંતુ આ તો એક ઉદાહરણ છે. આવા દરેક પક્ષના કેટલા રાજકારણીઓ પાસે કેટલી રોકડ રકમ જમા હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે. આ તો છીંડે ચડ્યો તે ચોર એ ગુજરાતી કહેવતનો એક દાખલો છે. આવી મસમોટી રકમ અન્ય દરેક પક્ષના રાજકારણીઓ, મોટા મોટા ઉદ્યોગપતિઓ, મોટા મોટા બિલ્ડરોને ત્યાં ધરબાયેલી ન પડી હોય એવું ચોક્કસ કહી શકાય નહીં.

સહેજ લાંબુ વિચારીએ તો એવો પ્રશ્ન ચોક્કસ ઉદ્ભવે કે આ રીતે રોકડ રકમ ઘરમાં દબાવી રાખવામાં આવે તો આટલી અધધધ રોકડ રકમ ચલણમાં ફરતી બંધ થઈ જાય અને તેની સીધી અસર પ્રજાના રોકડ લેવડદેવડના વ્યવહારો પર પડ્યા વગર રહે નહીં. ઠીક છે આગળ ઉપર આ કિસ્સામાં શું કાર્યવાહી થાય છે તે ખબર પડશે, નહીં તો સમય વીતી જતાં પ્રજાના માનસ પરથી આવું કંઈ બન્યું હતું તે વાત જ ભૂલાઈ જાય તેવું બને. છેવટે દળી દળીને બધું ઢાંકણીમાં જેવો ઘાટ થઈને ઊભો રહે. આને દેશની કમનસીબી નહીં તો બીજું શું કહેવાય? અને છેલ્લે આ કરોડો રૂપિયાની રોકડ રકમ જે પકડાય છે તેનું પછી શું થાય છે તેની માહિતી પ્રજાને ઉપલબ્ધ કરાવાતી નથી એ પણ એક હકીકત છે.
સુરત     – સુરેન્દ્ર દલાલ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

ડીજીટલ ઇન્ડિયા ડીફીકલ્ટ ભારત
ડીસ્કવરી ઓફ ઈન્ડિયા આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ જોઈને ભારત એક ખોજ કેવો મોટો લોજ બની ગઈ હોય એમ જ લાગે. વર્તમાન ભારતમાં INDIA અને ભારત વચ્ચે હિન્દુસ્તાન અને હિન્દુ ધર્મ સાથે વાયરલ ડીજીટલ વોર ચાલે છે. તેમાં ગાય-ગોધા તણાઈ ગયા પછી બકરી પાળ શોધતી હોય એવી સ્થિતિમાં અમૃત મહોત્સવના ટાંકણે આત્મનિર્ભર ભારતની સંકલ્પનમાં એનો આત્મા AIની ટનલમાં ફસાયલો હોય એમ લાગે છે. તેમ છતાં આર્યલટ્ટમ શૂન્ય બ્લેક હોલની તસ્વીર તો બતાવે છે જે સત્ છે ને?
ધરમપુર – ધીરુ મેરાઈ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top