Columns

મૂળભૂત માનવીય મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે ધર્મવચનો અને ઇતિહાસનો સહારો લેવો જરૂરી છે?

IIT (મુંબઈ)માં 27 વરસ સુધી બાયોમેડિકલ એન્જિનિયરીંગ ભણાવીને નિવૃત્ત થયેલા ડૉ રામ પુનિયાની સાથે એક વાર થયેલી ચર્ચાની યાદ આવે છે. ચર્ચાનો વિષય હતો કે મૂળભૂત માનવીય મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે ધર્મવચનો અને ઇતિહાસનો સહારો લેવો જરૂરી છે? રામ પુનિયાની કોમી એકતાની જરૂરિયાત સમજાવવા ઇતિહાસનો સહારો લે છે કારણ કે કોમી ઝેર રેડનારાઓ ઇતિહાસનો સહારો લે છે.

તેમણે IITમાં વિદ્યાર્થીઓને ભણાવવા સિવાયનો પૂરો સમય ઇતિહાસનાં જાળાં સાફ કરવામાં વિતાવ્યો છે અને અનુભવ એવો છે કે જાળાં સાફ થયાં નથી. જે સાંભળે છે એનો પોતાનો કોઈ અભ્યાસ હોતો નથી એટલે તે પોતે સત્ય- અસત્યની કોઈ ખાતરી કરતો નથી. દેખીતી રીતે ઝેર ફેલાવનારાઓ રામ પુનિયાની કરતાં ઘણી વધુ સંખ્યામાં છે જેઓ તેના સુધી વધુ પહોંચે છે અને તેઓ તેને પોતાની (ઈર્ષા, દ્વેષ, અસત્ય) ચુંગાલમાંથી નીકળવા દેતા નથી માટે રામ પુનિયાનીઓની મહેનતનું જેટલું પરિણામ મળવું જોઈએ એટલું મળતું નથી.

આ તો વ્યવહારપક્ષ થયો. એક સિદ્ધાંતપક્ષ પણ છે. શા માટે મૂળભૂત માનવીય મૂલ્યોને કોઈના સહારાની જરૂર પડે? ધર્મ અને ઇતિહાસનો સહારો મળતો હોય કે ન મળતો હોય, જે મૂલ્ય માનવીય મૂલ્ય છે અને જે મૂળભૂત છે એટલે કે દરેક યુગ અને દરેક સમાજને માટે છે એ સ્વીકાર્ય હોવા જોઈએ. એ એટલા માટે સ્વીકાર્ય હોવા જોઈએ કે તેમાં વ્યક્તિનું પોતાનું, સમાજનું, સકળ વિશ્વનું અને આવનારી પેઢીનું હિત છે. આ હિતકારી પક્ષ વ્યવસ્થિત રીતે લોકોને ગળે ઊતરે એમ સમજાવીએ એટલું પૂરતું છે. આપણે તેમને ત્રણ વાત ખાસ ઠોકીઠોકીને કહેવી જોઈએ.

એક તો એ કે આ સંસારમાં જેટલા ધર્મ છે એ દરેકે દરેક અને તેના ધર્મગ્રન્થ (અપવાદ વિના) માનવીની રચના છે એટલે એમાં અધુરપ છે. માનવીની કોઈ રચના સંપૂર્ણ ન હોઈ શકે. જો ધર્મ ઈશ્વરે સ્થાપ્યા હોત અને ધર્મગ્રંથ ઈશ્વરે લખ્યા કે કહ્યા હોય તો એ આટલી મોટી સંખ્યામાં ન હોત. જે ઈશ્વરે માનવીને તેની જરૂરિયાત માટે એક સરખો દેહ અને અંગઉપાંગ આપ્યાં એ એક ધર્મ અને એક ગ્રંથ ન આપી શક્યો હોત? ઈશ્વરને એની કોઈ જરૂર નહોતી લાગી. માનવીને ડરના માર્યા કે વિસ્મયના કારણે એની જરૂર લાગવા માંડી અને ધર્મ અને ધર્મગ્રંથો અસ્તિત્વમાં આવ્યાં. ટૂંકમાં ધર્મ અને ધર્મગ્રંથ માનવીનું સર્જન છે અને માટે તેમાં ઊણપ છે. તે સ્થળ અને કાળથી બાધિત છે.

આ એક સનાતન સત્ય છે જે લોકોને કહેવું જોઈએ. આનો અર્થ એ નથી કે લોકો ધર્મ છોડીને નાસ્તિક બની જાય. આપણે તો માત્ર એટલું જ કહેવાનું છે કે જે ધર્મવચન કે ધર્મપ્રણાલી અમાનવીય છે, કોઈને અન્યાય કરનારી છે તેને બાજુએ મૂકી દેવી. પ્રતિવાદ પણ કરવાની જરૂર નથી, બસ તેનું અનુસરણ નહીં કરો. હા, તેને અનુસરવા માટે જો કોઈ ફરજ પાડતું હોય તો તેની સામે પ્રતિવાદ કરો અને જરૂર પડ્યે વિદ્રોહ પણ કરો કારણ કે મૂળભૂત માનવીય મૂલ્યો ધર્મવચન અને ધર્મપ્રણાલી કરતાં વધારે મૂલ્યવાન છે માટે તો તેને મૂલ્યો કહેવામાં આવ્યાં છે.

બીજી વાત લોકોને એ કહેવી જોઈએ કે જે ઈતિહાસનો તમે “બીજાઓ” સામે વેર વાળવા માટે સહારો લો છો એ ઈતિહાસ કોણે રચ્યો છે? એ લોકો તો એટલા પણ મહાન નહોતા જેમણે ધર્મોની સ્થાપના કરી અને ધર્મગ્રંથો લખ્યા હતા. બીજી રીતે પ્રતાપી, પણ માણસ તરીકે સાધારણ કક્ષાના લોકોએ ઈતિહાસ રચ્યો છે. ધીરુભાઈ અંબાણીએ અને ગૌતમ અદાણીએ ભારતીય ઉદ્યોગનો ઈતિહાસ રચ્યો છે એમાં ઘણું બધું સમજાઈ જશે. તો પછી સાધારણ કક્ષાના રાજવીઓએ મદમાં આવીને કરેલાં કુકર્મોની ગાંસડી લઈને આપણે આ યુગમાં શા માટે જીવવાનું?

સત્તા અને સંપત્તિ ખાતર લોકો કેવાં કુકર્મો કરે છે એ ક્યાં અજાણ્યું છે! અને એમાં ઉપરથી મદ હોય તો તો પછી પૂછવું જ શું? જેવું વર્તમાનમાં જોવા મળે છે એવું જ ઇતિહાસમાં બન્યું હતું. ઇતિહાસમાં એક નજર કરી જુઓ. અંદાજે 3-4 હજાર વરસના શાસકીય ઇતિહાસમાં જેને ખરા અર્થમાં આદરણીય કહી શકાય એવા શાસકો કેટલા? વિશ્વમાં હજારો શાસકો થયા છે પણ માણસાઈ અને ન્યાય માટે પ્રતિષ્ઠા ધરાવનારા 100 શાસકો પણ નહીં મળે. ભારતમાં થયેલા શાસકોની ગણતરી કરી જુઓ. એક હાથની 5 આંગળીના 15 વેઢા પણ વધારે થશે.

આને કારણે બને છે એવું કે રામ પુનિયાની જેવા ધર્મોમાંથી કે ઈતિહાસમાંથી માણસાઈની ગાંસડી બાંધે છે તો દ્વેષ ફેલાવનારાઓ ગાંસડા બાંધે છે. એમના ગાંસડા સામે ગાંસડી ટૂંકી પડે છે. વળી ગાંસડા ભરનારાઓની સંખ્યા પણ મોટી હોય છે માટે મને એમ લાગે છે કે ધર્મવચનો અને ઈતિહાસના હવાલા આપવા કરતાં અને તેનો સહારો લીધા વિના મૂળભૂત માનવીય મૂલ્યોને તેની પોતાની તાકાતને સહારે લોકો સુધી પહોંચાડવા જોઈએ.

માનવીય મૂલ્યોની પોતાની તાકાત ક્યાં ઓછી છે? ત્રીજી વાત આ કહેવી જોઈએ. એ સિદ્ધ કરી આપવું જોઈએ કે સ્થાપિત હિતોના પ્રચંડ વિરોધ છતાં માનવીય મૂલ્યોનો અસ્ત થયો નથી અને થવાનો નથી. કયો હિન્દુત્વવાદી પોતાના ધર્મની આણ કાયમ કરવા કે હિંદુઓની સરસાઈ સ્થાપિત કરવા કે બ્રાહ્મણવાદી બ્રાહ્મણની આણ કાયમ કરવા કે પુરુષવાદી પુરુષની સત્તાને કાયમ કરવા કહે છે કે અનુક્રમે વિધર્મીઓને કે બહુજન સમાજને કે સ્ત્રીને કચડીને રાખવાનો અમારો જન્મસિદ્ધ કે ઈશ્વરદત્ત અધિકાર છે?

એ એમ માનતા હોવા છતાંય અને કરતા હોવા છતાંય બોલી શકતા નથી એ માણસાઈનો વિજય છે. સત્ય, સમતા, સમત્વ, સહિષ્ણુતા, સમાનતા, એકબીજાનો આદર વગેરે અમને સ્વીકાર્ય નથી એમ તેઓ ખૂલીને કહી શકતા નથી; જ્યારે કે આ બધા ગુણો તેમને માથાભારે બનવામાં કે તેમનું વર્ચસ સ્થાપવામાં કે ટકાવી રાખવામાં આડે આવે છે એ તેઓ જાણે છે. તેમની અકળામણ સમજો. માટે તેઓ બીજાઓનાં પાપો ગણાવીને પોતાનાં પાપોને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરે છે અને માટે હું કહું છું કે એ લોકો જે ગલીમાં પ્રવેશે છે ત્યાં આપણે પ્રવેશવાની જરૂર નથી, એ ખોટનો ધંધો છે પણ એ ગલીમાં જવું જોઈએ જ્યાંથી એ લોકો ભાગે છે.

માણસાઈ તેમને બહુ સતાવે છે અને માટે તો માણસાઈના મેરુ પર્વત સમાન ગાંધીજીથી તેઓ ભાગે છે. તેઓ એટલે તેઓ દરેક. ધર્મસત્તા ટકાવી રાખવા માગનારાઓ, ચોક્કસ ધર્મની સરસાઈ સ્થાપિત કરવા માગનારાઓ, વર્ણ કે વંશની સત્તા ટકાવી રાખવા માગનારાઓ, પુરુષની સત્તા ટકાવી રાખવા માગનારાઓને એમ દરેકને માણસાઈ પરવડતી નથી. તો મારો અભિપ્રાય એવો છે કે માણસાઈને સ્થાપિત કરવા માટે પણ ધર્મ અને ઇતિહાસની ગલીમાં પ્રવેશવાની જરૂર નથી. માણસાઈ પોતે સ્વયંસિદ્ધ છે. તે પોતે શક્તિશાળી છે. 

Most Popular

To Top