Comments

સ્વાવલંબનના રસ્તા ઘણા છે, સ્ત્રીઓ અપનાવી તો જુએ

ગામડાં કરતાં શહેરોની આર્થિક અને સામાજિક રચનામાં એક મહત્ત્વનો તફાવત એ રહે છે કે શહેરોમાં આર્થિક રીતે અતિ ઉચ્ચ તેમજ અત્યંત ગરીબ કુટુંબો એક નિકટવર્તી જૂથ તરીકે ઘણા ટૂંકા ભૌગોલિક અંતર વચ્ચે વસવાટ કરે છે. આ પરિસ્થિતિવશ શહેરમાં વસતાં, આર્થિક રીતે નબળાં કુટુંબોના જીવનનું સ્વપ્ન મધ્યમ વર્ગના લોકોનાં સાધનસગવડ સુધી પહોંચવાનું હોય છે. જ્યારે મધ્યમ વર્ગના લોકોની નજર સમૃદ્ધ બનવા તરફ રહે છે.

પરંતુ કઠિન સ્પર્ધાના યુગમાં મહેનત કરીને આર્થિક લાભ મેળવવાનું અને આર્થિક સ્તર બદલવાનું કામ સરળ નથી. આથી વચગાળાના સમયમાં શહેરના લોકો કપડાં અને સૌંદર્યપ્રસાધનોનો ટેકો લેતા જોવા મળે છે. બદલાતા આર્થિક માહોલ અને સામાજિક મૂલ્યો વચ્ચે કપડાં અને સૌંદર્યપ્રસાધનો એક એવું આવરણ સાબિત થઈ રહ્યાં છે જે આર્થિક સ્તરનો ભેદ તત્કાળ દેખાવા દેતાં નથી. એ વ્યક્તિના પ્રદર્શિત વ્યક્તિત્વને કામચલાઉ આત્મસંતોષ આપે છે. આ સ્થિતિવશાત્ શહેરોમાં છેલ્લાં ૧૨- ૧૫ વર્ષથી સસ્તાં સૌંદર્યપ્રસાધનોનો વ્યવસાય વરસે ૪થી ૬ કરોડના ઊથલા સુધી વિકસતો જોવામાં આવ્યો છે.

ગુજરાતનાં મુખ્ય શહેરોમાં સૌંદર્યપ્રસાધનના વેચાણ (પથારા) વ્યવસાય વિશે જોઈએ તો એકલા વડોદરા શહેરના મધ્યભાગે મંગળ બજારની ૧૩૦૦ વ્યક્તિ, તો રાજકોટમાં એમ.જી. રોડ આસપાસ ૭૮૦ વ્યક્તિ ફૂટપાથપર બેસી સૌંદર્યપ્રસાધનની સામગ્રી વેચે છે. સુરતમાં ૧૮૫૦ વ્યક્તિ ફરતી લારી લઈ પથારા વ્યવસાય કરે છે. અમદાવાદમાં ૨૧૮૭ દુકાનોમાંથી સસ્તાં સૌંદર્યપ્રસાધનોનું વેચાણ થાય છે, નાનું પ્રમાણ ૨૬ ટકાથી માંડીને ૨૦૦ ટકા સુધી પહોંચે છે.

અહીં નોંધનીય એ બને છે કે બજારની ફૂટપાથઉપર સૌંદર્યપ્રસાધનો પાથરી બેસતા લોકો રોજના રૂ.૮૦થી ૧૫૦ હપ્તા પેટે ટ્રાફિક પોલીસોને ચૂકવે છે. જ્યારે રસ્તા પરની દુકાન સામે પોતાની લારી રાખી માલ વેચતા ફેરિયા રોજના રૂ.૧૫૦/- દુકાનદારને આપે છે. આમ છતાં સૌંદર્ય પ્રસાધનનો ફૂટપાથપર માલ વેચતા લોકો દૈનિક રૂ.૨૫૦/- તથા લારી ફેરવીને ધંધો કરનારા સાંજ પડે રૂ.૭૭૫/- થી રૂ.૧૫૦૦/- કમાય છે.

સૌંદર્યપ્રસાધનની વસ્તુઓમાં મોસમી ફેરફાર જોવા મળે છે. જેમ કે નવરાત્રિમાં સિલ્વર ઑકિસડાઇઝેશન કરેલાં પતરાનાં ઘરેણાં, રક્ષાબંધનમાં રાખડી અને જન્માષ્ટમીમાં લાલજી મહારાજના વાઘા, હિંડોળાની તૂઈ, જરીનાં મોતી અને વરખનો ઉપાડ વધે છે. ગણપતિ ઉત્સવમાં જરીપાન, ટીકા, પિન, મોતીની ચીજવસ્તુઓની માંગ રહે છે. દિવાળીમાં ચિરોડી, બંગડી, પટ્ટી અને ઉતરાયણમાં ઘૂમતાં, ગુબ્બારા જ્યારે લગ્નગાળામાં કાપડતુઈ, ચંપલનાં બકલ, મેંદી કોનની માંગ વધે છે. હોળી પછીનો એકથી દોઢ માસ અને વરસાદનો સમય મંદીનો સમયગાળો ગણાય.

પરંતુ નાડું, રબ્બર, હેરબૅન્ડ, નેઇલપૉલિશ અને માથાની બો મોનોપોલી આઇટમ ગણાય છે, જેનું ઉત્પાદન બારે માસ ચાલે છે. આથી મધ્યમ વર્ગ અને નબળા વર્ગની બહેનોને નિશ્ચિત રીતે સર્જનાત્મક કામ અને રોજી મળતાં રહે છે. વ્યવસાય સમયે ઉપલબ્ધ કાચા માલની સ્થિતિ જોઈએ તો મુંબઈમાં પ્લાસ્ટિક મટિરિયલ, ડાઇ, થિનર સસ્તામાં મળે છે, તો અમદાવાદમાં જરી, તૂઈ, દોરી અને મથુરામાં કાચ, મેટલને લગતા મટિરિયલની કયારેય પણ શોર્ટેજ રહેતી નથી.

પથારા વ્યવસાયની ચીજવસ્તુઓના ઉત્પાદન માટે બહેનો બપોરે ૧૨થી ૪ સુધી તાલીમ મેળવે તો તાલીમના અંતે તેઓ સ્વબળે રોજી કમાતી થાય. જરૂરિયાતમંદ સ્ત્રીઓને ૮થી ૧૦ની સંખ્યામાં ૧૫ દિવસ તાલીમ આપતા માથામાં નાંખવાનાં બકલ, શીશીમાં જરી ભરી પૅકિગ કરવું, નાડું કાપી પૅકિગ કરી સીલ કરવું, રબરઍન્ડ તૈયાર કરી મૅકિગ કરવું, પૉલિશ, ડાઇ તૈયાર કરી પેંકિગ કરવું, માથાની બો બનાવવી, બંગડી બાંધવી, વિવિધ પ્રકારની માળા, હેરબૅન્ડ, સ્પંજ રાખડી પ્રકારનાં કામો આસાનીથી શીખી લેછે.

બાદ તાલીમી જૂથને વ્યાપારીઓ સાથે મુલાકાત અને બજાર સર્વેક્ષણ માટે પણ મોકલતાં બહેનો વધુ વ્યવહારુ અભિગમ કેળવી શકે છે. તાલીમાર્થી બહેનોના ઉત્પાદિત કામને બજારમાં વેચવાનું કામ સ્વૈચ્છિક સંસ્થા યોજી શકે તો એક બહેન નિશ્ચિત રીતે રોજના રૂ.૧૦૦ થી રૂ.૧૫૦ કમાતી થાય. મહિલા સશકિતકરણ યોજના હેઠળ બહેનોનાં જુથ બને, ગ્રામીણ બેંકો જૂથલોન આપે અને સ્વૈચ્છિક સંસ્થાઓ તૈયાર માલના વેચાણની જવાબદારી લે તો ગરીબ સ્ત્રીના જીવનમાં સાચા અર્થમાં ફરક આવે છે.

પુરુષ કમાણીનો થોડો હિસ્સો પોતાના શોખ કે વ્યસન માટે રાખે છે. પરંતુ ગરીબ કુટુંબની બહેનોના હાથમાં આવતી મૂડી તેમનાં બાળકોના સલામત ભવિષ્ય માટે ખર્ચાય છે ત્યારે હવે બહેનો વધુ શક્તિસંપન્ન બને અને કમાતી થાય તે આવશ્યક છે. સૌંદર્ય પ્રસાધનની ચીજ-વસ્તુઓનો ઉપાડ બારેમાસ રહે છે. આ કામ બહેનો પોતાનાં બાળકો અને ઘરનાં સ્નેહીઓની મદદથી અનુકૂળ સમયે ઘરના કામકાજ સાથે સાથે કરી શકે છે અને સ્વમાન જોગ આવક પણ મેળવી શકે છે. આથી ગૃહ ઉદ્યોગ તરીકે સ્વીકારી શકાય. સર્જનશીલતાને સાચી પૂજા ગણાવતાં આપણાં શાસ્ત્રોએ સ્ત્રીઓ પ્રત્યે વિશેષ આદર દાખવ્યો છે. ત્યારે બહેનોએ જ પોતાની જાતને શિક્ષણ, કૌશલ્ય અને સ્વમાન જોગ આવક વચ્ચે મૂકી સમાજને નારી શક્તિની બીજી બાજુ દર્શાવવી પડશે.
– ડૉ. નાનક ભટ્ટ            -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top