Madhya Gujarat

ખંભાતમાં ગોલાણાની કેનાલને ઊંડી અને પાકી બનાવવામાં આવશે

આણંદ : ખંભાતના ગોલાણા ગામ પાસેથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતાં આસપાસની દોઢ વિઘા જમીન પર પાણી ફરી વળ્યાં હતાં. આ ઘટનાના પગલે સફાળા જાગેલા સિંચાઇ વિભાગે અહીં કેનાલ ઉંડી કરવા અને પાકી બનાવવા તાત્કાલિક દરખાસ્ત મોકલી ઝડપથી કામ થાય તે માટે પગલાં ભરવાના શરૂ કરી દીધાં હતાં.  જોકે, હાલ ગોલાણા કેનાલ ઓવર ફલો થવાને કારણે 150 વિઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડૂતો કફોડી હાલતમાં મૂકી ગયા છે. ખભાંતમાં એક બાજુ કમોસમી વરસાદ અને બીજી બીજુ ભાલ પંથકમાં આવેલા ગોલાણા પંથકની ગોલાણા કેનાલ ઓવર ફલો થવાના કારણે કેનાલ પાસેની 150 વિઘા જમીનમાં પાણી ફરી વળતા ખેડુતોની હાલત બગડી હતી. આ અંગે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલને ઊંડી અને પાકી કરવા માટેની દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલવામાં આવતા ખેડુતોએ હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે ખંભાત સિંચાઈ વિભાગના વરૂણ શર્માએ જણાવ્યું હતું કે,ગોલાણા ખાતે કેનાલ ઓવરફલો થઇ હોવાની માહિતીને આધારે પાણીને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરાયો હતો. પરંતુ પાણી કંટ્રોલમાં નહિ આવતા લીંબાસી સિંચાઈ વિભાગમાં જાણ કરી પાણી સદંતર બંધ કરાવી દીધુ હતું. ચોમાસામાં કેનાલમાંથી પાણીનું ઝમણ થાય તો પણ ખેડૂતો બોલતા નથી. પરંતુ રવિ પાકની સિઝનમાં ખેડૂતોની બૂમ આવે છે. આ માટે તાત્કાલિક કેનાલને ઊંડી અને પાકી બનાવવા માટેની દરખાસ્ત તૈયાર કરી ગાંધીનગર મોકલવામાં આવી છે. આ દરખાસ્ત મંજુર થતા ટેન્ડર સહિતની અન્ય પ્રક્રિયા હાથ ધરાશે. વધુમાં ખેડૂત અગ્રણી હર્ષરાજસિંહના જણાવ્યું હતું કે, સિંચાઇ વિભાગે વૈકલ્પિક વ્યવસ્થા કરી છે. પાણી બંધ કરી દેવું એ ઉપાય નથી. તેનાથી અન્ય વિસ્તારના ખેડૂતોને પણ રવિ સિઝનમાં મુશ્કેલી પડશે. તાત્કાલીક કેનાલ પાકી બને તો જ સમસ્યાનું નિરાકરણ કરી શકાય.

Most Popular

To Top