SURAT

સુરતની જાણીતી વિશાલ પ્રિન્ટના માલિકે કાપડના વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી

સુરતઃ સુરતના કાપડ ઉદ્યોગમાં ખૂબ જ જાણીતી પેઢી વિશાલ પ્રિન્ટના માલિકની સામે ઉમરા પોલીસમથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે. 45 લાખની ઠગાઇના મામલે તેણે કાપડના વેપારીને ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

  • તને હજુ પણ પૈસા જોઈએ છે, કેવા પૈસા ઉભો રે, તને હુ જાનથી મારી નાખીશ છોડીશ નહી
  • 45 લાખની લેવડ દેવડમાં ધમકી આપનાર વિશાલ પ્રિન્ટના ભરત શાહ સામે ગુનો

પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર શહેરના સિટીલાઇટ વિસ્તારમાં આવેલા ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતાં અને કાપડનો વેપાર કરતાં યોગેશભાઇ જગદીશભાઇ અગ્રવાલે આ બનાવની ફરિયાદ કરી હતી. તેમણે ઉમરા પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના એપાર્ટમેન્ટમાં રહેતા દિનશભાઇ હસ્તક તેમની ઓળખાણ ભરતભાઇ લાલચંદભાઇ શાહ સાથે કરાવી હતી. ભરતભાઇ શાહ કાપડ ઉદ્યોગમાં શાખ ધરાવતી વિશાલ પ્રિન્ટના માલિક છે.

દરમિયાન 2018માં ભરતભાઇને નાણાની જરૂર પડતાં યોગેશભાઇએ તેમને ત્રણ ટુકડામાં પચાસ લાખ રૂપિયા આપ્યા હતાં. તેની સામે ભરતભાઇએ તેમને ત્રણ ચેક લખી આપ્યા હતાં. જે પૈકી એક ચેક ત્રીસ લાખનો હતો. એક પંદર લાખનો હતો અને એક પાંચ લાખનો હતો. આ લેવડ દેવડના થોડા દિવસ પછી ભરતશાહ પાંચ લાખ રૂપિયા રોકડા આપીને પાંચ લાખનો ચેક પરત લઇ ગયા હતાં.

જો કે, ત્યાર બાદ બાકીના 45 લાખ આપતા ન હતાં. તેઓ જ્યારે પણ ઉઘરાણી કરતાં ત્યારે નાણાં આપવાની જગ્યાએ ગલ્લા તલ્લા કરતાં હતા અને પછી તો તેઓ ગાળાગાળી પણ કરવા લાગ્યા હતાં. દરમિયાન ગઇ તારીખ 15 માર્ચના રોજ સિટીલાઇટ રોડ ઉપર આવેલા નિસર્ગ એપાર્ટેમેન્ટ નજીક તેમનો ભરતભાઇ સાથે ભેંટો થઇ ગયો હતો. તેમણે ભરતભાઇને ફોન કેમ નથી ઉપાડતા તેવું કહેતા જ તે ગુસ્સે ભરાયા હતા અને હજુ તને કેટલા રૂપિયા જોઇએ છે? કેવા પૈસા ઊભો રહે તેમ કરીને મારી નાંખવાની ધમકી આપી હતી. દરમિયાન યોગેશભાઇએ કંટ્રોલરૂમને જાણ કરતાં તેઓ ભાગી ગયા હતા. તેમની સામે યોગેશભાઇએ ફરિયાદ કરતાં પોલીસે ભરત લાલચંદ શાહ સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top