Comments

જમ્મુ-કાશ્મીરમાં આઝાદની કસોટી

કમમાં કમ ચાલુ નાણાંકીય વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થવાની સંભાવના દેખાતી નથી, પણ રાજકીય વર્તુળોએ ગડમથલ શરૂ કરી દીધી છે. ભારતીય જનતા પક્ષ સહિતના રાજકીય પક્ષો આત્મસંતોષી થઇ ગયા છે એમ ન કહી શકાય, પણ તેમનો ડોળો હવે 2024ની લોકસભાની ચૂંટણી પર છે. તેમનું એટલે કે ભારતીય જનતા પક્ષ સિવાયના પક્ષોનું ધ્યેય નરેન્દ્ર મોદીના વિજય રથનો સામનો કરવાનું છે. જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં સામાન્ય ચૂંટણી પહેલાં અસર પાડી શકે અને રાજકારણ કેવો આકાર લઇ શકે તેનો નિર્દેશ આપતી બે ઘટનાઓ બની છે.

આ ઘટનાનાં બે મુખ્ય પાત્રો નેશનલ કોન્ફરન્સના વડા ડો. ફારૂખ અબ્દુલ્લા અને ડેમોક્રેટિક આઝાદ પાર્ટીના વડા ગુલામ નબી આઝાદ છે.’ડો. ફારૂખ અબ્દુલ્લા જરૂર પડે ભારતીય જનતા પક્ષમાં પણ જોડાઇ જાય એવી સંભાવનાનાં ગણિત મંડાય છે, જયારે આઝાદે તાજેતરમાં કોંગ્રેસને રામ રામ કર્યા છે. આ ઉપરાંત પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના વડા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મહેબૂબા મુફતી ચૂંટણી જંગ માટે કમર કસી રહ્યા છે, પછી તે વિધાનસભાની હોય કે લોકસભાની?

નેશનલ કોન્ફરન્સના વડા ડો. અબ્દુલ કલામે પોતાના પક્ષના એક વરિષ્ઠ નેતા જાવેદ રાણાને કોંગ્રેસના સંસદસભ્ય સંતોષ ચૌધરીના નિધનથી ખાલી પડેલી બેઠકની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારના પ્રચાર માટે જલંધર જવાનો આદેશ આપ્યો. પ્રખર ગુજ્જર નેતા રાણા વિસર્જીત જમ્મુ-કાશ્મીરની વિધાન પરિષદના ભૂતપૂર્વ નાયબ અધ્યક્ષ છે. આ ઉપરાંત રાણા નેશનલ કોન્ફરન્સ પાંજલના ઝોનલ પ્રમુખ છે. આ ઝોન પાકિસ્તાન સરહદે આવેલા પૂંચ અને રાજૌરી જિલ્લાનો બનેલો છે. જમ્મુ-કાશ્મીરના નવા સીમાંકનને કારણે આ ઝોન જમ્મુ-પૂંચ લોકસભા મત વિસ્તારમાંથી છૂટો પાડી કાશ્મીર ખીણમાં પાંજલની પર્વતમાળાને પાર અનંતનાગનો વિસ્તાર બનાવી દેવાયો છે.

ડો. અબ્દુલ્લા રાજકીય કાવાદાવાના ખાં ગણાય છે. તેમણે આ હિલચાલથી પોતાની રાજકીય પ્રાથમિકતાનો નિર્દેશ પણ આપી દીધો છે અને લોકસભાની આ બે બેઠકની ભૂગોળમાં ફેરફાર કરવા સામે વિરોધ નહીં કર્યો હોય તોય સવાલ તો ઉઠાવ્યો છે. જલંધરમાં કોંગ્રેસના ઉમેદવારને ટેકો આપી તેમણે એ પણ બતાવી દીધું છે કે લોકસભાની કે વિધાનસભાની બે માંથી ચૂંટણી માંથી જે પહેલી આવે તેમાં નેશનલ કોન્ફરન્સ કોને પાટલે બેસશે. દરમ્યાન ખાસ કરીને કાશ્મીર ખીણમાં ડો. અબ્દુલ્લાના વિરોધીઓ કહે છે કે તેઓ કાશ્મીરીઓને મૂર્ખ બનાવે છે. વાજપેયીના શાસનમાં ભારતીય જનતા પક્ષ સાથે ઘરોબો રાખનાર ડો. ફારૂખ અબ્દુલ્લા ફરી ભારતીય જનતા પક્ષ સાથે રહે એ બાબતે સાવધાન.

પીપલ્સ કોન્ફરન્સના વડા અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી તથા ભારતીય જનતા પક્ષની સરકારના ભૂતપૂર્વ પ્રધાન સજ્જાદ લોણે અને નવરચિત પક્ષ અપની પાર્ટીના વડા તેમજ એ જ સરકારના એક પ્રધાન અલ્તાફ બુખારી આ હાઉ ઊભો કરી રહ્યા છે. બંને પર ભારતીય જનતા પક્ષના ચાર હાથ હોવાનું કહેવાય છે. જો કે ડો. અબ્દુલ્લાએ પોતાની સ્પષ્ટતા કરી જ દીધી છે. દિલ્હીથી ભારતીય જનતા પક્ષનું દબાણ વધ્યું છે. પણ ડો. અબ્દુલ્લાએ સ્પષ્ટતા કરી છે. ડો. ફારૂખ અબ્દુલ્લા પાસે તેમના દીકરા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉમર અબ્દુલ્લા કરતાં ઠેકડા મારવાના વિકલ્પો ઓછા છે. ભારતીય જનતા પક્ષ અને પીપલ્સ ડેમોક્રેટિકના ગઠબંધનનો અંજામ તેમની નજર સમક્ષ છે. આ બધાની સરખામણીમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીના સ્થાપક મુફતી મોહમ્મદ સૈયદ એક સાહસિક રાજકારણી હતા. ડો. મેહબૂબાએ તેના વારસદાર બની ગઠબંધનને કડડભૂસ કરી દીધું. જો કે મુફતી પરિવાર ટકી રહેવા માટે સંઘર્ષ કરે છે.

ડો. અબ્દુલ્લા ભોળા રાજકારણી નથી, પણ અત્યારે તેમનો રાજકીય સાહસ માટે સમય નથી. જલંધરમાં કોંગ્રેસ માટે વરિષ્ઠ નેતાને મોકલી તેઓ ગુજ્જર મતદારોને રીઝવવા માંગતા હોય તો તેઓ રાજય અને રાષ્ટ્રના રાજકારણમાં ભેદી શતરંજ ખેલી રહ્યા હોય એમ લાગે છે. બીજી તરફ આઝાદ પોતાની શૈલીમાં મોદી અને તેમની સરકારના ગુણગાન ગાય છે.
તાજેતરમાં આઝાદે જી-20ની પરિષદ સંબંધમાં જમ્મુમાં આયોજન કરવા બદલ મોદીની પ્રશંસા કરી અને બીજી બાજુ ચોખવટ પણ કરતા જાય છે કે ચૂંટણી પહેલાં મને અને ભારતીય જનતા પક્ષ કે અન્ય પક્ષોને શું લેવા દેવા?

આની સરખામણીમાં ડો. અબ્દુલ્લા કાશ્મીરમાં સર્વોચ્ચ નેતા તરીકે અને લડાખમાં મર્યાદિત અસરદાર તરીકે ઉપસી રહ્યા છે. તેમની છબી સ્પષ્ટ છે તે તેમને માટે લાભદાયી છે. આમ છતાં બંધારણની કલમ 370ની આંશિક નાબૂદી અને રાજકીય સશકિતકરણ માટે કેન્દ્રના અને સ્થાનિક વહીવટી તંત્રના ઇન્કાર અને લોકોની રોજી રોટીની સમસ્યાના સંતોષકારક ઉકેલ વગર આઝાદ કેવું કાઠું કાઢે છે તે જોવાનું રહ્યું.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top