Charchapatra

ડિજિટલ વ્યવહાર કેટલો સુરક્ષિત?

આજકાલ જયાં જુઓ ત્યાં ડિજિટલ વ્યવહાર માટે પ્રેરણા આપવામાં આવે છે. લોભામણી જાહેરખબર, લાલચ આપતા ડિસ્કાઉન્ટ તેમજ સુવિધાઓનો ભંડોળ અને તમારી બુદ્ધિશાળી હોવાની નિશાની, એટલે કેશલેસ પદ્ધિતને અપનાવનારા તમે એક માત્ર ‘મહાન’ વ્યકિત ? 2016માં મોદીએ પ્રજા સાથે ‘નોટબંધી’ નામની એક રમત રમીને લોકોના હાથમાં સૌ પ્રથમ બે હજારની નોટ પકડાવી દીધી એટલે એક તો તમારા ગજવાં ખાલી, ઉપરથી બે હજારની નોટની છુટાની મારામારી અને આ જ તબક્કામાં આયોજનબદ્ધ ડિજિટલ પેમેન્ટની દુકાન ખોલીને લારીવાલાથી લઇને લાખો રૂપિયાનો ધંધો કરતી દુકાનોમાં તાત્કાલિક ડિજિટલ વ્યવહારની પદ્ધતિ શરૂ થઇ ગઇ!

હવે જે રોકડ તમારા ગજવામાં દેખાતી હતી એ ‘પે ટી એમ’ની ગટરમાં અને બેંકના લોકરમાં દેખાતી થઇ ગઇ અને પ્રજા પાસે માત્ર મોબાઇલમાં આંકડા રહી ગયા. નરેન્દ્ર મોદીને જે જોઇતું હતું એ મળી ગયું. એક તરફ કેસની ડિમાન્ડ ઘટી અને દરેક કેશલેસ વ્યવહાર થોડા સમય માટે ટેક્સપાત્ર બની ગયો, જે વ્યકિત ડોલર સામે રૂપિયાની ઇજ્જત ન સાચવી  શકયો એ વ્યકિત એ તમામ ભારતીયોને અમેરિકન હોવાનો અહેસાસ કરાવીને ગાળામાં કેશલેશ અર્થતંત્રનો પટ્ટો પહેરાવી દીધો ! જે કેશલેશ અર્થતંત્રના મોદી ફાયદા બતાવે છે એ ડિજિટલ વ્યવહાર નરેન્દ્ર મોદીએ એક પણ વખત કર્યો છે ખરો ?

જો તમને અડધી રાત્રે રોકડની જરૂર પડે, ઘરમાં રોકડ ન હોય અને ATM ખાલી હોય તો શું કરો ? ખરીદી કર્યા પછી મોબાઇલની બેટરીનું ચાર્જીંગ ખલાસ થઈ ગયું કે નેટવર્ક ન પકડાયું તો શું કરો? જયાં તમે ખરીદી કરવા જાવો છો ત્યાં ડિજિટલ વ્યવહાર નિષેધ (ઓન્લી કેશ)નું બોર્ડ માર્યું હોય અને તમારી પાસે રોકડ ન હોય તો શું કરો ? મોબાઇલ ચોરાઇ જાય કે તેની ડિસ્પ્લે તૂટી જાય, ગજવામાં રોકડ ન હોય શું કરો? દેશનાં પચાસ ટકા રાષ્ટ્રીય બેંકના ATM ખરાબ હોય છે અને કેટલાય ATM માં પૈસા જ નથી હોતા અથવા તો પૈસા કાઢવા માટે ભીડ હોય તો શું કરો ?

તમારા અંગત દરેક ડિજિટલ વ્યવહાર સરકારથી લઇને સાયબર ફોડ કરવાવાળાને ખબર પડે છે અને એ જ વ્યવહાર ભવિષ્યમાં તમારી મુસીબતનું કારણ બની શકે છે, એ વાતની તમને ખબર છે ? શું ભારત જે સાયબર ફોડ થાય છે એવા દુનિયાના કોઇ દેશમાં થતા જોયા છે ? એક હજારે સો રૂપિયા કાપીને આપવાનો એક ધંધો પણ ચાલે છે ખબર છે? શું મજબૂરી હોઈ શકે કોઇની કે એક હજારે કપાઈને પૈસા લેવા પડે ?

ડિજિટલ વ્યવહારમાં આપવાવાળો જ નહીં લેવાવાળો પણ અસુરક્ષિત છે, જે લોકો ગજવામાં બે હજાર રોકડ નહીં સાચવી શકતા હોય એ બાવીસ હજારનો મોબાઇલ કેવી રીતે સાચવતા હશે ? ‘એકાઉન્ટનો એક સિદ્ધાંત છે અદ્રશ્ય મિલકત માત્ર ચોપડા પર જ સારી લાગે’, જેની પાસે દિમાગ છે તેને ડિજિટલ વ્યવહારની કોઇ જરૂર નથી, તમારો સ્માર્ટ ફોન તમારા ફોનને જ નહીં તમારું દિમાગ પણ વાંચે છે એટલે દુનિયાનાં કેટલાય ટોચના કરોડપતિઓ કોઇ કાર્ડ કે મોબાઇલ ફોનનો રોકડની હેરેફેર માટે કદી ઉપયોગ નથી કરતા જેથી તમામ અંગત માહિતી હંમેશા સુરક્ષિત રહે.
સુરત         – કિરણ સૂર્યાવાલા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top