Charchapatra

વંધ્યાની પીડા

હિન્દુ ધર્મની લગ્નસંસ્થામાં સપ્તપદીના એક વચન મુજબ પ્રજોત્પત્તિનું વચન એટલે કે સંતાનપ્રાપ્તિનું વચન યુગલને લેવડાવવામાં આવે છે. ક્યારેક કોઈ યુગલની સંતાનપ્રાપ્તિની ઈચ્છા અધૂરી રહે છે. આજથી ત્રીસ-પાંત્રીસ વર્ષ પહેલાં આઈવીએફ દ્વારા સંતાનપ્રાપ્તિની વૈજ્ઞાનિક શોધ ન થઈ હતી. વિદેશમાં હોઈ શકે. એ સમયે નિ:સંતાન સ્ત્રીની માનસિક પરિસ્થિતિ દુ:ખદ રહેતી. સંતાનની પ્રાપ્તિ ન થાય તો ફક્ત ને ફક્ત સ્ત્રીને જ જવાબદાર ગણાતી! તબીબી તપાસ માટે પુરુષોનો અહમ્ આડે આવતો! નિ:સંતાન સ્ત્રીને શુભ પ્રસંગો સમયે અપશુકનિયાળ માનવામાં આવતી! સાસરિયા તરફથી મહેણાં સાંભળવા મળતાં!

ક્યારેક સંતાનપ્રાપ્તિ માટે પુરુષ બીજા લગ્ન માટે પણ તૈયાર થઈ જતો! ત્યારે એ સ્ત્રીની મનોવેદના કોણે જાણી? સંતાનપ્રાપ્તિ ન થાય એમાં સદા સ્ત્રી એકલી જવાબદાર? અન્ય સ્ત્રી સ્વયંનાં બાળકો પણ એને ન રમાડવા દેતી! કેટલી ગ્લાનિ અનુભવતું હશે એ નિ:સંતાન સ્ત્રીનું મનોજગત!  આજના સમયમાં ઘણાં યુગલો સ્વૈચ્છિક નિ:સંતાન રહેવા નિર્ણય કરતાં હોય છે, એ એમની અંગત બાબત છે. પરિવારજનો એમને સંતાનપ્રાપ્તિ માટે દબાણ નથી જ કરી શકતાં! નિ:સંતાનપણા માટે વર્તમાન સમયમાં વિજ્ઞાન અનેક રીતે મદદરૂપ નિવડે છે. યુગલમાંથી બેમાંથી એકની શારીરિક ખામીને નિવારી એમની ઈચ્છા પૂર્ણ પણ કરે છે. પણ નિ:સંતાન હોવું ગુનો તો નથી જ! એટલે નિ:સંતાન સ્ત્રી કદી પણ અપશુકનિયાળ હોઈ જ નહીં શકે. સંતાનપ્રાપ્તિ કુદરત પર આધારિત છે.
સુરત     – નેહા શાહ        – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top