Comments

મોટાઈ વગરનો મોટો માણસ

કોઈની ફક્કડ મસોટી જોઇને અંજાઈ નહિ જવાનું દાદૂ..! બહારથી ફક્કડ ગિરધારી લાગે, પણ અંદરથી ફકીરભાઈ પણ હોય..! બધાં જ કંઈ મોટાઈ વગરના મોટા માણસ હોતા નથી..! દેખાવું ને દેખાડો કરવા વચ્ચે જળ અને મૃગજળ જેટલો ફાંસલો પણ હોય. શું કહો છો રતનજી..? ક્યારેક ઈશ્વરીય છેડછાડને (ફેસિયલ) ને લીધે પણ ચિત્તભ્રમ થાય. ફેસિયલ ધોવાઈ જાય પછી ધાણાની ઝૂડી જેવો પણ થઇ જાય..! આ તો એક અગમચેતી..! ફેસીયલવાળા કે વાળીને ઓળખવાનો ‘દૃષ્ટિકોણ’હજી શોધાયો નથી..! સત્ય અને અસત્ય વચ્ચે. આરસી અને માણસ જેટલું છેટું હોય.

જો કુછ ભી કહુંગા વો સચ કહુંગા, સચ કે અલાવા કુછ નહિ કહુંગા એનું નામ સીધી આરસી, ત્યારે માણસ મદારી જેવો પણ હોય..! કબુતરાં પણ કાઢે ને કંકુ કાઢી લાલ પણ કરી નાંખે. જે મોટા છે, એ મોટાં જ છે, એ નાના હોવાનો ડોળ કરે, પણ નાના જ્યારે મોટા હોવાનો ડોળ કરે ત્યારે મોટાઈ મહોલ્લામાં બાંગ પુકારવા માંડે. કાગડો ને કોયલના કલર ભલે સરખાં હોય, પણ કાગડો કોયલ હોવાનો પ્રયત્ન કરે એ દેખાડો, ને કોયલ કેકારાવ કરે એ સત્યાર્થનું દેખણું..! જેમ સારા દેખાવાના ઉધામા થાય, એમ હોવા કરતાં મોટા દેખાવાના ઢંગને ‘પોઝીશન ફેશિયલ’કહેવાય..! ફેશન એ દેખાડાનું ઉપાર્જન છે. ઘણાને ભગવાને આપેલાં દુ:ખ ઓછાં પડે ત્યારે, ફેશન અને વ્યસનના રવાડે ચઢે. ફેશન માપની હોય તો સારી લાગે, બાકી ગધેડા ઉપર અંબાડી શોભે નહિ…!

આજકાલ ફેશન અને વ્યસન પણ માઝા મૂકી રહી છે? જ્યારથી લેંઘાને બદલે ‘પ્લાઝો’નો ક્રેઝ આવ્યો ત્યારથી, બાપાઓની દશા બેસી ગઈ. બાપ-દાદાના લેંઘાઓ ‘પ્લાઝો’માં ફરી ગયાં. ને બાપાઓ બરમૂડા વીંટાળતા થઇ ગયા. આમ તો દ્રૌપદીજી નું ચીરહરણ દ્વાપર-યુગમાં થયેલું, ત્યાર પછી બાપ-દાદાઓનું ચીરહરણ થવા લાગ્યું..! પ્રાણીઓ કદાચ ચીરહરણના ભયથી જ વસ્ત્રો પરિધાન નહિ કરતાં હોય તો કોને ખબર..? પણ એક વાત પાક્કી કે ૮૪ લાખના ફેરાનો હિસાબ માન્ય રાખીએ તો, માણસ સિવાય ૮૩૯૯૯૯૯ પશુ-પંખીઓ-જળચરો-સ્થળચરો વસ્ત્રો પરિધાન કરતાં નથી. પ્રાણીઓ ભલે ઉઘાડાં ફરતાં હોય, છતાં નાગાઈ બતાવતાં નથી..!

 આ સદી ભલે ડીજીટલ સદી કહેવાતી હોય પણ, શ્રીશ્રી ભગો કહે એમ, આ સદી ‘ડીઝાઈનની’પણ સદી છે. સાસુ-વહુ સાથે નીકળે તો ઝટ ઓળખાતી નથી કે, એમાં સાસુ કોણ અને વહુ કોણ..? હમણાં મારા ઉપર એક આમંત્રણપત્રિકા આવી. મથાળે ગણપતિબાપાનું ચિત્ર હતું, એટલે ધાર્મિક નિમંત્રણ જેવું તો લાગ્યું. સારું છે કે, ગણપતિબાપાને બદલે કોઈ ‘સુપર સ્ટાર’નો ફોટો છાપવાની ફેશન આવી નથી. ત્યારે થયું કે, સંસ્કારો અટકેલા નથી પણ ટકેલા છે..! બાકી આ તો દિને દિને નવમ નવમનો જમાનો છે.

લોકો એટલાં ‘ટેસ્ટી’બનતાં ચાલ્યાં કે લોકોના રોજના ચહકડાં બદલાય..! લગ્નપત્રિકાનાં લખાણ સમજવા માટે ગાઈડ ભાડે કરવો પડે, એવી એવી પત્રિકા પણ આવે ..! પત્રિકા જોઇને એમ જ લાગે કે, આ તે કોઈ આમંત્રણપત્રિકા છે કે, બારમા ધોરણનું પ્રશ્નપત્ર..? વર કરતાં ઘોડો ભલે રૂપાળો લાગતો હોય, પણ યજમાનને એટલી સમજ તો હોવી જોઈએ કે, વ્યવહારના ચાંદલા કરતાં કંકોતરી મોંઘી નહિ બનાવાય. આપણો જીવ બળી જાય યાર..! ક્યારેક તો એમ થાય કે, વ્હોટશેપ ઉપર આમંત્રણ મોકલીને કંકોતરી પાછળ કરેલા ખર્ચ જેટલા રૂપિયા રોકડા આપી જતાં હોય તો? વ્યવહારનો ચાંદલો તો છૂટે..!

 સ્ત્રી પુરુષોનાં પરિધાન પણ ગજબના છે મામૂ…! કયાં વસ્ત્રોને કયો દરજ્જો આપવો એમાં તો ચમરબંધી વસ્ત્રધારી પણ ગુંચવાય..! મેં જોયું છે કે, નર જાતિએ ધારણ કરેલાં અલંકારો નારી જાતિનાં હોય, ને નારીએ ધારણ કરેલા અલંકારો નર જાતિના હોય..! જેમ કે, પુરુષની ચોટલી કેવી, એના માથાની જટા કેવી, મૂછ કેવી, દાઢી કેવી, કફની કેવી. બંડી કેવી, ઘડિયાળ કેવી, ધોતી કેવી, મોજડી કેવી, એની મસોટી પણ કેવી વગેરે…! એમ નારીએ નર જાતિના અલંકાર ધારણ કરેલાં હોય, જેમ કે, અંબોડો કેવો, ચોટલો કેવો, સેંથો કેવો, સિંદુર કેવો, ચાંદલો કેવો, મોંઢાનો નકશો કેવો, ચૂડલો કેવો, મેંદીનો રંગ કેવો, સાડીનો પાલવ કેવો, મેઇક-અપ કેવો, સાડીનો રંગ કેવો, વગેરે વગેરે…! ( આમ તો લીસ્ટ બહુ લાંબુ થાય, પણ ૧૦૦ વર્ષ જીવવા માટે ૨૫ જ ઘટે છે, એટલે લખતો નથી..! )

 એક વાત છે, જેટલો આનંદ આમંત્રણપત્રિકાથી આવે, એટલો ઉઘરાણીના બીલથી નહિ આવે. ઉઘરાણીના બીલ આવે ત્યારે, નાક ઉપરના મસાને કોઈએ મચેડી નાંખ્યો હોય, એમ કંકોણા જેવો ચહેરો થઇ જાય. એક દિવસ મને એક સમારંભનું પ્રમુખસ્થાન સંભાળવાનું આમંત્રણ મળ્યું. તે પણ મેન્ટલ હોસ્પીટલના સમારંભનું,.! ડાહ્યાને ગાંડાની સંસ્થાનું આમંત્રણ મળે એટલે સ્વાભાવિક છે કે, હરખ થાય..! ઘરમાં ભલે કેજરીવાલના ચૂંટણીના નિશાનની ટ્રીટમેન્ટ ચાલતી હોય, પણ મુખ્ય મહેમાન તરીકે કોઈ બોલાવે ત્યારે રાજીપો તો થાય જ ને..?

જ્યારથી હાસ્યલેખક અને હાસ્યકલાકાર તરીકે, હું નામચીન થયો છું, (આ ‘નામચીન’શબ્દ મારો નથી, જુનિયર ‘લલ્લુ’એનાઉન્સરનો છે..!) જિંદગીમાં પહેલી વાર મને સમારંભના મુખ્ય મહેમાન થવાનું સૌભાગ્ય મળ્યું. વાઈફને ખુશાલીમાં કંસાર બનાવવા કહ્યું તો, વઘારેલો ભાત બનાવ્યો. મને કહે, ‘અમેરિકાના નાસાએ પ્રમુખસ્થાન માટે બોલાવ્યા હોય એમ, કંસાર ખાવાના ચહકડા શેના કરો છો..? તમને મેન્ટલ હોસ્પિટલવાળાએ બોલાવ્યા છે, તો ખાતરી તો કરો કે, પેશન્ટ તરીકે દાખલ થવા તો નથી બોલાવ્યા ને..? આવું સાંભળ્યું ત્યારે તો કાનમાં ગુમડાં જ ફૂટવાના બાકી રહી ગયાં..! પણ જેવો સ્થળ પર ગયો તો, મારા કરતાં કૂતરાંઓ વહેલાં આવી ગયેલાં.

મને શૂટમાં જોઇને ભસ્યાં પણ ખરાં. ત્યાં લઘરવઘર કપડામાં એક ભાઈ આવ્યો ને, મારી બોચી ઉપર જોરદાર થાપટ લગાવી દીધી. મને કહે, મુખ્ય મહેમાન તરીકે મને બોલાવીને તમારા જેવાં કારભારી જ મોડાં આવે તો કેમ ચાલે..? હોલની ચાવી લાવ્યા..?’મેં કહ્યું, ‘હું કારભારી નથી, આજના સમારંભનો તો હું જ મુખ્ય મહેમાન છું..!’ત્યાં બીજી થાપટ પડી..! પછી તો કોર્ટના રિમાન્ડ લેવા માટે પોલીસ કેદીઓને ઝાડવા નીચે બેસાડી રાખે એમ, પેલા દુષ્ટે મને ઝાડવા નીચે બેસવા કહ્યું. હમણાં કોઈ આવે તો નક્કી કરીએ કે મુખ્ય મહેમાન કોણ છે..! મડદું બાળીને આવતાં હોય એમ બે-ચાર જણા આવ્યા, કોઈએ મારા ઉપર નજર સુદ્ધાં નહિ કરી.. એક ભાઈ પાસે આવીને કહે,’આપની પાસે માચીસ છે, દીપ પ્રાગટ્ય કરવા અમે માચીસ લાવવાનું ભૂલી ગયા છીએ…!’

બે ઘડી તો મને એમ જ લાગ્યું કે, હું અહીં દીપ પ્રગટાવવા આવ્યો છું કે, સળગાવવા..?  ધીરે ધીરે બધાં પેલાં લઘરવઘર ભાઈનો સત્કાર કરવા લાગ્યા. મેં સામેથી મારી ઓળખ આપી કે, આજના સમારંભના મુખ્ય મહેમાન તરીકે તો મને આમંત્રણ આપેલું, અને સત્કાર તમે બીજાનો કરો છો..? મને કહે તમારું નામ? મેં કહ્યું, રમેશ ચાંપાનેરી..! મને કહે, સોરી અમારા સમારંભના મુખ્ય મહેમાનનું નામ તો રમેશ માવાણી છે, અમારી સરતચૂક થઇ ગઈ અને માવાણીને બદલે ચાંપાનેરી લખાઈ ગયેલું…! ભાડેનો શૂટ માથે પડ્યો, ને ટેન્શન વધ્યું તે અલગ કે, વાઈફને શું મોઢું બતાવીશ..?

લાસ્ટ ધ બોલ
ડાર્લિંગ..! તારા માટે વિદેશથી વાંદરું લાવ્યો હતો, પણ કસ્ટમવાળાએ લઈ લીધું.
કંઈ નહિ, મને તો તમે આવી ગયા એટલે બધ્ધું આવી ગયું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top