દેશના પાંચ રાજ્યોમાં ચાલી રહેલા વિધાનસભા ચૂંટણીના પરિણામોના રુઝાનો વચ્ચે ભારતીય શેરબજારમાં સોમવારે જબરદસ્ત તેજી જોવા મળી. પશ્ચિમ બંગાળમાં ક્યાંક TMC આગળ છે તો ક્યાંક BJP આગળ હોવાના સમાચાર વચ્ચે રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો, જેના કારણે બજારમાં ખરીદીનો માહોલ બન્યો
સવારે બજાર ખુલતા જ BSE Sensex 800થી વધુ અંકની ઉછાળ સાથે તેજીમાં રહ્યો. તે પોતાના અગાઉના ક્લોઝિંગ 76,913ની સરખામણીએ 77,257 પર ખુલ્યો અને થોડા જ સમયમાં 830 અંક ઉછળી 77,746 સુધી પહોંચી ગયો. આ સાથે NSE Nifty પણ મજબૂત વૃદ્ધિ સાથે 24,000ના મહત્વના સ્તર પાર કરીને 24,245 સુધી પહોંચી ગયો.
ચૂંટણીના પરિણામોના દરેક અપડેટ સાથે બજારની દિશામાં ફેરફાર જોવા મળ્યો. વિદેશી બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતો પણ ભારતીય બજારને ટેકો આપતા રહ્યા. એશિયાના મોટા ભાગના બજારો ગ્રીન ઝોનમાં ટ્રેડ કરતા હતા અને Gift Nifty પણ તેજીમાં જોવા મળ્યો, જે સ્થાનિક બજાર માટે સારો સંકેત સાબિત થયો.
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો લગભગ તમામ ક્ષેત્રોમાં તેજી જોવા મળી. ઓટો, રિયલ્ટી, FMCG, મેટલ્સ અને PSU બેન્કિંગ સેક્ટરમાં ખાસ ખરીદી નોંધાઈ. રોકાણકારોએ આ સેક્ટરોમાં વિશ્વાસ બતાવ્યો, જેના કારણે ઇન્ડેક્સ વધુ મજબૂત બન્યો. લાર્જકેપ શેરોમાં પણ જબરદસ્ત ઉછાળો નોંધાયો. Maruti Suzuki ના શેરમાં 4.10%નો વધારો જોવા મળ્યો, જ્યારે Hindustan Unilever 3.95% સુધી ચઢ્યો. આ સિવાય Larsen & Toubro, Asian Paints અને Adani Ports ના શેરોમાં પણ મજબૂત તેજી નોંધાઈ.
બેન્કિંગ સેક્ટરમાં પણ સકારાત્મક ચાલ જોવા મળી. Axis Bank, HDFC Bank અને State Bank of India ના શેરોમાં વધારાની સાથે ટ્રેડિંગ થયું. ચૂંટણીના પરિણામો અને વૈશ્વિક સંકેતોના સંયુક્ત પ્રભાવ હેઠળ બજારમાં ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો છે. હવે અંતિમ પરિણામો આવ્યા બાદ બજાર કઈ દિશામાં જશે તે રોકાણકારો માટે મહત્વપૂર્ણ રહેશે.