Columns

આપત્તિ આવી ત્યારે ત્યારે દેવતાઓ મનુષ્ય પાસે જ આવ્યા

આના પરથી એવું સૂચવાય છે કે અમૃત પર એક માત્ર અધિકાર દેવોનો અને આ દેવો આટલું પામ્યા છતાં પણ જયારે આપત્તિ આવી ત્યારે ત્યારે દેવતાઓ મનુષ્ય પાસે જ આવ્યા, તેઓ રામ પાસે આવ્યા અને દેવતાઓને ભારે પજવનાર રાવણનો વધ રામે કર્યો. શ્રીકૃષ્ણે ગોવર્ધન પર્વત ધારણ કરીને ઇન્દ્રને પરાજિત કર્યો. માત્ર આપણા જમાનામાં જ ખુરશીપ્રેમીઓ નથી, સ્વર્ગના દેવતાઓ- તેમાંય ખાસ ઈન્દ્ર – સત્તાલાલચુ હતા એટલે જ જ્યારે જ્યારે કોઈ ભારે તપ કરે ત્યારે તેને એમ જ લાગે કે આ તપસ્વી મારું સ્થાન પડાવી લેશે, એવું ન થાય એટલા માટે ઇન્દ્ર કોઇ ને કોઇ અપ્સરાને મોકલતો. સ્ત્રીનો આવો ઉપયોગ કરનારા દેવતાઓની કશી ટીકા ન થાય- સરમુખત્યારશાહીનું આ અપલક્ષણ વીસમી- એકવીસમી સદી સુધી ચાલી આવ્યું છે.

કદ્રૂ અસત્યનો આશરો લઇ વિનતા પાસે દાસીકર્મ કરાવવા લાગી. તેની ઇચ્છા પ્રમાણે વિનતાએ બધું કરવું પડતું. વિનતા આ માટે પોતાના શકિતશાળી પુત્ર ગરુડની સહાય લેતી. એક વેળા કદ્રૂને અને તેના પુત્રોને લઇને નીકળેલો ગરુડ સૂર્યમંડલ પાસેથી પસાર થયો. સૂર્યની ગરમી નાગલોકથી વેઠી ન શકાઇ, એટલે કદ્રૂએ દેવરાજ ઇન્દ્રને પ્રાર્થના કરી, એનાથી પ્રસન્ન થઇને ઇન્દ્રે વર્ષા કરી. અહીં પણ સૂચવાયું કે દેવતાઓની તમે આંખો મીંચીને સ્તુતિ કરો એટલે દેવતાઓ પ્રસન્ન પ્રસન્ન. હિંદીમાં એક કહેવત છે- ખુશામત ખુદા કો ભી પ્યારી હૈ.

વારંવાર નાગલોકોની ઇચ્છા પૂરી કરવાનો ગરુડને કંટાળો આવ્યો. શા માટે નિર્બળ એવા નાગલોકની આજ્ઞા અતિ બળવાન ગરુડે માનવી જોઇએ? તેણે પોતાની માતા વિનતાને આનું કારણ પૂછયું એટલે વિનતાએ ભૂતકાળની વાત કરી. ગરુડ આ દાસત્વમાંથી મુકત થવા નાગલોકને પૂછે છે ત્યારે નાગલોક તેને કહે છે કે તું અમને અમૃત લાવી આપ એટલે ગરુડ તૈયાર થાય છે અને માતાને જતા પહેલાં પોતાને લાગેલી ભૂખની વાત કરે છે. મા તેને નિષાદોનું ભક્ષણ કરવા જણાવે છે. સાથે સાથે એમ પણ ચેતવે છે કે કદી બ્રાહ્મણનો વધ નહીં કરતો. આનો સંકેત પણ સ્પષ્ટ થયો. ચારે વર્ણમાં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. નિષાદોનું ભક્ષણ કરતી વખતે એક બ્રાહ્મણ દંપતીને ગળી જાય છે પણ તેનો ખ્યાલ આવતા જ તેને મુકત કરી દે છે.

પણ આટલા આહારથી ગરુડને તૃપ્તિ થતી નથી એટલે પોતાના પિતા પાસે જઇને ક્ષુધા તૃપ્તિ માટે પૂછે છે એટલે કશ્યપ ઋષિ તેને વર્તમાનમાં હાથી અને કાચબારૂપે જન્મેલા બે ભાઇઓની કથા કહે છે. ભૂતકાળમાં વિભાવસુ નામના ખૂબ ક્રોધી ઋષિ હતા. તેમનો નાનો ભાઇ સુપ્રતીક વર્ચસ્વી હતો પણ પોતાના ભાગનું ધન ભાઇને ત્યાં રાખવા માગતો ન હતો. પણ વિભાવસુ તેને સમજાવે છે. ભાગ પાડવાના અનિષ્ટો વર્ણવે છે. પણ નાનો ભાઇ માનતો નથી એટલે તેને હાથી બની જવાનો શાપ આપે છે. એટલે નાનો ભાઇ પણ મોટા ભાઇને કાચબારૂપે જીવવાનો શાપ આપે છે.

આ બંને ભાઇઓ એક સરોવરમાં રહે છે. આ બંને સરોવરમાં યુદ્ધ કર્યા કરે છે. એવા આ હાથી અને કાચબાને લઇને ગરુડ આકાશમાં ઊડી ગયા. પછી એક વિશાળ વટવૃક્ષે પોતાની ડાળી પર બેસીને ગરુડને આહાર કરવા કહ્યું. જેવો ગરુડ ત્યાં બેસે છે તેવી જ પેલી ડાળી તૂટવા માંડે છે. તેની ડાળી પર વાલખિલ્ય નામના ઋષિઓ લટકતા હતા. એ ઋષિઓને બચાવવા પેલી ડાળી લઇને ઊડયા. આ જોઇને પ્રસન્ન થયેલા મહર્ષિઓએ તેનું નામ ગરુડ પાડયું. આટલો બધો ગુરુભાર લઇને ઊડનાર આ પંખી હવે ગરુડ તરીકે ઓળખાશે. હવે જો ગરુડ વચ્ચે વિશ્રામ કરે તો પેલા લટકતા ઋષિઓનું શું થાય એમ માનીને તેઓ સતત ઊડતા રહ્યા. એમ કરતા કરતા પિતા કશ્યપ પાસે પહોંચ્યા.

પુત્ર પર પ્રસન્ન થઇને પિતાએ પેલા ઋષિઓને બધી વાત કરી એટલે વાલખિલ્ય ઋષિઓ પોતાનું તપ પૂરું કરવા હિમાલય જતા રહ્યા. પણ પેલી ડાળીનું શું કરવું? જયાં મનુષ્યો રહેતા ન હોય એવું સ્થળ બતાવવા પિતાને પૂછયું એટલે પિતાએ એક પર્વત બતાવ્યો. ત્યાં બેસીને ગરુડે હાથી અને કાચબાનું ભોજન કર્યું. હવે ગરુડ સ્વર્ગની નજીક ગયા, તેનાથી સ્વર્ગ ખળભળી ઊઠયું. વગર વાદળે ભયાનક ગર્જનાઓ થવા લાગી. ઇન્દ્ર તો આવી પ્રત્યેક આપત્તિનો સામનો કરી ન શકે. બૃહસ્પતિ દેવને પૂછયું. દેવે એમાં પણ ઇન્દ્રનો જ અપરાધ જોયો. હવે ઇન્દ્ર અને બીજા દેવતાઓ ગરુડનો સામનો કરવા તત્પર થઇ ગયા પણ કથા સાંભળનારાઓ તો જિજ્ઞાસાવૃત્તિથી ઇન્દ્રનો કયો અપરાધ તે પૂછવા લાગ્યા એટલે નાનકડો પ્રસંગ શ્રોતાઓની જિજ્ઞાસા તૃપ્ત કરવા વકતાએ વાત માંડી.

પુત્રની કામના કરવા માટે કશ્યપ ઋષિએ યજ્ઞ કર્યો, તેમાં સમિધ લાવવાની કામગીરી શકિતશાળી ઇન્દ્રને સોંપી. ઇન્દ્ર એ સમિધ લઇ આવતા હતા ત્યારે તેમણે અંગૂઠા જેવડા કદવાળા વાલખિલ્ય ઋષિઓ એક નાનકડી ડાળ લઇને ચાલતા હતા તે જોયું. આ ઋષિઓ તો પાણી ભરેલું ખાબોચિયું પણ ઓળંગી શકતા ન હતા એટલે ઇન્દ્રે તેમની મજાક ઉડાવી. પરિણામે ઋષિઓ ક્રોધે ભરાયા. તેમણે તો બીજા ઇન્દ્ર માટે પ્રાર્થના કરી. હવે આવા સમાચાર સાંભળીને ઇન્દ્ર કેવો ભયભીત થાય એટલે કશ્યપ ઋષિ વચ્ચે પડયા એટલે તેમણે ઋષિઓને સમજાવ્યા. ઇન્દ્ર તો બ્રહ્માએ ઉત્પન્ન કર્યા હતા. હવે તમે જે ઇષ્ટ હોય તે કરો. તે વેળા દક્ષ પુત્રી વિનતા પુત્રપ્રાપ્તિ માટે પ્રયત્ન કરતી હતી. તમે જે બીજા ઇન્દ્રની કલ્પના કરો છો તે પક્ષીઓનો ઇન્દ્ર થાય. આમ કશ્યપ ઋષિએ વિનતાને પણ બે પુત્રોનું વરદાન આપ્યું.

હવે જયારે ગરુડ દેવતાઓ પાસે ગયા ત્યારે દેવતાઓ ઝાંખા પડી ગયા. દેવતાઓ રાક્ષસોનો સામનો ન કરી શકે, તેઓ પક્ષીરાજનો પણ સામનો ન કરી શકયા. ગરુડે ચારે બાજુ ધૂળ ફેલાવી દીધી પણ વાયુદેવતાએ ધૂળ દૂર કરી આપી. દેવતાઓ પોતાના શસ્ત્રો વડે ગરુડને ત્રાસ આપવા લાગ્યા. પક્ષીરાજે બધાને હંફાવ્યા. અમૃતકુંભની આસપાસ તો જવાળાઓ હતી, ગરુડે પોતાના શરીરમાં 8001 મુખ પ્રગટ કરી બધી નદીઓનું પાણી પી લીધું અને એ પાણી વડે અગ્નિજવાળાઓ બુઝાવી નાખી, પોતાનું એક નાનકડું રૂપ લીધું. ત્યાં એક ઘોર ચક્ર ઘૂમતું હતું, તેના આરાઓની વચ્ચે થઇને ગરુડ બેસી ગયા. અમૃતની રક્ષા કરતા નાગની આંખોમાં ધૂળ ફેંકી. પછી અમૃતકુંભ લઇને ઊઠયા. પોતે ન પીધું. માર્ગમાં વિષ્ણુ ભગવાન મળ્યા. બંનેએ એકબીજાને વરદાન આપ્યું.

પોતે અમૃતપાન વિના જ અજર-અમર થઈ જવાનું વરદાન માગ્યું. ભગવાને ગરુડ પોતાનું વાહન થાય એવું વરદાન માગ્યું. ઇન્દ્રે ક્રોધે ભરાઇને ગરુડ પર વજ્ર ફેંકયું. વજ્ર પ્રત્યે આદર વ્યકત કરવા ગરુડે પોતાની એક આંખ ખેરવી નાખી. દેવતાઓએ ગરુડનું નામ ‘સુપર્ણ’ રાખ્યું. ઇન્દ્રને પોતાની શકિત કેટલી છે તે જણાવ્યું. ઇન્દ્રે અમૃતકુંભ માંગ્યો પણ ગરુડે ન આપ્યો. જયાં કુંભ મૂકું ત્યાં તમે આવીને લઇ જજો. પછી બધા નાગને કહ્યું હું તમારા માટે અમૃત લઇ આવ્યો છું. હવે અમને સ્વતંત્ર કરો. નાગલોકો માની ગયા. ઇન્દ્ર અમૃતકુંભ લઇને જતા રહ્યા. નાગલોકો ત્યાં આવીને જોયું તો અમૃત ન મળ. એટલે ત્યાં ઊગેલા કુરાને ચાટવા બેઠા. તેમની જીભ કપાઇ ગઇ. આજે પણ આપણે જોઇએ છીએ કે સાપની જીભના બે ભાગ પડી ગયા છે.

Most Popular

To Top