Columns

લગ્નમાં આવ્યા નવાં અખતરા પણ જળવાઈ રહી છે જૂની પરંપરા

ભારતીય સનાતન હિંદુ ધર્મમાં લગ્ન અને એમાં કરવામાં આવતી વિધિઓનું આગવું મહત્વ છે. લગ્ન નક્કી થાય ત્યારથી શરૂ કરીને કંકોત્રી લખવાથી લઈને દીકરી વિદાય અને ગૃહલક્ષ્મીનું ઘરમાં આગમન થાય ત્યાં સુધીની લગ્નની તમામ પરંપરાઓ ખૂબ જ માર્મિક અને નવયુગલના જીવન સાથે જોડાયેલી હોય છે. દરેક વ્યક્તિના જીવનમાં આ પ્રસંગ ખૂબ જ મહત્વ ધરાવતો હોવાથી તેમાં કોઈપણ કચાસ રહી ન જાય એવું દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે. છેલ્લાં દસકની વાત કરીએ તો લગ્નની વિધિઓથી માંડીને ઘણું બધું બદલાયું છે. કેટલીક પરંપરાઓનું સ્વરૂપ બદલાયું છે, કેટલીક બંધ થઈ છે તો વળી આધુનિકતાના ઓથા હેઠળ કેટલીક નવી પરંપરાએ પગ પેંસારો કર્યો છે. સાથે જ પહેલાં કરતાં લગ્નનું આયોજન પણ ખાસ્સું સગવડદાયક બન્યું છે. જે કે, દરેક વ્યક્તિની પસંદગી તો અલગ અલગ રહેવાની જ. તો ચાલો હાલમાં ચાલી રહેલી લગ્ન સિઝનની મજા સાથે જ કેટલાક લોકોના વિચારો જાણીએ કે, તેમને કેવાં લગ્નો ગમે છે. પહેલાની પરંપરા કે અત્યારના આધુનિક રીતરિવાજો…

લગ્ન જેટલો ખર્ચો એક ફંક્શનમા જ થઈ જાય છે: જય કાંટવાલા
શહેરના સગરામપુરા વિસ્તારમાં રહેતાં 30 વર્ષીય એકાઉન્ટન્ટ જય કાંટવાલા અપરિણીત છે અને આધુનિક વિચારસરણી ધરાવે છે પરંતુ લગ્ન જેવા બંધનમાં બંધાવા માટે આજે જે પ્રિવેડિંગ ફોટો શુટ, સંગીત માટે કંપલસરી DJનું આયોજન, બેચલર પાર્ટી અને રિસેપ્શન વગેરે માટે કરવામાં આવતા લખલૂટ ખર્ચાઓને બિનજરૂરી ગણે છે. જય કહે છે કે, ‘’છેલ્લાં 10 વર્ષમાં લગ્ન પ્રસંગોમાં ખાસ્સો ફર્ક પડ્યો છે. આજે દરેક લોકો ફક્ત લગ્ન પ્રસંગને માણવા માટે જ આવે છે, કારણ કે હવે તો દરેક પ્રસંગ માટે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે. આના કારણે લગ્ન દરમિયાન કામનું ટેન્શન ઓછું રહે છે પણ એકબીજાને મદદ કરવાની ભાવના દેખાતી નથી અને વધારાના પ્રસંગો ઊભા કરીને જે ખર્ચ કરવામાં આવે છે એટલા પૈસામાથી એક લગ્નનો ખર્ચ નીકળી શકે. જો કે મને આવા લગ્ન પ્રસંગોમાં ખાસ મજા નથી આવતી પરંતુ સંબંધ સાચવવા જાઉં છુ. થોડાં સમય પહેલાની જ વાત કરું તો હાલમાં મારા એક મિત્રના લગ્ન હતા ત્યારે અમે બધા મિત્રોએ મળીને કામ વહેંચી લીધા હતા અને 3-4 દિવસ ચાલેલા આ ફંક્શનમાં ખૂબ જ મજા આવી હતી. દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતી પ્રમાણે આજના ટ્રેન્ડને અનુસરી નથી શકવાના, એનો મતલબ એ નથી કે મજા નહીં આવે. હું તો મારા લગ્નમાં જરૂરી રિતરિવાજ સિવાય અન્ય બિનજરૂરી પ્રસંગોથી દૂર જ રહીશ.’’

નવા જમાના સાથે ટ્રેન્ડ પણ બદલાવો જોઈએ: પૂનમ સાવલિયા
MBBS ની 22 વર્ષીય સ્ટુડન્ટ પુનમ સાવલિયા કહે છે કે, સમય સાથે દરેક વસ્તુમાં પરીવર્તન આવતું જાય છે. પહેલાં લોકો સગવડના અભાવે સાદાઈથી લગ્ન પ્રસંગ યોજતાં હતા હવે ટેકનૉલોજીપણ વધી છે એટ્લે લગ્નોમાં ભપકો વધ્યો છે. પહેલાના ફોટો, વિડીયો કરતાં આજે લેટેસ્ટ ટેકનૉલોજીના કારણે લગ્નની યાદગીરી સારી રીતે સાચવી શકીએ છીએ. હું તો એવું માનું છુ કે કોઈને નુકશાન ન થાય અને સંબંધો સચવાય એ જરૂરી છે, બાકી લગ્નની વિધિઓ તો આજે પણ થાય જ છે ફક્ત સ્વરૂપ બદલાયું છે અને પ્રિવેડિંગ, બેચલર પાર્ટી જેવા પ્રસંગો ઉમેરાયા છે જેનો દેખાદેખીમાં લોકો અમલ ન કરે એ જોવું જોઈએ. કારણ કે દરેક લોકો આવું કરી શકવા સમર્થ નથી હોતા. જો કે મારી વાત કરું તો મને તો હાલમાં યોજાતા લગ્ન પ્રસંગોમાં સેલ્ફી પોઈન્ટ મારૂ ફેવરિટ છે હું તો દરેક પ્રસંગોમાં મસ્ત પિક્ચર ક્લિક કરીને સાચવી રાખું છુ અને સંગીત સંધ્યામાં ડાન્સ જોવાની અને કરવાની પણ ખૂબ મજા લઉં છુ એટ્લે બદલાયેલા સમય સાથે મને તો આજના લગ્નો માણવા બહુ ગમે છે.

પરંપરા તો સચવાવી જ જોઈએ: જીતેશ ગામિત
કીમ ખાતે રહેતાં 22 વર્ષીય એંજિનિયર જીતેશ ગામિત કહે છે કે, હાલમાં લગ્નમાં પ્રિ વેડિંગ ફોટોસૂટ થી લઈને ડેસ્ટિનેશન વેડિંગનો ટ્રેન્ડ ખૂબ ચલણમાં છે. આવા લગ્ન જોવામાં તો ઘણા સારા લાગે છે અને મજા પણ આવે છે પરંતુ લગ્ન એક પવિત્ર બંધન છે એટ્લે એની પવિત્રતા અને મર્યાદા જળવાય એ જરૂરી છે. સાચું કહું તો આવા લગ્નમાં જવું તો ગમે છે પરંતુ એક ઉત્સવની જેમ જ. પાર્ટીપ્લોટ્સમાં યોજાતા લગ્ન અને ઘરે યોજાતા લગ્નોમાં ઘણો ફર્ક હોય છે. એટ્લે મને તો જૂની પરંપરા પ્રમાણે કરવામાં આવેલા મેરેજ ફંકશન જ વધુ ગમે છે.

જૂની પરંપરા જ ગમે છે: કૌશિકા ચૌધરી
તાપી જીલ્લામાં રહેતાં 42 વર્ષીય ગૃહિણી કૌશિકા ચૌધરી કહે છે કે, ‘’ મારા લગ્ન થયા ત્યાં સુધી હું સુરતમાં મારા પિયરમાં જ રહેતી હતી અને આજે પણ પ્રસંગો દરમિયાન આવતી રહું છુ. હું સંબંધો સાચવવામાં માનું છુ એટલે અન્ય પ્રસંગો ઉપરાંત લગ્ન પ્રસંગોમાં પણ આવવાનું થાય છે ત્યારે ઘણીવાર તો દૂર રહેતી હોવાથી કેટલાક લોકો સોશ્યલ મીડિયાના મધ્યમનો ઉપયોગ કરીને જ કંકોત્રી મોકલી દે છે. આવું વલણ પહેલાં આજુગતું લાગતું હતું પણ હવેની ફાસ્ટ લાઈફમાં દરેક જગ્યાએ જાતે પહોંચી વળવું શક્ય નથી અને કુટુંબો પણ વિભક્ત બન્યા હોવાથી અને પહેલાની જેમ લગ્નની તૈયારી માટે બધા અગાઉથી કુટુંબીજનો હાજર હોતાં નથી એટલે સોશ્યલ મીડિયા તેમને માટે આશીર્વાદ સમાન છે. મને તો આજે પણ ઝાક્મઝોળ અને DJ ના અવાજ કરતાં પરંપરાગત રીતે થતાં લગ્નોમાં જ વધારે મજા આવે છે. જે ગામડામાં આજે પણ મોટેભાગે અંશે સચવાઈ રહી છે. લગ્ન માટે કપડાં,રસોઈની તૈયારીથી લઈને પીઠી લગાવવાની મસ્તી, વાળમાં લગાડવામાં આવતા ઓરિજનલ ફૂલોના ગજરાની સુગંધ અને ઘણાં સમયે બધાને મળવાનું થાય એમાં જ મને તો વધારે મજા આવે, અને હા, આજના લહેંગા ચોલી કરતાં લાલ કલરનું પાનેતર અને ઘરચોળું જ દુલ્હનની શોભા વધારે છે.’’

સગવડ સચવાય પણ સંબંધ નથી સચવાતા: નીલેશ મહારાજ
શહેરના અડાજણ વિસ્તારમાં રહેતાં અને છેલ્લાં 20-30 વર્ષોથી લગ્ન ઉપરાંતની ધાર્મિક વિધિઓ કરાવતા 55 વર્ષીય નીલેશભાઈ મહારાજ કહે છે કે, ‘પહેલાના લગ્નોમાં જે આત્મિયતા જોવા મળતી હતી. હવે જોવા મળતી નથી. હાલમાં તો 30 થી 40 ટકા લોકોને સોશ્યલ મીડિયાના મધ્યમ દ્વારા જ કંકોત્રી કે આમંત્રણ આપી દેવાય છે અને લોકો એ સ્વીકારતા પણ થયા છે પણ એમાં આવકારના ભાવનો અભાવ જોવા મળે છે. સોશ્યલ મીડિયાના કારણે સમયની તો બચત થાય છે પણ હવે મહુરત નથી સચવાતું. નિલેશભાઈ કહે છે કે, આજની જનરેશન પોતાની મરજી મુજબ જ પોતાના લગ્નો કરવાનું પસંદ કરે છે અને દેખા દેખીમાં પ્રિવેડિંગ ફોટોશુટ તથા બેચલર પાર્ટી જેવા પ્રસંગો ફરજિયાત એડ કરે છે, જેનું લગ્ન વિધિ સાથે કઈ લાગતું વળગતું નથી હોતું. જો કે એટલું તો છે કે, આજે ભલે લોકો પોતાના અંગત શોખ માટે અવનવી પરંપરાઓનો ઉમેરો કરે છે પણ સારી વાત એ છે કે તેઓ આજે પણ વિધિસર લગ્નની પરંપરાને વળગી રહ્યા છે.’’

લગ્ન દીકરા ના હોય કે દીકરીના, પરિવાર સિવાય તેના મિત્રો અને કલીગ પણ એટલા જ ઉત્સાહિત હોય છે. જો કે જેના લગ્ન હોય તેઓ અગાઉ પોતાના રીત રિવાજ પ્રમાણે ચૂપચાપ પરણી જતાં હતા પરંતુ આજની પેઢીને આ ક્ષણો યાદગાર બની રહે એ માટે દરેક પ્રસંગ ટ્રેન્ડ પ્રમાણે જ જોઈએ છે. જેમાં ઘણીવાર મહુરત પણ સાચવતું નથી અને ખર્ચો પણ વધી જતો હોય છે અને આપણે આપણાં પ્રસંગમાં એટલા મશગુલ બની જઈએ છીએ કે આમંત્રિત મહેમાનોને પણ સરખી રીતે મળી નથી શકતા. જો કે ઘણા લોકો પોતાની સગવડ મુજબ કોન્ટ્રાક્ટ આપીને પ્રસંગની મજા પણ માણે છે અને મહેમાનોને સમય પણ આપે છે. જ્યારે કેટલાક એવા લોકો છે જેઓને આજના આધુનિક લગ્નો ફક્ત દેખાડો જ લાગે છે. આ બધામાં સારી વાત તો એ છે કે, લોકો ભલે આધુનિક થયા પરંતુ લગ્નની પ્રથા આજે પણ ટકી રહી છે…

Most Popular

To Top