Dakshin Gujarat

સ્ટેચ્યું ઓફ યુનિટીના લીધે ફોર લેન રસ્તો તો બન્યો, છતાં ખેડૂતોના વળતર માટે વલખાં

સ્ટેચ્યુ ઓફ યુનિટી ( statu of unity) સુધી પ્રવાસીઓને આવવામાં અગવડ ન પડે એ માટે સરકારે ફોર લેન રસ્તા તો બનાવી દીધા છે. પણ રસ્તા બનાવવા ખેડૂતોએ આપેલી જમીનના વળતર માટે ખેડૂતો ( farmers) એ હાલ વલખા મારવાનો સમય આવ્યો છે. રાજપીપળા પ્રાંત કચેરી અને નેશનલ હાઈવેના અધિકારીઓની આળસ ભરી નીતિને લીધે આજે જગતનો તાત હાલાકી વેઠી રહ્યો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેકટને લઈને દેવલિયાથી રાજપીપળા સુધી ફોર લેન રસ્તો ( four lane road) મંજૂર થયો હતો. સ્ટેટ હાઇવે દ્વારા દેવલિયાથી રાજપીપળા સુધી રોડ બનાવવા જમીન સંપાદિત પણ થઈ ગઈ હતી. ત્યારે દેવલિયાથી રાજપીપળા સુધીનો રોડ નેશનલ હાઈવે જાહેર થયો હતો. દરમિયાન સમય જતાં રોડની કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ, તે છતાં સ્ટેટ હાઇવે ( state highway) દ્વારા કરાયેલ જૂના સંપાદનનું સરકારે 20-25 ગામના ખેડૂતોને વળતર ચૂકવ્યું જ નહીં. આથી ઉગ્ર બનેલા ખેડૂતોએ ભાણન્દ્રા ગામ નજીક બની રહેલા ઓવરબ્રિજનું કામ પણ અટકાવ્યું હતું. જે કામ હાલમાં પણ બંધ હાલતમાં છે. ભાણન્દ્રા વિસ્તારના ખેડૂતો તો એવો આક્ષેપ કરી રહ્યા છે કે સરકારે અમારી પાસેથી જોર જબરદસ્તી જમીન છીનવી લઈ ઓવરબ્રિજનું કામ શરૂ કર્યું છે. જ્યાં સુધી અમને વળતર નહીં મળે ત્યાં સુધી અમે બ્રિજનું કામ ચાલુ થવા નહીં દઈએ.

અમે ઊભા તૈયાર પાક કાપી જમીન આપી છે: દેવાંગ પટેલ

વાવડી ગામના ખેડૂત દેવાંગ પટેલે જણાવ્યું હતું કે, જ્યારે રોડ મંજૂર થયો ત્યારે એજન્સીએ વાવડી-વડિયા ગામની જમીનના ઊભા પાકની નુકસાનીનો સરવે પણ કર્યો હતો. અમારી જમીનોનું નવું સંપાદન પણ થઈ ગયું છે. અમે ઊભા તૈયાર પાક કાપી જમીન આપી છે. રોડ પણ તૈયાર થઈ ગયો, તે છતાં વળતર માટે અમારે કચેરીઓના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. મારા જેવા તો 20 ખેડૂત છે. જેમની કરોડો રૂપિયાની જમીન સરકારે લઈ લીધી પણ વળતર નથી મળ્યું.

એવોર્ડનું કામ થઈ ગયા પછી વળતર મળશે: હિતેશ સોલિયા,નેશનલ હાઈવે ભરૂચ ડિવિઝનના કાર્યપાલક ઈજનેર હિતેશ સોલિયાએ જણાવ્યું હતું કે, વાવડી-વડીયા ગામનું એવોર્ડનું કામ થઈ ગયા પછી એમને વળતર મળશે. જ્યારે એ સિવાયનાં ગામોનું એવોર્ડનું કામ થઈ ગયું છે. ટૂંક સમયમાં જ એમને વળતર મળી જશે.

હાલ અમે કોવિડની કામગીરી કરીએ છીએ: કે.ડી ભગત,નાંદોદ પ્રાંત અધિકારી કે.ડી.ભગતે જણાવ્યું હતું કે, મને એ બાબતે કોઈ જ આઈડિયા નથી. હમણા અમે કોવિડની કામગીરી કરીએ છીએ.

Most Popular

To Top