Dakshin Gujarat

વલસાડના વેપારી સંબંધીને મળવા મુંબઈ ગયા અને બંધ ઘરમાં આવો કાંડ થઈ ગયો

વલસાડ : વલસાડના (Valsad) એક વેપારીને (Trader) ઘરમાં તાળું મારીને સંબંધીને મળવા જવાનું ભારે પડી ગયું છે. વેપારી પોતાના સંબંધીના ત્યાં હતાં ત્યારે તેમના બંધ ઘરમાં એવો કાંડ થઈ ગયો કે વેપારીને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો હતો. ઘરની સ્થિતિ જોઈને વેપારી સીધા પોલીસ સ્ટેશને દોડ્યા હતા.

  • વલસાડના હાલર રોડ પર રહેતા વેપારીના ઘરમાં ચોરી
  • દરવાજામાં બાકોરું પાડી તસ્કરો ઘરમાં ઘૂસ્યા
  • સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત 5.66 લાખનો મુદ્દામાલ ચોરી ગયા

વલસાડના હાલર પાસે રહેતા એક વેપારી પોતાનું ઘર બંધ કરીને સગાસંબંધીને ત્યાં ગયા હતા. ત્યારે તસ્કરોએ બંધ ઘરના બારણામાં‌ બાકોરું પાડીને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોકડ રૂપિયા મળીને કુલ રૂ. 5.66 લાખની ચોરી (Theft) કરી ફરાર થઈ ગયા હતા જે અંગેની ફરિયાદ નોંધાઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડના હાલર સુપર હાઉસ જલારામ મંદિર ક્રોસરોડ ભગતસિંહ હોમની સામે રહેતા સંજીવ અશોક શાહ બીલીમોરામાં કુલનટ બનાવવાની ફેક્ટરી ધરાવે છે. એક દીકરો આદિત્ય તે પણ એમની સાથે બિઝનેસમાં કામ કરે છે.

ગત તા.14-4-23 ના રોજ સવારે સંજીવભાઈ પોતાની પત્ની સાથે બીલીમોરા સગાસબંધીને ત્યાં હાજરી આપવા ગયા હતા. એમનો દીકરો આદિત્ય એની પત્ની સાથે મુંબઈ ઘર બંધ કરીને ગયા હતા. ત્યારે ઘરના દરવાજા બંધ જોઈને તસ્કરોએ પાછળના બારણામાં બાકોરું પાડીને ઘરમાં પ્રવેશ કરીને બેડરૂમમાં લાકડાંના કબાટમાંથી સોનાનું પેન્ડલ, સોનાની વીંટી, સોનાની બુટ્ટી, સોનાની ચેન તથા ચાંદીની બંગડી, ચાંદીની વીંટી, ચાંદીનો ગ્લાસ, ચાંદીની લગડી સાથે સોના-દાગીના મળીને કુલ રૂ. 3.24 લાખ અને પુત્રવધુને કન્યાદાનમાં આપેલા રોકડા રૂપિયા તથા તેમણે નાનપણથી બચત કરેલા રોકડ રૂ.2.30 લાખ અને રોકડા 11,700 મળીને કુલ રૂ.5.66 લાખની ચોરી કરી ગયા હતા. પરિવારજનો ઘરે આવતા ઘરનો સામાન વેર વિખેર હાલતમાં જોતા પોલીસને જાણ કરી હતી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top