Dakshin Gujarat

બારડોલીમાં ઉભેલી ઈકો કારને ઈનોવાએ જોરદાર ટક્કર મારી અને રોડ પર આ વસ્તુની રેલમછેલ થઈ ગઈ

બારડોલી: નેશનલ હાઇવે નં.53 પર બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામના કટ પાસે રસ્તો ક્રોસ કરવા ઊભેલી ઇકો કારને વ્યારા તરફથી પૂરઝડપે આવતી ઇનોવા કારે ટક્કર માર્યા બાદ ઇનોવા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ ન હતી. પરંતુ ટક્કર મારનાર ઇનોવા કારમાંથી વિદેશી દારૂ મળી આવતાં સ્થાનિકો તેમજ રોડ પરથી પસાર થતાં લોકોએ દારૂની લૂંટ ચલાવી હતી. સ્થળ પર પહોંચેલી પોલીસને 53,400 રૂપિયાનો વિદેશી દારૂ હાથ લાગ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બારડોલીના નવી કીકવાડ ગામની સીમમાં નેશનલ હાઇવે નં.53 પર વ્યારા તરફથી પૂરઝડપે આવતી ઇનોવા કાર રસ્તો ક્રોસ કરવા ઊભેલી ઇકો કારને ટક્કર માર્યા બાદ ડિવાઇડરમાં ભટકાઈ હતી. અકસ્માત બાદ ઇનોવા કારમાંથી દારૂની રેલમછેલ થતાં લોકોએ રીતસરની લૂંટ ચલાવી હતી.

ઇનોવામાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ભરેલો હોવાથી કારચાલક સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. સ્થળ પર પહોંચેલી પોલીસે કારની તલાસી લેતાં અંદરથી 968 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. જેની કુલ કિંમત રૂ.53,400 હોવાનું જણાવ્યું હતું. પોલીસે અકસ્માત કરનાર કારચાલક વિરુદ્ધ ગુજરાત નશાબંધી કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઓલપાડના ગોડાઉનમાં સૂતેલા ક્લીનરનું ટ્રક નીચે કચડાઈ જતા મોત
સુરત: ઓલપાડના જીન કેમ્પસના ગોડાઉનમાં ડાંગર ભરી રહેલી ટ્રકનો ક્લીનર ગોડાઉનમાં જમીન ઉપર સૂતો હતો. ત્યારે ડાંગર ભરવા આવેલી બીજી ટ્રકના ચાલકે ટ્રક રિવર્સ લેતી વખતે ક્લીનરનું માથું કચડી નાંખતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

ઓલપાડ ટાઉનના જીન કેમ્પસમાં વિવિધ સહકારી મંડળીઓના ખેત પેદાશ સ્ટોરેજનાં ગોડાઉનો આવેલાં છે. જે ગોડાઉનો પૈકી ગોડાઉન નં.૧૬માં સોમવારે સવારે નવસારીના ડાંગરના વેપારીની ટ્રાન્સપોર્ટ ટ્રક નં.૧, કેટી-૨૯૫૫ ડાંગર ભરી રહી હતી. આ ટ્રકમાં ડ્રાઈવર તરીકે અબ્દુલ કાદીર સલીમ મિયા સૈયદ તથા ટ્રકના ક્લીનર તરીકે સલીમશા લાલશા દિવાન ફરજ ઉપર હતો. જ્યારે ટ્રકમાં ડાંગરની ગુણીઓ ભરાઈ રહી હતી, ત્યારે આ ટ્રકનો ક્લીનર સલીમશા દિવાનને ઉજાગરો હોવાથી તે ગોડાઉનમાં જમીન ઉપર સૂઈ ગયો હતો.

એ સમયે ૧૧:૩૦ કલાકે આ ગોડાઉનમાં ડાંગર ભરવા આવેલી બીજી એક ટ્રક નં.(જીજે-૧૯,વી-૦૩૦૮)નો ચાલક મોહંમદ કલીમ મોહંમદ રઝાબ અલી (હાલ રહે., ધારાગીરી મસ્જિદની બાજુમાં, કબીલપોર, નવસારી)એ પોતાની ટ્રક પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ડાબી બાજુ ટર્ન લેતી વખતે તેણે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એ સમયે જમીન નીચે સૂતેલા ટ્રકના ક્લીનર સલીમશા લાલશા દિવાનના માથા ઉપર ટ્રકની પાછળનું ટાયર ચઢાવી તેનું માથું કચડી નાંખ્યું હતું.

આથી ગંભીર રીતે ઘવાયેલા ક્લીનર સલીમશા દિવાનનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બાબતે મૃતક સલીમશાના મામાના દીકરાએ ટ્રકચાલક વિરુદ્ધ ઓલપાડ પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસે અકસ્માત સર્જનાર ટ્રકચાલક અને મૂળ ઉત્તરપ્રદેશના વતની મોહંમદ કલીમ મોહંમદ રઝાબ અલી વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસમથકના અ.હે.કો વિક્રમસિંહ કરી રહ્યા છે.

Most Popular

To Top