Gujarat

કોરોના મેના અંતમાં નબળો પડશે : ઓક્ટોબર-નવેમ્બરમાં ત્રીજી લહેરની સંભાવના

રાજ્યમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આ નવા પ્રકારના કોરોના સ્ટ્રેઈનનો અભ્યાસ કર્યા બાદ તબીબોએ કહ્યું હતું કે બે પ્રકારના કોરોના સ્ટ્રેઈન પૈકી યુકે સ્ટ્રેઈન હાલમાં ગાંધીનગરમાં તેજ રાજ્યમાં સક્રિય છે. જે આગામી મે માસના અંત ભાગમાં નબળો પડી શકે છે. જો કે ત્રણ માસ પછી ફરીથી ત્રીજી લહેર આવી શકે છે. જેમાં નવો કોરોના સ્ટ્રેઈન નજરે પડશે.

એકલા ગાંધીનગરમાં જ 17 દિવસમાં 1564 કેસો નોંધાયા છે. જ્યારે તેની સામે 416 દર્દીઓએ દમ તોડી દીધો છે. ઈન્ડિયન મેડિકલ એસો.ના ગાંધીનગરના પ્રમુખ ડૉ અનિલ ચૌહાણે કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ જ યુકે સ્ટ્રેઈન આપણને બચાવી શકશે. ગયા વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં ગળામાં ચેપ અને ઉધરસ આવતી હતી, આ વખતે આ લક્ષણો સાથે આખા પરિવારને સંક્રમણ થઈ રહ્યું છે. યુકે સ્ટ્રેઇનની સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વાઇરસ બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે.

આથી, બાળકોને કયા પ્રકારની દવાઓ આપી શકાય અથવા આપી શકાય કે કેમ, તે પણ તબીબી આલમમાં ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાની બીજી લહર વખતે સતત તાવ આવવો, ઝાડા અને આંખમાં લાલાશ જેવાં લક્ષણો છે, જે ગત વર્ષે નહોતાં. એટલું જ નહીં, દર્દીનું ઓક્સિજન લેવલ બીજા કે ત્રીજા દિવસે જ ઘટી જાય છે અને દાખલ કરવા પડે છે. ડૉ. ચૌહાણે ચેતવણી આપી હતી કે યુકે સ્ટેઇન મે મહિનાના અંત સુધીમાં નબળો પડી શકે છે પરંતુ પછીના 3 મહિના એટલે કે ઓક્ટોબર – નવેમ્બરમાં ફરી નવા પ્રકારનો સ્ટ્રેઇન ઉથલો મારી શકે છે.

Most Popular

To Top