Gujarat Main

ખેલ મહાકુંભના રજિસ્ટ્રેશન માટે સરકારે લીધો મહત્વનો નિર્ણય, રમતવીરોને થશે આ ફાયદો

ગાંધીનગર: રાજ્યના યુવાઓ-રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજ્યમાં દરે વર્ષે ખેલ મહાકુંભનું (Khel Mahakunmbh) આયોજન કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) દ્વારા 12મી માર્ચે સરદાર પટેલ સ્ટેડિયમ (Sardar Patel Stadium) ખાતે ખેલ મહાકુંભ 2022નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કોરોના બાદ ફરી એક વાર ખેલ મહાકુંભ યોજાવા જઈ રહ્યો છે. ખેલ મહાકુંભની લોકપ્રિયતાને ધ્યાને લઈ આ વર્ષે અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન (Registration) કરાવ્યું છે. ત્યારે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) જણાવ્યું કે રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ઓપન કરવાનો નિર્ણય રાજ્ય સરકારે લીધો છે.

વધુમાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ વર્ષના ખેલ મહાકુંભમાં કેટલાક રમતવીરોની રજિસ્ટ્રેશનની માંગ આવતા રમતવીરોના હિતમાં સરકારે નિર્ણય કર્યો છે. સમગ્ર ગુજરાતમાંથી હજારો વિનંતી અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને #Khelmahakunmbh2022 માટે રજિસ્ટ્રેશન કરી શકો છો, આજે સવારે 10 વાગ્યાથી આવતી કાલે સવારે 11:59 વાગ્યા સુધી રસ ધરાવતા રમતવીરો પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.

કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ દ્વારા બે દિવસ અગાઉ રજૂઆત કરવામાં આવી હતી કે, હજુ પણ અનેક એવા ખેલાડીઓ છે, જેઓ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. તેથી તે સમયે ગૃહમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે, રજિસ્ટ્રેશનથી વંચિત ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવશે. તેથી કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન બે દિવસ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બે દિવસ રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવતા આગામી દિવસોમાં વધારે રજિસ્ટ્રેશન થવાની શક્યતો સેવાઈ રહી છે.

12 માર્ચે સરદાર પટેલ સ્ટેડિયમાં વડાપ્રધાન મોદી દ્વારા 11મા ખેલ મહાકુંભ તથા ગુજરાત ખેલ કૂદ નીતિ 2022-27નું અનાવરણ કરવામાં આવ્યું હતું. મોદીએ આ કાર્યક્રમમાં હુંકાર કર્યો હતો કે, ‘ના હિન્દુસ્તાન રુકનેવાલા હૈ, ના થકનેવાલા હૈ’! સ્પોર્ટસમાં ભારતનો સુવર્ણયુગ ઉદય પામી ચુક્યો છે.

Most Popular

To Top