Columns

પ્રકૃતિના ત્રણ નિયમ

ગુરુજી વહેલા શિષ્યોને લઈને ટહેલવા નીકળ્યા અને ટહેલતાં ટહેલતાં પ્રકૃતિના સૌન્દર્યને નિહાળતાં ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, આજે હું તમને પ્રકૃતિના નિયમ સમજાવીશ અને આ ત્રણ નિયમ જીવનમાં પણ એટલા જ લાગુ પડે છે.પ્રકૃતિના આ નિયમો એકદમ કડક છે. તેમાં કોઈ બદલાવ કરી શકાતો નથી.’ આગળ વધતાં તેઓ એક ખેતર પાસે પહોંચ્યા. ખેડૂત ખેતરમાં વાવણી કરી રહ્યો હતો.તે જોઇને ગુરુજીએ કહ્યું, ‘પ્રકૃતિનો પહેલો નિયમ છે કે જો ખેતરમાં તેને ખેડીને બીજ વાવવામાં આવે તો તે પ્રમાણે પાક ઊગે છે, પણ જો બીજ વાવવામાં ન આવે તો તેમાં આપોઆપ નકામું ઘાસ ઊગી નીકળે છે.

અને આ નિયમ પ્રમાણે જો આપણે જીવનમાં મન અને મગજમાં સારા સકારાત્મક વિચારો અને જ્ઞાન વાવીએ તો જીવન સુખમય થાય છે અને તેમ ન કરીએ તો મન અને મગજમાં નકારાત્મક વિચારો ઘર બનાવી લે છે અને જીવન દુઃખમય બનાવી દે છે.માટે હંમેશા મન અને મગજમાં સારા સકારાત્મક વિચારો રોપતા રહો અને મન મગજને ખાલી ન રાખતાં કોઈ ને કોઈ નવી પ્રવૃત્તિ કરો,કૈંક નવું શીખો અને કંઇક નવું વાંચતાં રહો તો નકારાત્મક વિચાર માટે જગ્યા જ નહિ રહે.’

શિષ્યો ધ્યાનથી ગુરુજીની વાત સાંભળી રહ્યા હતા. ગુરુજી પોતાના કમંડળમાંથી પાણી પીવા રોકાયા અને કમંડળમાંથી સહેજ પાણી બહાર ઢોળાયું.ગુરુજીએ પૂછ્યું, ‘શિષ્યો, આ કમંડળમાંથી પાણી જ કેમ બહાર ઢોળાયું? ’શિષ્યો બોલ્યા, ‘ગુરુજી, કમંડળમાં પાણી ભરેલું હોય તો પાણી જ બહાર ઢોળાય ને બીજું કશું કઈ રીતે ઢોળાઈ શકે?’ ગુરુજી હસ્યા અને બોલ્યા, ‘હવે સાંભળો. પ્રકૃતિનો બીજો નિયમ નદી પાણી આપે છે …વૃક્ષ છાંયો…ફળ,ફૂલ,લાકડું બધું જ આપે છે. નિયમ છે કે જેની પાસે જે હોય તે જ તે બીજાને આપી શકે છે.જીવનમાં પણ આપણે આપણી પાસે જે હશે તે જ આપી શકીશું.દુઃખી દુઃખ આપી શકે અને સુખી સુખ આપી શકે,જ્ઞાની જ્ઞાન આપી શકે અને ભયભીત ભય આપી શકે,તમે જે દુનિયાને આપવા માંગો છો તે પહેલાં મેળવો. તમારી પાસે જે હશે તે જ તમે આપી શકશો .’

ગુરુજી શિષ્યો સાથે આગળ વધ્યા. એક શિષ્યે રસ્તામાં વધુ ખોરાક ખાધો હતો. તેને ઉલટી થઈ. ગુરુજીએ તેને દવા આપી અને થોડી વાર ઝાડ નીચે આરામ કરવા કહ્યું અને બધા ઝાડ નીચે બેઠા ત્યારે આગળ બોલ્યા, ‘પ્રકૃતિનો ત્રીજો નિયમ છે ખપ પૂરતું જ લેવું અને જે લો, જે મળે તેને બરાબર પચાવતાં શીખવું.જો ભોજન વધારે લેવાઈ જાય, ન પચે તો રોગ વધે. પૈસા બહુ મળે ને પચાવતાં ન આવડે તો અભિમાન અને દેખાડો વધે.વાત મનમાં ન પચે તો નિંદા વધે.પ્રશંસા અને વખાણ ન પચાવતાં આવડે તો જાત પરનુ ઘમંડ વધે.દુઃખ ન પચે તો નિરાશા વધે.સુખ ન પચે તો પાપ વધે.આ જીવનનું સત્ય છે, એટલે જે મળે તે સ્વીકારીને સંભાળતાં અને પચાવતાં શીખવું જરૂરી છે.’ગુરુજીએ પ્રકૃતિના ત્રણ નિયમ સમજાવી જીવન વિષે અણમોલ સમજ પોતાના શિષ્યોને આપી.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top