Comments

બીજી જિંદગીનો પહેલો પડાવ, વૃદ્ધાશ્રમ

ઉપનિષદની ગાથા અનુસાર ઉદ્દાલક એના આચાર્યને કહે છે, ‘ગુરુવર્ય, આપે મને અસ્ત્ર-શસ્ત્ર વિદ્યાથી યોગવિદ્યાથી ઉત્કૃષ્ટ શરીર અને પ્રાણનો સંચાર યોજી આપ્યો છે. ભૂ-સ્થળ, પશુ અને સુવર્ણ એકત્ર કરવાનું બળ આપ્યું છે. છતાં, હું ખિન્ન છું કારણ, આશ્રમમાંથી વિદાય લેતા સમયે હું આપના શ્વેતકેશ અને કરચલીથી ભરપૂર કંપન લેતાં દેહને જોઉં છું અને હું મારી જાતને આપનાં ચરણોમાં મૂકી પૂછું છું કે, મારું શરીર પણ આપના જેવું જીર્ણ થઈ જશે?’ ઉપનિષદના ઉદ્દાલકની વ્યથા આજે ૨૧મી સદીમાં પણ એટલી જ પ્રભાવશાળી છે અને તમામ વયસ્ક-તે પૈસે છતે પરિવારે, એકલતા અનુભવતા, ઈશ્વરને પૂછે છે, ‘પ્રભુ શા માટે વૃદ્ધત્વ!’

‘નામ તેનો નાશ’એ ન્યાયે યુવાન વયે વિકસાવેલ વ્યવસ્થા ધીરે ધીરે વિખરાશે તે નિર્વિવાદિત છે. વૃદ્ધ શરીરનું સામ્રાજ્ય અને ભરતી-ઓટ સર્જવા શક્તિમાન મન શિથિલ થઈ જશે તેમાં કોઇ મીનમેખ નથી. પરંતુ ‘આનંદી કાગડા’ની બાળવાર્તા પ્રમાણે વૃદ્ધત્વ આનંદાયી બનાવવાનું અશક્ય નથી. વૈદિક સમજમાં યમ-નિયમને પ્રાણાયામ સાથે પ્રાકૃતિક અવસ્થામાં આહાર લેવાતા કબીલામાં સુરક્ષિત જીવન જીવતા માનવનું સરેરાશ આયુષ્ય ૧૦૦ વર્ષથી વધુ હોવાનું પ્રમાણ મળે છે.

પરંતુ તે પછી મોગલયુગમાં આશ્રમજીવન અને વર્ણવ્યવસ્થા વિખેરાઈ જતાં સ્ત્રીઓના સંરક્ષણ સાથે ટકી રહેવાની જદ્દો-જેહાદમાં ગુલામ કુટુંબોમાં સરેરાશ આયુષ્ય ૬ર વર્ષ સુધી નીચે ગયું અને અંગ્રેજકાળમાં પરંપરાગત કૃષિ વ્યવસ્થાના સ્થાને માનસિક દબાણથી ઘેરાયેલ નોકરિયાત – વિભકત સમાજ તૈયાર થતાં સમાજ કુપોષણ, વ્યસન, રોગચાળો, નિરક્ષરતા, સ્વાતંત્ર્યના અભાવ સાથે ભય અને ગરીબાઇમાં ઢસડાઈ ગયો. પરિણામે ભારત આઝાદ થયું ત્યારે હિંદુસ્તાનીઓનું સરેરાશ આયુષ્ય ૩૮ વર્ષ થઈ ગએલું. અંગ્રેજોની સમાજવ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવાની રાજકીય ચાલના કારણે ૧૯૪૮માં, ૩૮ કરોડ દેશવાસીઓની વસ્તીમાં ૬૦ વર્ષથી મોટાં નાગરિકોની સંખ્યા ૧.૨૦ કરોડ માત્ર હતી. તેવું પ્રથમ પંચવર્ષીય યોજનાના મુસદ્દામાં વાંચવા મળે છે.

પરંતુ સ્વતંત્ર ભારતના લોકશાહી તંત્રમાં ભારતીય સમાજનું ચિત્ર બદલાયું છે. ૧૯૫૧માં ૧૦૦ની વસ્તીએ ૬ વૃદ્ધોની સંખ્યા હતી તે વર્ષ ૨૦૨૦માં ૪૭ની થઈ છે. રોગ પ્રતિકારક રસી, લાઇફ સેવિંગ ડ્રગ્ઝની પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધિ, વિકસિત આરોગ્ય વિજ્ઞાન, શિક્ષણ,પોષક આહાર પ્રત્યે જાગૃતિ તથા બંધારણે આપેલ નાગરિક સ્વાતંત્ર્યના કારણે આજે વર્ષ ૨૦૧૧ના સૅન્સસ પ્રમાણે વસ્તીવૃદ્ધિ દર ૨.૬૬% એ સ્થિર થયો છે તથા સરેરાશ ૭૬ વર્ષની આયુએ પહોંચેલા વૃદ્ધોની સંખ્યા ૩.૬૫% એ પહોંચી છે, જે કંઇક અંશે સમૃદ્ધ લોક્શાહીનું દર્શન આપે છે.

આઝાદીનાં ૭ વર્ષ દરમિયાન શિક્ષણ, રોજગારી, માળખાગત સુવિધાથી માંડી અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર અનુકૂળ સ્થિતિ સર્જાઇ છે, તો સિકકાની બીજી બાજુએ શહેરીકરણના કારણે ટ્રાફિક સમસ્યા, નાના આવાસ, અસહ્ય મોંઘવારી, રોગની અત્યંત ખર્ચાળ સારવાર, વિભક્ત અને નાના કુટુંબ. પ્રકારે કેટલાંક વિપરીત પરિસ્થિતિ ભારતીય સમાજે સ્વીકારવી પડી છે. આમ છતાં, આઝાદી પછી જન્મેલાં અને આજે આયુષ્યમાં અમૃત મહોત્સવનો આનંદ લેતાં વયસ્કો પાસે તો શિક્ષણ છે, પોતાની નિવૃત્તિને સાચવવા જોગ પૈસા છે, સારું સ્વાસ્થ્ય છે, સ્વતંત્ર વિચારસરણી છે અને આથી આજે ૭૫ વર્ષ વટાવી ચૂકેલાં સીનીયર સીટીજનોને ૮૦-૮૫ વર્ષે પહોંચેલા વડીલોની વ્યથા સહન કરવી પડતી નથી, જે આનંદદાયક બને છે.

આ સ્થિતિમાં ગુજરાતમાં સક્રિય તેવા રર૮ વૃદ્ધાશ્રમોનાં વડીલો ઉપર થયેલા અભ્યાસથી ફલિત થાય છે કે, વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબુર વડીલો, શારીરિક રીતે રોગગ્રસ્ત હાલત ધરાવે છે. તે પોતાના મનથી ભાંગી ગયાનું જણાય છે. આથી, વૃદ્ધાશ્રમમાં રહેવા છતાં સ્વતંત્ર રીતે નિર્ણય ન લઈ શકતાં કંઈક અંશે પરાવલંબી અને આશ્રિત ભાવથી પીડાય છે. સામાજિક અનુકૂલન સાધવામાં નિષ્ફળ માણસને જ વહુ-દીકરાઓ વૃદ્ધાશ્રમમાં મૂકી જાય છે, તેવા પરંપરાગત ખ્યાલના લીધે વૃદ્ધાશ્રમનાં આશ્રમવાસીઓ પોતાને અસામાજિક અથવા અન્યાયનો ભોગ બનેલ જાણી સ્વ પ્રત્યે સતત હીનભાવ અનુભવે છે.

જો કે પોતાની યુવાનીમાં કલા, સાહિત્ય, તબીબી સેવા કે માનવસેવાના કોઇ ક્ષેત્રમાં પોતાની જાતને જોડી રાખવાની સક્ષમતા ધરાવતાં વડીલોનું પોતાને નિરર્થક, અવરોધરૂપ કે બોજારૂપ જાણતા નથી તે અવલોક્ને આશાસ્પદ બને છે. સર્વેક્ષણ અનુસાર વૃદ્ધાશ્રમમાં વડીલોને આવવાનાં કારણો અને તેમની સામાજિક સ્થિતિ વિશે જમીની હકીકત એ છે કે, (૧) જે વડીલો પોતાની આવકનો સ્વતંત્ર સ્રોત ગુમાવે છે તેઓનું પછીથી કુટુંબમાં માન-સન્માન જળવાતું નથી. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો પૈકી ૭૦% વડીલો માટે આ હકીકત લાગુ પડે છે.

(૨) એક સમયે પોતે સ્વતંત્ર રીતે ધંધો કરી આવક મેળવતાં વડીલો પોતાનાં સંતાનોને ધંધો સોંપી દે છે. તે પછી સંતાનો જે રીતે ધંધો આગળ ખેંચે છે તેથી વડીલોને સંતોષ હોતો નથી. કુટુંબમાં મતભેદ ઊભા થાય છે અને ડિલ, પૈસા અને કુટુંબ બંનેથી દૂર થઇ જાય છે. વૃદ્ધાશ્રમમાં રહેતાં વડીલો પૈકી ૫૬% ડિલોના વૃદ્ધાશ્રમના નિવાસનું આ જ કારણ છે. (૩) મા-બાપે પેટે પાટા બાંધી રાત્રે ઉજાગરા વેઠી ચિંતા કરી દીકરાને ઉછેર્યો હોય ને મોટો થતાં દીકરો વહુનો થઈ જાય છે ત્યારે મા ને ભારે આઘાત પહોંચે છે. પરિણામે દીકરો તો વહુનો જ રહે ને મા વૃદ્ધાશ્રમની અંતેવાસી થઈ જાય છે.

વૃદ્ધાશ્રમમાં રહેતી ૮૦% બહેનો માટે આ સ્થિતિ કારણભૂત છે. (૪) જે કુટુંબમાં મા અને બાપ બંને નોકરી કરતાં હોય છે ત્યાં બાળઉછેરમાં કૌટુંબિક સમાયોજનનો એક ખાલીપો વિકસતો હોય છે અને આથી મોટી ઉંમરે કોઈ કારણસર મા-બાપને વૃદ્ધાશ્રમમાં રહેવાની સ્થિતિ આવે તો નોકરિયાત મા-બાપનું બાળક અલગ રહેવાની વાત પ્રત્યે આઘાત નથી અનુભવતું. આ વાત વૃદ્ધાશ્રમમાં આવતાં ૪૪% વડીલો માટે જમીની હકીક્ત બને છે. (૫) વડીલોને ચેપી રોગ હોય, કોઇ ગંભીર બીમારી હોય, શરીરે ખોડ-ખાંપણ હોય અને સંતાનો તેની કાળજી લેવાનાં ખર્ચને પહોંચી શકે તેમ ન હોય તો આવાં વડીલો કુટુંબનું બહાનું કાઢીને વૃદ્ધાશ્રમમાં રહેવા આવી જાય છે.

આવી સ્થિતિ ૩૮% વૃદ્ધોમાં જોવા મળે છે. ગામડાંઓમાં સ્થપાતાં વૃદ્ધાશ્રમોના અભ્યાસમાં જણાયું છે કે, ભાભા ખેતરે રખોપુ કરવામાં, ઢોરો (પશુ) સંભાળમાં, કુટુંબને સહકાર ન આપે ને ચોરે બેસી તંબાકુ, ગાંજો કે દારૂની લતે ચડયા હોય તો ગામ આખું ભેગું થઇ તેને આશ્રમે મૂકી આવે છે. આવાં કારણો ૧૦% વડીલો માટે લાગુ પડે છે. (૬) એકથી બે બાળકો, નોકરી ધંધાવશાત્ બાળકોનું પરદેશમાં રહેવું, મુંબઇ-મદ્રાસ-કલકત્તા જેવાં શહેરોમાં ગીચ અને નાના આવાસની સમસ્યા, તેમ અશિસ્તભર્યા ટ્રાફિકના લીધે વડીલો માટે અકસ્માતનાં ભયનાં કારણો વૃદ્ધો કૌટુંબિક સમન્વય છતાં, શહેરોનાં નાના ઘરના બદલે વૃદ્ધાશ્રમમાં રહેવાનું પસંદ કરે છે. દિવસમાં મોબાઈલ ઉપર ૨-૫ વખત સંતાનો સાથે દેશ-વિદેશમાં વાત કરી આનંદ લે છે અને તહેવારોની ઉજવણી સમયે બાળકો સાથે દેશ-વિદેશમાં ચાલ્યા જાય છે. ગુજરાતનાં શહેરો વૃદ્ધાશ્રમોમાં રહેતાં પર% સુખી વડીલો આ સ્થિતિમાં જીવન માણે છે.

આમ છતાં, આઝાદી પછી શારીરિક સ્વાસ્થ્યની સ્થિતિ સુધરતાં સામાન્ય સંજોગોમાં તો વ્યક્તિ ૭૦મા વરસે પણ ફીટ રહ્યાનું જોવા મળે છે. સ્વતંત્ર ભારતનાં આવાં નાગરિકોને પસંદગીનાં શિક્ષણ, વ્યવસાયને ખર્ચની સ્વતંત્રતા મળતાં આજે દેશની કુલ સંપત્તિનો ૪૬% હિસ્સો કુલ વસ્તીના ૧૦% વૃદ્ધો પાસે ઉપલબ્ધ છે ત્યારે સામાજિક મૂલ્યોનું પુન:પ્રતિષ્ઠાન કરી વૃદ્ધાશ્રમોને અભિશાપ નહીં પણ આશીર્વાદ તરીકે પ્રસ્થાપિત કરીએ. વૃદ્ધાશ્રમોને સામાજિક રીતે તિરસ્કૃત વ્યકિતના આશ્રયસ્થાન તરીકે નહીં, પણ જીવનસંધ્યાના છેલ્લા પડાવે ‘આત્મ દીપો ભવ’ના ઊર્જા કેન્દ્ર તરીકે પ્રસ્થાપિત કરીએ.

સમય પરિવર્તનની સ્થિતિ સ્વીકારી વૃધ્ધાશ્રમમાં વસતાં વડીલોને હ્યુમન રીસોર્સના હબ તરીકે વિકસાવીએ, જૂની અને નવી પેઢી વચ્ચેના સામાજિક સેતુ તરીકે વિકસાવીએ, વૃદ્ધાશ્રમને રચનાત્મક સામાજિક સંકુલ તરીકે પ્રસ્થાપિત કરીએ અને સહુથી વિશેષ પારંપારિક મૂલ્યોને છોડી જીવનસંધ્યાના પડાવને સ્વ-વિકાસ કેન્દ્ર તરીકે વિકસાવીએ તો વૃધ્ધાશ્રમો આશીર્વાદરૂપ વ્યવસ્થા તરીકે સમાજમાં ગૌરવ મેળવી શક્શે. દીકરા અને વહુમાં સંસ્કારોનો અભાવ તે મા-બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા તેવી પરંપરાગત સંકુચિત દૂર કરી વડીલોએ પણ પાકટ ઉંમરે પોતાનું જીવન આશ્રમવાસીઓનાં સમૂહ સાથે ગાળવું જોઈએ. શહેરીકરણના બંધિયાર જીવનમાંથી બહાર આવી વડીલો વચ્ચે આનંદ ઉલ્લાસથી સભર વિકસતું જીવન એટલે જ વૃદ્ધાશ્રમ.
ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top