Gujarat

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ થશે, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદ: સતત ચારથી પાંચ દિવસ સુધી આખાય ગુજરાતને (Gujarat) ધમરોળ્યા બાદ મેઘરાજા રવિવારથી શાંત પડ્યા છે. વરસાદ (Rain) ધીમો પડવા સાથે ચોમાસાનો (Monsoon) પહેલો રાઉન્ડ પૂરો થયો હોઈ લોકોએ હાશકારો અનુભવ્યો છે, પરંતુ હવે ગુજરાતીઓ વરસાદના બીજા રાઉન્ડ માટે તૈયાર થવું પડશે. કારણ કે ગુજરાતના આકાશમાં નવી સર્કયુલેશન સિસ્ટમ તૈયાર થઈ રહી છે, જેના પગલે આગામી ગુરુવારથી રાજ્યમાં ચોમાસાનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરૂ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હવામાન વિભાગ અનુસાર આગામી તા. 6 જુલાઈને ગુરુવારના રોજથી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે. ત્યાં સુધી હળવોથી મધ્યમ વરસાદ અલગ અલગ વિસ્તારોમાં પડશે. જૂની સિસ્ટમ નરમ પડતા વરસાદ ધીમો પડ્યો છે પરંતુ હવે નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના લીધે તા. 6 જુલાઈથી મેઘરાજા ફરી તોફાની ઈનિંગ રમે તેવી શક્યતા છે. હવામાન વિભાગે તા. 6 જુલાઈથી પાંચ દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર 6 જુલાઈથી અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં દાદરા નગર હવેલી, વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. તે ઉપરાંત 7 જુલાઈથી અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ તેમજ સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. તોફાની ભારે પવન સાથે વરસાદ વરસશે. હવામાન વિભાગે 4થી 77 જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના આપી છે.

હવામાનના જાણકારોના મતે પણ જુલાઈના બીજા સપ્તાહમાં સમગ્ર ગુજરાતમાં મૂશળધાર વરસાદ વરસી શકે છે. તા. 7થી 15 જુલાઈ સુધી રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસશે. ખાસ કરીને સૌરાષ્ટર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. ત્યાર બાદ 25 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ વરસશે. ચોમાસાના પહેલાં રાઉન્ડમાં ગુજરાતમાં સરેરાશ 11 ઈંચ વરસાદ પડ્યો છે, બીજા રાઉન્ડમાં પણ નોંધપાત્ર વરસાદ વરસે તેવી સંભાવના છે.

Most Popular

To Top