Columns

Four Year under Graduate Programme નો અમલ 2023-2024

મિત્રો, 2022-2023 નું શૈક્ષણિક વર્ષ પૂર્ણ થવામાં ત્રણ-ચાર મહિના બાકી છે ત્યારે UGC દ્વારા 2023-24 ના વર્ષથી ઉચ્ચ નવી શૈક્ષણિક નીતિ- 2020 ના ઉચ્ચ શિક્ષણમાં અમલની જાહેરાતથી વાલી – વિદ્યાર્થીમાં ઘણા પ્રશ્નો ઉદ્‌ભવે છે. UG એટલે સ્નાતક કક્ષાએ અત્યાર સુધી B.A., B.Com, BSc ના કોર્ષ જે ત્રણ વર્ષના હતા તે હવે ચાર વર્ષના અભ્યાસક્રમ થઇ જવાના છે. જેની પાછળ હેતુ ઉચ્ચ અભ્યાસક્રમ કરનારને મલ્ટી ડીસીપ્લીનરી અને ઇન્ટર ડિસીપ્લીનરીના વિવિધ અભ્યાસક્રમો દ્વારા વિવિધ કુશળતા કેળવવાનો છે.  તો ચાલો, પ્રથમ તો NEP-2020 ના આધારે FY UGP ને સમજવાનો પ્રયત્ન કરીએ. NEP-2020 હેઠળ, દેશની અને ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજો હવે બહુવિધ એકઝીટ અને એન્ટ્રી વિકલ્પો સાથે ૪ વર્ષની UG degree ઓફર કરશે.

  •  પ્રોગ્રામને આઠ સેમેસ્ટરમાં વહેંચવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓને ઓનર / સંશોધન સાથે ચાર વર્ષની ડિગ્રીમાં 160 – 176 ક્રેડિટ મેળવવી જરૂરી બનશે.
  •  વિદ્યાર્થી પ્રથમ ત્રણ સેમેસ્ટર દરમ્યાન કુદરતી વિજ્ઞાન, માનવતા અને સામાજિક વિજ્ઞાનના ‘સામાન્ય’ અને ‘પ્રારંભિક’ અભ્યાસક્રમોના સમૂહનો અભ્યાસ કરશે. આ દરેક પ્રવાહના વિદ્યાર્થી માટે સમાન રહેશે.
  •  સામાન્ય અભ્યાસક્રમોમાં અંગ્રેજી, પ્રાદેશિક ભાષા, ‘ભારતને સમજવા’ પરના અભ્યાસક્રમો, પર્યાવરણીય વિજ્ઞાન, આરોગ્ય અને સુખાકારી અથવા યોગ અને રમતગમત, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને મોટા ડેટા (Big data Analysis) વિશ્લેષણનો સમાવેશ થાય છે.
  •  ત્રીજા સેમેસ્ટરને અંતે વિદ્યાર્થીઓએ પોતાનો Major વિષય જાહેર કરવાનો રહેશે. જેનો એ ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માંગે છે. મુખ્ય વિષય ઉપરાંત વિદ્યાર્થી વ્યાવસાયિક શિક્ષણ કાર્યક્રમ સહિત, અભ્યાસના શિસ્તનાં અથવા inter disciplinary ક્ષેત્રને લગતા બે ઇલેકટીવ (વિષયો) પસંદ કરી શકશે. આમ ચાર, પાંચ, છ સેમેસ્ટર ભણવાનું ઊંડાણમાં થશે.
  •  સાતમા સેમેસ્ટરની શરૂઆતમાં, દરેક વિદ્યાર્થી એડવાન્સ ડિસીપ્લીનરી / ઇન્ટર ડિસીપ્લીનરીના અભ્યાસક્રમો અને સંશોધન પધ્ધતિના અભ્યાસક્રમો સાથે સંશોધન પ્રોજેકટ કરશે.
  •  આઠમા સેમેસ્ટર દરમ્યાન – વિદ્યાર્થીઓએ સ્થાનિક ઉદ્યોગો, વ્યવસાયો કે અન્ય સંસ્થામાં ઇન્ટર્નશીપ કરવી જરૂરી બનશે જે ફરજીયાત છે. જે તેની રોજગારીની ક્ષમતામાં સુધારો કરશે.
  •  આખા ચાર વર્ષના કોર્ષ દરમ્યાન – પુન: પ્રવેશના વિકલ્પો તથા યોગ્ય પ્રમાણપત્રો ઉપલબ્ધ હશે.  કોઇ વિદ્યાર્થી અધવચ્ચેથી અભ્યાસક્રમ છોડી દે છે કે જેતે સમયે પૂર્ણ નથી કરી શકતો અને ભવિષ્યમાં ફરી ભણવાનું ચાલુ રાખવું છે તો શું?
  •  અભ્યાસના પસંદ કરેલ ક્ષેત્રોમાં 1 વર્ષ એટલે કે 2 સેમેસ્ટરનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી પ્રમાણપત્ર મેળવશે.
  • 2 વર્ષ (4 સેમેસ્ટર) પછી ડિપ્લોમા.
  •  અભ્યાસનાં 3 વર્ષ (6 સેમેસ્ટર) પછી સ્નાતક ડિગ્રી.
  •  અભ્યાસનાં 4 વર્ષ (8 સેમેસ્ટર) પછી ઓનર સાથેની સ્નાતક ડિગ્રી જેની માર્કેટ વેલ્યુ – નોકરીની તકો વધુ ઊજળી રહેશે.

આમ નવું માળખું વિદ્યાર્થીમાં છુપાયેલ વિવિધ ક્ષમતાને વિકસાવવાનું મુખ્ય કામ કરશે. વિદ્યાર્થીને સ્વની ક્ષમતાનો પરિચય કરાવી, એમાં આગળ વધુ ઊંડાણપૂર્વક / ગહન અભ્યાસની તક પૂરી પાડવા માટેનું માળખું છે.

 આપણે સૌએ ખાસ કરીને શિક્ષણકાર્ય સાથે સંકળાયેલાઓએ ઉદાર દૃષ્ટિ કેળવી આવકાર આપી, સ્વીકાર કરી એના મહત્તમ પુરુષાર્થ થકી અમલ કરવાની હામ ભીડવાની જરૂર છે. નવા અભ્યાસક્રમ માટે નવું વાંચન, નવી નોટસ, વધુ ક્રિએટિવ પ્રેઝન્ટેશન, વગેરેની જરૂર પડશે જેને માટે તૈયારી કરવા પૂરતો અવકાશ છે.

વાત રહી વિદ્યાર્થીઓની: આજ સુધી આર્ટસ અને કોમર્સમાં કે જેમાં ત્રણ વર્ષનો અભ્યાસક્રમ સ્નાતક કક્ષાએ કર્યા પછી જયારે વિદેશમાં વધુ અભ્યાસ માટે જવાની ઇચ્છા ધરાવે અને પ્રયત્નો કરે ત્યારે ખબર પડતી કે આપણું ત્રણ વર્ષનું સ્નાતક ચાલે નહીં. ત્યાં એટલે કે ભારતની બહાર U.G. ડિગ્રી ચાર વર્ષની હોય એટલે આપણા મહત્ત્વાકાંક્ષી સ્નાતકોએ વધુ એક વર્ષ કંઇક અભ્યાસ કરવો પડે તો એને બહારની યુનિવર્સિટીમાં અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ મેળવવો થોડો સહેલો પડી રહે. આમ નવા માળખાથી વિદ્યાર્થી પોતાના પસંદ કરેલા વિષયમાં જ્ઞાનની અને ક્ષમતાની કુશળતા વિકસાવી અનુસ્નાતક કક્ષાએ સહજતાથી આગળ વધી શકશે.
 વિદ્યાર્થીઓએ પણ મલ્ટીડિસીપ્લીનરી વિષયમાં ઉપલબ્ધ થનારી વિશાળ તકોને સમજીને ઝડપી લેવી રહી જેથી આગળ જતાં ગ્લોબલ લેવલે અન્ય ક્ષેત્રે કારકિર્દી વિકસાવવાના અવકાશો મળી રહે.

– આ માળખાથી શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઉદ્યોગો વચ્ચે વધુ સહયોગી સંબંધોની આપલે થશે. સંશોધનના પ્રોજેકટના લીધે ઉદ્યોગો તેમ જ અન્ય સંસ્થાઓને અગણિત ફાયદાઓ થશે અને ઉદ્યોગો તેમ જ અન્ય સંસ્થાઓમાં ઇન્ટર્નશીપ કરવાથી વિદ્યાર્થી પોતે જે કંઇ ભણ્યો છે એનું પ્રેકટીકલ એપ્લીકેશન કરતાં શું મુશ્કેલીઓ આવે છે અથવા શું સહજતા પ્રાપ્ત થાય છે તેનું અનુસંધાન સાધી શકશે. જે ખરેખર અદ્‌ભુત અનુભવ હશે.
 વિદ્યાર્થીઓને ઉપલબ્ધ કરવામાં આવનારી વિષયોની વિશાળ શ્રેણીનો પરિચય જેતે શિક્ષણસંસ્થાએ કરાવવો જ રહ્યો જેથી વિદ્યાર્થીને કોલેજ પસંદ કરવાની તક મળી રહે.
‘Let’s be more flexible in study and approach’

Most Popular

To Top