Dakshin Gujarat

પૂર્વ ગૃહમંત્રીના બંગલામાં ચોરી થતાં નવસારી પોલીસ દોડતી થઈ

નવસારી: ગુજરાત (Gujarat) રાજ્યના કોંગ્રેસ (Congress) પક્ષના પૂર્વ ગૃહમંત્રી (Ex Home Minister) સ્વર્ગસ્થ સી.ડી. પટેલના (CDPatel) બંધ બંગલામાં ચોરી (Theft) કરવાના ઈરાદે ચોર ટોળકી ઘૂસી હોવાના સનસનીખેજ સમાચાર સામે આવ્યા છે. બંધ મકાનમાં કશું કિંમતી હાથ નહીં લાગતા ચોરટાઓ સીસીટીવી (CCTV) કેમેરાનું ડીવીઆર (DVR) ઉઠાવી ગયા હોવાની માહિતી મળી છે. નવસારી (Navsari) પોલીસે ચોરીનો પ્રયાસ કરનારી ચોર ટોળકીને શોધવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

  • સ્વર્ગસ્થ ગૃહમંત્રી સીડી પટેલના બંગલામાં ચોર ઘૂસ્યા
  • ચોર ટોળકીને કોઈ કિંમત વસ્તુ મળી નહીં
  • ચોર સીસીટીવી કેમેરાનું ડીવીઆર ઉઠાવી ગયા
  • ચોરીની ઘટના બનતા કોંગી આગેવાનો બંગલા પર દોડી ગયા
  • આ વિસ્તારમાં અવારનવાર ચોરી થતી હોય સ્થાનિકોમાં ગુસ્સો
  • ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના પૂર્વ ગૃહમંત્રી સ્વર્ગસ્થ સી.ડી. પટેલનું નવસારી શહેરના તીઘરા ઇટાળવા અને ગણદેવી રોડના પોશ વિસ્તારમાં બંગલો આવેલો છે. વપરાશ વિનાનો આ બંગલો લાંબા સમયથી બંધ પડ્યો છે. વર્ષોથી બંધ બંગલામાં સમયાંતરે સાફ-સફાઈ કરવામાં આવતી હતી, તે સિવાય તેનો કોઈ વપરાશ નહોતો, પરંતુ આજે સવારે બંગલાના દરવાજાના તાળાં તૂટ્યા હોવાનું સ્થાનિકોના ધ્યાને આવતા તેઓએ સી.ડી. પટેલના પરિવારજનોને જાણ કરી હતી. તેથી તેમના પરિવારજનો અને કોંગ્રેસના આગેવાનો બંગલે દોડી ગયા હતા. જોકે, બંગલામાં કોઈ કિંમતી સામાન નહોતો. ચોરોને હાથમાં કશું આવ્યું નહોતું. ચોરો સીસીટીવીનું ડીવીઆર ઉઠાવી ગયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં પણ આ વિસ્તારમાં આવી ચોરીઓ થઈ છે. અહીં મોટા ભાગના બંગલા બંધ પડ્યા હોય ચોર ટોળકીઓના સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે. સ્થાનિક રહીશોએ ડીવાયએસપી અને રૂરલ પીઆઈ સાથે મિટીંગ કરી સઘન પેટ્રોલિંગ માટે માંગ કરી હતી. થોડા દિવસ બાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ચોર ટોળકીને પકડવાના પૂરતા પ્રયાસ પણ કરાયા હતા. છતાં ચોરીની ઘટનાઓ પર અંકુશ આવી રહી નથી.

ચીખલીના રાનકુવામાં 1.94 લાખની ઘરફોડ ચોરી
ઘેજ : ચીખલી તાલુકાના રાનકુવા ગામે કરીયાણાનો સામાન લેવા જતા તસ્કરોએ ઘરને નિશાન બનાવી ધોળા દિવસે રૂ.૧.૯૪ લાખની મત્તાની ચોરી કરી પલાયન થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદી ગંગાબેન છનાભાઈ પટેલ (ઉ.વ-૭૧ રહે.રાનકુવા શિવદર્શન સોસાયટી તા.ચીખલી) જે તા.૨૩/૦૮/૨૦૨૨ ની સવારના ૧૧ વાગ્યાના સમયે તેમના જમાઈ સાથે ઘરના દરવાજાને તાળું મારી ચીખલી કરીયાણાનો સામાન લેવા માટે નીકળ્યા હતા. જે પરત બપોરે ૨ વાગ્યાના સમયે આવતા ઘરના આગળના દરવાજાને મારેલું તાળું તૂટેલી હાલતમાં હતુ. તેમણે ઘરની અંદર પ્રવેશ કરી જોતા પ્રથમ માળે બેડરૂમમાં રાખેલા કબાટનુ લોક તોડી તેમાંથી સોનાનું મંગળસૂત્ર,સોનાની બુટ્ટી, ચાંદીના સાંકળા, ચાંદીની મૂર્તિ, ચાંદીનું લુઝ, સોનાની વિટી, ચાંદીની ચેઇન, ચાંદીના કડા, ચાંદીના સાંકળા, સોનાની જળ, ચાંદીનું લુઝ તેમજ રોકડ રૂપિયા ૫૦,૦૦૦ મળી કુલ્લે રૂ.૧,૯૪,૦૦૦ ની ચોરી કોઈ ચોર ઇસમ કરી ફરાર થઇ જતા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી બનાવની વધુ તપાસ પીએસઆઇ પી.વી.વસાવા કરી રહ્યા છે.

Most Popular

To Top