Gujarat

સુરતના દિવ્યાંગ ક્રિકેટર લક્ષ્મણ બિરહાદેનો કમાલ

ડિંડોલીના ખેલાડીની ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી, શ્રીલંકામાં દેશ માટે રમશે

સુરત શહેર માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ડિંડોલી વિસ્તારમાં આવેલી સુમન નુપુર આવાસ સોસાયટીમાં રહેતા દિવ્યાંગ ક્રિકેટર લક્ષ્મણ ભીમરાવ બિરહાદેએ પોતાની પ્રતિભા, મહેનત અને સંઘર્ષના બળે આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ મેળવી છે. રાષ્ટ્રીય કક્ષાની વ્હીલચેર ક્રિકેટ સ્પર્ધાઓમાં શાનદાર પ્રદર્શન બાદ હવે તેમની સત્તાવાર રીતે ભારતીય વ્હીલચેર ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.લાયન વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન (ઇન્ડિયા)’ દ્વારા જાહેર કરાયેલી ટીમમાં સ્થાન મેળવનાર લક્ષ્મણ હવે ભારતનું પ્રતિનિધિત્વ કરતા શ્રીલંકામાં રમતા જોવા મળશે. તેમની આ ઉપલબ્ધિથી સમગ્ર સુરત શહેરમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.

શ્રીલંકામાં ભારત માટે રમશે લક્ષ્મણ
લક્ષ્મણ બિરહાદે આગામી તા. 26 થી 28 મે, 2026 દરમિયાન શ્રીલંકાના કોલંબો શહેરમાં યોજાનારી પ્રતિષ્ઠિત “શ્રીલંકા વિરુદ્ધ ભારત 2026 – ઇન્ટરનેશનલ 3T-20 વ્હીલચેર ક્રિકેટ ચેમ્પિયનશિપ”માં ભારતીય ટીમ તરફથી મેદાનમાં ઉતરશે.આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં બંને દેશોની મજબૂત વ્હીલચેર ક્રિકેટ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલા યોજાનાર છે.જેમા સુરતના લક્ષ્મણ બિરહાદે ભારત માટે મહત્વપૂર્ણ ખેલાડી તરીકે પોતાની છાપ છોડે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સંઘર્ષમાંથી સફળતાની પ્રેરણાદાયી સફર
શારીરિક દિવ્યાંગતા હોવા છતાં લક્ષ્મણે ક્યારેય હાર માન્યા વગર ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો હતો. સતત મહેનત, પ્રેક્ટિસ અને આત્મવિશ્વાસના બળે તેઓ આજે આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચ્યા છે.તેમની આ સફર માત્ર એક ખેલાડીની સિદ્ધિ નથી, પરંતુ સમાજના હજારો દિવ્યાંગ યુવાનો માટે પ્રેરણાનું પ્રતિક બની છે. મુશ્કેલીઓ વચ્ચે સપનાઓને સાકાર કરી શકાય છે તેનો જીવંત દાખલો લક્ષ્મણ બિરહાદેએ પુરો પાડ્યો છે.

કોચે વ્યક્ત કર્યો વિશ્વાસ
લક્ષ્મણના કોચ ધનસુખભાઈ પટેલે તેમની પસંદગી અંગે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, લક્ષ્મણ ખૂબ જ પ્રતિભાશાળી અને સમર્પિત ખેલાડી છે. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ શાનદાર પ્રદર્શન કરીને ભારતને જીત અપાવશે તેવી સંપૂર્ણ આશા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે લક્ષ્મણની રમત પ્રત્યેની લગન અને સંઘર્ષશીલતા અન્ય ખેલાડીઓ માટે પણ પ્રેરણારૂપ છે.

સુરત માટે ગૌરવની ક્ષણ
સુરત શહેરમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પ્રતિનિધિત્વ કરવા જનાર લક્ષ્મણ બિરહાદેની સિદ્ધિને લઈને સ્થાનિક લોકો, રમતપ્રેમીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા અભિનંદનનો વરસાદ થઈ રહ્યો છે.ડિંડોલી વિસ્તારના રહેવાસીઓએ પણ ગર્વની લાગણી વ્યક્ત કરી છે કે તેમના વિસ્તારમાંથી એક દિવ્યાંગ ખેલાડી હવે ભારતીય ટીમની જર્સી પહેરીને દેશ માટે રમશે.

દિવ્યાંગ ખેલાડીઓ માટે આશાની નવી કિરણ
લક્ષ્મણ બિરહાદેની પસંદગી એ સાબિત કરે છે કે પ્રતિભા અને સંકલ્પ હોય તો કોઈપણ શારીરિક મર્યાદા સફળતાના માર્ગમાં અવરોધ બની શકતી નથી.તેમની આ સિદ્ધિ દિવ્યાંગ ખેલાડીઓ માટે નવી આશા અને આત્મવિશ્વાસ જગાવનાર બની છે. હવે સમગ્ર સુરત અને ગુજરાતની નજર શ્રીલંકામાં યોજાનારી આ આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ પર રહેશે, જ્યાં લક્ષ્મણ ભારતનું ગૌરવ વધારતા જોવા મળશે.

Most Popular

To Top