Gujarat Main

સરકારની નિર્ણય શક્તિના અભાવે લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય

ગયા માર્ચ મહિનામાં કોરોના ( corona ) એ ગુજરાતમાં દસ્તક આપી ત્યારથી લઇને આજદીન સુધી શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારમાં નિર્ણય શક્તિનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. સરકારે જે નિર્ણય લીધા છે તેનાથી વિદ્યાર્થી, વાલી , શિક્ષકો કે શાળા સંચાલકો કોઇ જ ખુશ નથી. ગુજરાતના લાખો વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય છે અને આગામી દિવસોમાં નવો કયો નિર્ણય આવશે તે પણ કોઇ જ કળી શકે તે નથી. વિતેલા શૈક્ષણિક વર્ષની વાત કરીએ તો ધોરણ 1 થી 9 અને 11 સુધીના તમામ વિદ્યાર્થીઓનું આખું વર્ષ ઓનલાઇન ( online ) કે ઓફલાઇન એજ્યુકેશનની ( offline education) દ્વિધામાં જ પસાર થઇ ગયું છે.

જ્યારે કોરોનાની ( corona) શરૂઆત થઇ ત્યારે જ સરકારે જાહેરાત કરી દેવી જોઇતી હતી કે, ચાર મહિના સુધી વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઘરે જ રહેશે જેનાથી સંક્રમણ અટકાવી શકાય. આ ચાર મહિનાને બદલે જેટલા મહિના બાકી હોય તેના જ કોર્સની પરીક્ષા લેવામાં આવે. કારણ કે, આ ધો.10 અને 12 સિવાયના વર્ષ કેરિયર માટે કોઇ ખાસ મહત્વ ધરાવતાં નથી. પરંતુ સરકારે તેમ નહીં કર્યું અને આખું વર્ષ વાલીઓ અને સંચાલકો વચ્ચે ફી બાબતે મડાગાંઠ ચાલતી રહી. આવા નિર્ણયો માટે પણ કોર્ટ કહે તે સરકારે કરવું પડે તે સારી બાબત કહી શકાય તેમ નથી. આવા નિર્ણય જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યને સ્પર્શે છે તેના પર સરકારે તાત્કાલિક નિર્ણયો લેવા જોઇએ પરંતુ તેમ થયું નહીં અને અંતે માસ પ્રમોશનનો જ નિર્ણય લેવામાં આવ્યો. ધો. 10નું વર્ષે કે જેની પરીક્ષા શિક્ષણ બોર્ડ ( education board) લે છે તેમાં પણ આવું જ જોવા મળ્યું.

આખુ વર્ષ વિદ્યાર્થીઓએ ગોથા ખાધા અને પછી સરકારે માસ પ્રમોશનની જાહેરાત કરી. ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. 10ના આશરે 8.60 લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો. સરકાર એવું માનતી હતી કે આ નિર્ણયના કારણે સમસ્યાનો અંત આવી ગયો છે પરંતુ તેવું બિલકુલ પણ નથી કારણ કે, આ નિર્ણય પછી હવે નવી સમસ્યા ઊભી થઇ છે. માસ પ્રમોશન ( mass promotion) ને કારણે 8.60 લાખ વિદ્યાર્થી ધો. 11 કે તે પછીના વ્યાવસાયિક કોર્સમાં પ્રવેશ માટે લાયક ઠરશે. આ વિદ્યાર્થીઓેને માટે ધો. 11માં 5.50 લાખ બેઠક છે, જ્યારે ડિપ્લોમા અને આઇટીઆઇ ( iti) ની આશરે 1.50 લાખ બેઠક છે. આમ કુલ 7 લાખ બેઠક પ્રવેશ માટે ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં 8.60 લાખ પાસ થશે એટલે બાકીના 1.60 લાખ વિદ્યાર્થીઓને ક્યાં સમાવવા તે અંગે કોઇ જ સ્પષ્ટતા સરકારે કરી નથી જેના કારણે હવે જ્યારે પણ ધો. 11ના એડમિશન શરૂ થશે ત્યારે બાકીના વિદ્યાર્થીઓએ નવી સમસ્યાનો સામનો કરવો પડશે. એટલું જ નહીં પરંતુ રાજ્યમાં 3.50 લાખ જેટલા રિપિટર વિદ્યાર્થી છે અને તેમની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે એટલે તેમાંથી જેટલા વિદ્યાર્થી પાસ થશે તેમને ધો. 11માં કેવી રીતે એડમિશન મળશે અને ક્યાં મળશે તેની કોઇ જ ગોઠવણ સરકાર દ્વારા કરવામાં આવી નથી.

રાજ્યના વાલીઓનો એવો પણ સૂર છે કે જો માસ પ્રમોશન આપવાનો નિર્ણય પહેલાં થી જ લઇ લેવામાં આવ્યો હોત તો આખુ વર્ષ ઓનલાઇન શિક્ષણના નામે વાલીઓએ જે ફી ભરી છે તેમાંથી પણ તેમને મુક્તિ મળી શકી હોત. કારણ કે, કોરોનાકાળમાં મોટાભાગના દિવસો લોકડાઉનમાં ધંધા વેપાર અને નોકરી વગરના ગયા છે ત્યારે વાલીઓ માટે બાળકોની ફી ભરવી પણ લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. આવી જ હાલત હવે ધો. 12ના વિદ્યાર્થીઓ માટેની છે. ધો. 12ના વિદ્યાર્થીઓ માટે પણ સરકારે કોઇ સ્પષ્ટતા કરી નથી અને આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે તેનું એકનું એક રટણ ચાલી રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓના ભાવિનો પ્રશ્ન હોય ત્યારે સરકારે તમામ પાસાઓ વિચારીને નિર્ણય લેવો જોઇએ. જ્યારે સરકાર ઓનલાઇન શિક્ષણની વાત કરે છે ત્યારે તેમણે એ પણ વિચારવું જોઇએ કે ગુજરાતના વિદ્યાર્થીઓ માત્ર શહેર, નગર કે ગામડાંઓમાં નથી રહેતા પરંતુ એવા અંતરિયાળ વિસ્તારમાં રહે છે જ્યાં મોબાઇલના નેટવર્કની વાત તો દૂર રહી હજી સુધી બસ પણ જઇ શકે તેવા રસ્તા નથી. આવા વિદ્યાર્થીઓની સંખ્યા એક બે નહીં પરંતુ લાખોમાં છે. ઉમરગામથી લઇને અંબાજી સુધી આખો આદિવાસી બેલ્ટ છે ત્યાં પણ લાખો વિદ્યાર્થી અભ્યાસ કરે છે અને જેમાં મોટાભાગના વિસ્તારમાં મોબાઇલ નેટવર્ક ( mobile network ) ની સુવિધા નથી. જો માની લેવામાં આવે કે સુવિધા છે તો તેમની પાસે 10 થી 15 હજાર રૂપિયા ખર્ચીને સ્માર્ટ ફોન ખરીદવાની શક્તિ નથી આ તમામ પાસાઓ વિચારવા જોઇએ.

Most Popular

To Top