Editorial

રિમોટ વોટિંગ સિસ્ટમ ગેમ ચેન્જર પુરવાર થઇ શકે પરંતુ તે ચેડાઓ સામે સુરક્ષિત હોવાની ખાતરી તમામ પક્ષોને કરાવવી પડશે

આપણા દેશમાં ઘણા મોટા પ્રમાણમાં કામદારો, ખાસ કરીને શ્રમિક વર્ગના લોકો એવા છે કે જેઓ નોકરી કરવા માટે પોતાના વતનથી ઘણે દૂર હંગામી વસવાટ કરે છે. ભારતના કેટલાક રાજ્યો ઔદ્યોગિક રીતે અને વેપાર ધંધાની રીતે ખૂબ પછાત છે. ખાસ કરીને ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ જેવા રાજયોને આમાં સમાવી શકાય. બીજી બાજુ ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ જેવા રાજયો સમૃદ્ધ અને વેપાર, ધંધા, ઉદ્યોગોની રીતે વિકસીત છે. પછાત રાજયોના લોકો વિકસીત રાજ્યોમાં મોટા પ્રમાણમાં કામ કરવા જતા હોય છે.

એક રાજ્યના પછાત વિસ્તારના લોકો તે જ રાજ્યના વિકસીત વિસ્તારોમાં કામ-નોકરી અર્થે વસતા હોય છે. આપણા ગુજરાતના પંચમહાલના ઘણા લોકો સુરત, વાપી જેવા સ્થળોએ કામદાર તરીકે આવીને રહે છે. આવા લોકોને ચૂંટણીના સમયે પોતાના વતનમાં મતદાન કરવા માટે જવાનું ખૂબ મુશ્કેલ પડે છે. ખાસ કરીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઇને વસેલા લોકોને માટે તો ફક્ત મતદાન કરવા માટે વતનમાં જવાનું ખૂબ મુશ્કેલ બને છે અને આવા લોકો છેવટે મતદાન કરવાનું ટાળતા હોય છે. અવિકસીત રાજ્યોમાં મતદાનની ટકાવારી ઓછી રહેવા માટેનું એક કારણ આ પણ છે. જો કે ચૂંટણી પંચે હવે આ સ્થિતિને ધ્યાનમાં લઇને એક પહેલ કરી છે. મતદાન પ્રક્રિયામાં વધુ પ્રમાણમાં મતદારો મતદાન કરે તેના પ્રયાસના એક મહત્વના પગલામાં ચૂંટણી પંચે જણાવ્યું છે કે તેણે દેશના માઇગ્રન્ટ કામદારો માટે એક પ્રોટોટાઇપ રિમોટ ઇલેકટ્રોનિક વોટિંગ મશીન વિકસાવ્યું છે. ચૂંટણી પંચે ૧૬ જાન્યુઆરીએ આ મશીનનું ડેમોન્સ્ટ્રેશન રાખ્યું છે અને તે માટે રાજકીય પક્ષોને આમંત્રણ આપ્યું છે. ચૂંટણી પંચની આ પહેલ આવકાર્ય છે. જો કે તે બાબતે હજી ઘણી કામગીરી કરવાની બાકી છે અને રાજકીય સહમતિ સધાવી પણ જરૂરી છે.

જો હિતધારકો સાથે ચર્ચા વિચારણા પછી આ મશીન અમલમાં મૂકી શકાશે તો પોતાના વતનથી દૂરના સ્થળે કે અન્ય રાજ્યોમાં કામ કરવા માટે જતા સ્થળાંતરિત કામદારોને ચૂંટણીમાં મત આપવા માટે પોતાના વતનમાં જવાની જરૂર રહેશે નહીં. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે રિમોટ વોટિંગ મશીનો(આરવીએમ્સ)ને હાલના ઇલેકટ્રોનિક વોટિંગ મશીનોના આધાર વિકસાવવામાં આવશે અને તેમને ઇન્ટરનેટ સાથે જોડવામાં આવશે નહીં. તે એક મજબૂત, ફેઇલપ્રૂફ અને કાર્યક્ષમ સ્ટેન્ડેલોન સિસ્ટમ હશે એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ઇન્ટરનેટ સાથે જોડવાથી મતદાન સાથે ચેડા, હેકિંગ વગેરેનો સ્વાભાવિક ભય રહેલો છે.

આ રિમોટ વૉટિંગ માટે ચૂંટણી પંચ પોતાનું આગવું નેટવર્ક વિકસાવશે કે કેમ? તે હજી જાણવા મળ્યું નથી. વિવિધ હિતધારકો અને આ મશીનના પ્રોટોટાઇપના ડેમોન્સ્ટ્રેશનના આધારે મળેલા ફીડબેકના આધારે આ મશીનો વડે મતદાનની પ્રક્રિયા અમલી બનાવવાની કામગીરી આગળ ધપાવવામાં આવશે એ મુજબ ચૂંટણી પંચે નિવેદનમાં જણાવ્યું હતું. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવ કુમારે પોતે આ આરવીએમ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જો અમલમાં મૂકાશે તો આ આરવીએમ સામાજીક પરિવર્તનકારી બની રહેશે.

પોતાના વતનથી દૂર કામ કરવા ગયેલા સ્થળાંતરિત કામદારો ઘણી વખત પોતાના કામના સ્થળના વિસ્તારની મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે વિવિધ કારણોસર અચકાતા હોય છે. વારંવાર બદલતા રહેઠાણના સ્થળ, કામના સ્થળ સાથે સામાજીક અને ભાવનાત્મક બંધન ન હોવાથી, પોતાના વતનના મત વિસ્તારમાં તેઓ કાયમી રહેઠાણ કે મિલકત ધરાવતા હોવાથી તેઓ ત્યાંથી પોતાનું નામ મતદાર યાદીમાંથી નિકળી નહીં જાય તેવું ઇચ્છતા હોવાથી – આવા વિવિધ કારણોસર તેઓ કામના સ્થળના વિસ્તારની મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવતા હોતા નથી અને મતદાન કરવા માટે તેમને પોતાના વતનમાં જવું પડે છે. આ સ્થિતિ નિવારવા આ મશીન વિકાસાવાયું છે. દેશમાં ૪પ કરોડ જેટલા આવા કામદારો છે ત્યારે આ સિસ્ટમ ખૂબ લાભદાયી પુરવાર થઇ શકે છે.

આ રિમોટ વોટિંગ મશીન મલ્ટિ કોન્સ્ટિટયુઅન્સી રિમોટ ઇવીએમ તરીકે કામ કરશે. તે એક જ રિમોટ પોલિંગ બૂથ પરથી ૭૨ જેટલા મત ક્ષેત્રો માટે મતદાન કરાવી શકાશે. કોઇ ઔદ્યોગિક વિસ્તારમાં રહેતા જુદા જુદા અનેક રાજ્યો કે પ્રદેશોના કામદારો આ મશીનથી પોત પોતાના મત વિસ્તાર માટે મતદાન કરી શકશે. હાલના એમ-થ્રી અથવા માર્ક-૪ ઇવીએમમાં જ સુધારા કરીને રિમોટ વોટિંગ મશીન બનાવવાની યોજના છે. આ રિમોટ વોટિંગ મશીનને અમલમાં મૂકતા પહેલા જો કે લોક પ્રતિનિધિત્વ ધારો, ૧૯પ૦ અને ૧૯૫૧માં સુધારો કરવો પડશે. ચૂંટણી યોજવાના નિયમો અને મતદારોની નોંધણીના નિયમોમાં પણ સુધારા કરવા પડશે અમે ચૂંટણી પંચે જણાવ્યું છે.

હાલ આ કાયદા અને નિયમોમાં આ રીતે મતદાન કરાવવાની જોગવાઇ નથી. સરકાર માટે કાયદા અને નિયમોમાં સુધારા કરવાનું તો સહેલું હશે પરંતુ તમામ રાજકીય પક્ષોમાં આ અંગે સર્વસંમતિ ઉભી કરાવવાનું કદાચ મુશ્કેલ હશે. હાલ જ્યારે ઇવીએમ સામે પણ શંકાઓ ઉભી થાય છે ત્યારે આ રિમોટ વોટિંગ સિસ્ટમ અંગે તો વધુ શંકાઓ ઉભી થઇ શકે છે કે તેમાં ચેડાઓની શક્યતા વધારે જણાય છે. જો સરકાર આવી શંકાઓનું નિવારણ કરીને આ સિસ્ટમ અમલી બનાવવામાં સફળ રહેશે તો તે દેશના મોટા શ્રમિક વર્ગ માટે એક સીમાચિન્હરૂપ પગલું બની રહેશે.

Most Popular

To Top