Gujarat

આજે અને કાલે રાજ્યમાં વરસાદી માહોલ

અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની ગરમીનો કહેર યથાવત રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. અમદાવાદમાં આજે 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા શહેર ગરમીના તીવ્ર પ્રભાવ હેઠળ રહ્યું હતું.
અમદાવાદ અને આસપાસના વિસ્તારો માટે હવામાન વિભાગે આગામી સવારે 8:30 વાગ્યા સુધી આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. શહેરમાં મહત્તમ તાપમાન આશરે 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો, જ્યારે રાજ્યના બાકીના વિસ્તારોમાં તાપમાનમાં ખાસ ફેરફાર નોંધાયો નહોતો. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા વધુ નોંધાયું છે.
હાલ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તર સીમા અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારો તરફ આગળ વધી રહી છે. આગામી 3થી 4 દિવસ દરમિયાન ચોમાસું દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્ર, કોમોરિન વિસ્તાર અને બંગાળની ખાડીના વધુ વિસ્તારોમાં આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાથે પશ્ચિમ વિક્ષેપની અસર યથાવત રહેતા રાજ્ય ઉપર નીચલા સ્તરે પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ખાસ ફેરફાર થવાની શક્યતા નથી. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બીજી તરફ 22 અને 23 મે દરમિયાન દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 22 મેના રોજ નવસારી, વલસાડ, ડાંગ તેમજ દમણ, દાદરા અને નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદી છાંટા પડી શકે છે.23 મેના રોજ નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં વરસાદની શક્યતા છે. સાથે જ અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવ વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે છાંટાની આગાહી કરવામાં આવી છે.

જુદા જુદા શહેરોનું તાપમાન

શહેરતાપમાન
રાજકોટ43°C
સુરેન્દ્રનગર43°C
અમરેલી43°C
કંડલા એરપોર્ટ43°C
ગાંધીનગર42°C
વિદ્યાનગર42°C
ભૂજ41°C
ડીસા41°C
ભાવનગર40°C
વડોદરા40°C
નલિયા37°C
કંડલા પોર્ટ37°C
કેશોદ37°C
દમણ37°C
પોરબંદર35°C
સુરત35°C
મહુવા34°C

Most Popular

To Top