Columns

રોલ પૂરો થાય છે

એક ખૂબ જ પ્રખ્યાત નાટકના કલાકાર. જેમનું લગભગ આખું જીવન સ્ટેજની આજુબાજુ જ વીત્યું હતું. બાળપણમાં મા મૃત્યુ પામી અને પિતા નાટક કંપનીમાં પ્રોપર્ટી મેનેજરનું કામ કરે એટલે પિતા જ્યાં શો હોય ત્યાં તેને સાથે લઇ જાય. આમ આખું બાળપણ સ્ટેજની પાછળ વીત્યું.બધા કલાકારો તેને વ્હાલ કરતા, રમાડતાં. તે બાળક ધીમે ધીમે મોટો થયો.બધાને અભિનય કરતાં જોઈ તે પણ આપોઆપ અભિનય કરતાં શીખી ગયો. બાળ ક્લાકારના પાત્ર કરવા લાગ્યો.વર્ષો વીત્યાં, બાળ કલાકાર નાટકનું મુખ્ય પાત્ર બની ગયો.દેશ વિદેશમાં તેના નામના અને અભિનયના ડંકા વાગવા લાગ્યા.એક પછી એક તેના બધા નાટક સુપર હિટ થતાં.ખાસ તેના માટે ભૂમિકા અને પાત્ર લખતા.તેનાં વળતાં પાણી ક્યારેય ન થયાં, ઉંમર વધી તો પાત્ર બદલાયાં અને તેઓ દરેક પાત્રમાં જાન રેડી તેને જીવંત કરી દેતા. કલાકારની ૬૦ મી વર્ષગાંઠ હતી,મોટી પાર્ટી હતી.પાર્ટીમાં અનેક પત્રકારો ,કલાકારો,વી.આઈ.પી ઓ ,સ્વજનો બધા જ હાજર હતા.

પાર્ટીમાં કેક કટિંગ બાદ એક પત્રકારે પૂછ્યું, ‘શું તમે હવે નિવૃત્તિ લેશો? તમારા રીટાયરમેન્ટ પ્લાન શું છે? શું તમે એક્ટિંગ એકેડેમી ખોલશો? કે હવે આરામ જ કરશો?’ કલાકાર હસ્યા અને બોલ્યા, ‘અરે, હજી હું ૬૦ વર્ષનો જ થયો છું? શું તમે મને આજે જ મારી નાખવા માંગો છો? નાટક તો મારું જીવન છે. સ્ટેજ અને સ્ટેજની અજુની દુનિયામાંથી હું અનેક જિંદગીના પાઠ શીખ્યો છું. હું નાટકની દુનિયા છોડીને જીવી શકું  તેમ જ નથી એટલે જીવનની આખી એક્ઝીટ સુધી સ્ટેજ પર એન્ટ્રી એક્ઝીટ લેતો જ રહીશ.’ એક ચાહકે પૂછ્યું, ‘તમે તમારી નાટક સાથે જોડાયેલી જિંદગીમાંથી કયો ખાસ પાઠ શીખ્યા છો તે અમને કહો.’કલાકારે જીવન ઉપયોગી વાત કરી. તેમણે કહ્યું, ‘નાટકમાં તમારે તમારો રોલ હોય તે પ્રમાણે વર્તવાનું હોય છે.

ડાયલોગ હોય ત્યારે અને તેટલું જ બોલવું અને રોલ પૂરો થઈ જાય એટલે તરત સ્ટેજ પરથી એક્ઝીટ લઇ લેવાની! આ જ નિયમો આપણે જીવનના નાટકમાં અપનાવવાના છે. પરંતુ આપણે કંઈ છોડતાં નથી એટલે જ દુઃખી થઈએ છીએ.હંમેશા મહત્ત્વના રોલની મમત ન રખાય,તેમ જીવનમાં હંમેશા પોતાની જ વાતનું મહત્ત્વ રહે તેવી જીદ ન રખાય.નાટકમાં હંમેશા મેઈનલીડ ન હોય અને સહ કલાકાર નો રોલ પણ કરવો જોઈએ. જીવનમાં પણ ક્યારેક બેકસિટ લઇ બીજાને આગળ વધવામાં મદદ કરવી જોઈ. વૃદ્ધોએ પોતાના અનુભવોનો લાભ ,નવી પેઢીને આપવો જોઈએ અને તેઓ નવું લાવી શકે અને નવું શીખી શકે માટે તેમના માટે જગ્યા પણ કરવી જોઈએ. જીવનમાં ઘર હોય ,ઓફીસ, સંસ્થા કે રાજનીતિ પરિવર્તન નિયમ છે અને તે સ્વીકાર કરી આપણો રોલ પૂરો થતાં સ્ટેજ પરથી એક્ઝીટ લઇ નવાને આગળ આવવા દેવા જોઈએ.બસ હંમેશા યાદ રાખવું અને ધ્યાન રાખવું કે આપણો રોલ કયાં પૂરો થાય છે.’ નાટકના કલાકારે સુંદર સમજ આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top