Columns

તામિલનાડુના જંગલમાં આવેલો એલિફન્ટ કેમ્પ સહેલાણીઓનું આકર્ષણ બની ગયો છે

ભારતની ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર’ને ઓસ્કાર મળતાં તામિલનાડુના મુદુમલાઈ અભયારણ્યમાં રહીને હાથીઓની સારસંભાળ કરતાં વનવાસીઓ રાતોરાત પર્યટકો માટે આકર્ષણરૂપ બની ગયાં છે. આ લખનારે વર્ષો પહેલાં મુદુમલાઈ અભયારણ્યની મુલાકાત લીધી હતી, એટલું જ નહીં હાથીઓના ઝુંડ ધરાવતાં જંગલમાં રાત પણ ગાળી હતી. તે સમયે હાથીઓની માવજત કરનારાં વનવાસી લોકો જંગલનાં આ પ્રાણીઓ સાથે કેવી આત્મીયતા ધરાવે છે, તેનો ખ્યાલ આવ્યો હતો.

ભારતની ભાતીગળ સંસ્કૃતિને કલાત્મક રીતે કેમેરામાં કેદ કરીને તેને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ અપાવવી તે કોઈ જેવીતેવી સિદ્ધિ નથી. ભારતનાં કલાકારોએ તે કરી દેખાડ્યું છે. ધ એલિફન્ટ વ્હિસ્પરર માત્ર વાઇલ્ડ લાઇફની ફિલ્મ નથી પણ મનુષ્યો અને પ્રાણીઓ ઉપરાંત તેમના પ્રકૃતિ સાથેના તંદુરસ્ત સંબંધોની પણ ફિલ્મ છે. તેનો સંદેશો બહુ સ્પષ્ટ છે કે જો મનુષ્યો અને પ્રાણીઓ પ્રકૃતિ સાથે તાદાત્મ્ય સાધીને રહે તો કુદરત તમામનું ભરણપોષણ કરવા સમર્થ છે. આજના મનુષ્યો લોભવશ પ્રકૃતિની ઘોર ખોદી રહ્યા છે, તેમને આ ફિલ્મ દ્વારા બોધ આપવામાં આવ્યો છે.

ધ એલિફન્ટ વ્હિસ્પરર ફિલ્મની કથા કોઈ કાલ્પનિક નથી, પણ સત્ય ઘટના પર આધારિત છે. તામિલનાડુ અને કર્ણાટકની સરહદ પર આવેલા મુદુમલાઈ અભયારણ્યમાં ૧૪૦ વર્ષથી એલિફન્ટ કેમ્પ ચાલી રહ્યો છે. તેને થેપાકડ્ડુ એલિફન્ટ કેમ્પ તરીકે ઓળખવામાં આવે છે. આ કેમ્પમાં વર્ષો પહેલાં જંગલમાં હાથીઓનાં ટોળાંથી પહેલાં વિખૂટાં પડેલાં મદનિયાને લાવવામાં આવ્યો હતો, જેનું નામ રઘુ પાડવામાં આવ્યું હતું. આ રઘુના ઉછેરની જવાબદારી જંગલમાં રહેતા યુગલને સોંપવામાં આવી હતી. તેમણે રઘુ મોટો થયો ત્યારે તેના ધામધૂમથી લગ્ન પણ કરાવ્યા હતા. રઘુ મોટો થયો તે પછી તેને મુદુમલાઈના એલિફન્ટ કેમ્પમાં રાખવામાં આવ્યો છે. ઓસ્કારની જાહેરાત થતાં જ રઘુનાં દર્શન કરવા સહેલાણીઓનાં ટોળાં મુદુમલાઈમાં ઉમટી રહ્યાં છે.

આજથી પાંચ વર્ષ પહેલાં ઊંટીમાં રહેતી ફોટોગ્રાફર અને ફિલ્મમેકર કાર્તીકિ ગોન્સાલ્વિસ પોતાના ઘરે જઈ રહી હતી ત્યારે તેણે રસ્તામાં રઘુ નામના મદનિયાને બોમ્મન પાછળ ચાલતું જોયું. તપાસ કરતાં જાણવા મળ્યું કે રઘુની માતા વીજળીના કરન્ટનો શિકાર બનીને મરી ગઈ તે પછી રઘુને હાથીનાં ટોળાંએ પડતું મૂકી દીધું હતું. એકલું પડી ગયેલું રઘુ ગામડાંના લોકોના ઘરમાંથી ખોરાકની ચોરી કરીને જીવતું રહ્યું હતું. એક વખત તો ગામનાં કૂતરાંઓ તેની પાછળ પડી ગયાં હતાં. તેમણે રઘુની પૂંછડી પણ કરડી ખાધી હતી.

બોમ્મનને રઘુ પર દયા આવતાં તેણે તેની કાળજી રાખવાનું શરૂ કર્યું હતું. બોમ્મન પાસેથી રઘુની કથા સાંભળીને કાર્તીકિ ઉત્તેજીત થઈ ગઈ હતી. તેણે પોતાના મોબાઈલ કેમેરાથી રઘુની ૧૦ મિનિટની ફિલ્મ ઉતારી લીધી હતી અને નેટફ્લિક્સને જોવા મોકલી હતી. નેટફ્લિક્સને તે ફિલ્મ ગમી ગઈ એટલે તેણે કાર્તીકિને તે વિષય ઉપર દસ્તાવેજી ફિલ્મ બનાવવાનું સૂચન કર્યું હતું. કાર્તીકિની માગણી હતી કે તે નિર્માતા ગુણીત મોંગા સાથે કામ કરવા માગે છે, જેણે બનાવેલી ડોક્યુમેન્ટરી ફિલ્મને ૨૦૧૯માં ઓસ્કાર મળ્યો હતો. ગુણીત મોંગા અગાઉ અનુરાગ કશ્યપ સાથે ગેન્ગ્સ ઓફ વાસીપુર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી હતી.

રઘુ બાબતમાં વધુ માહિતી ભેગી કરતાં કાર્તીકિને બેલ્લી નામની વનવાસી મહિલાની કથા જાણવા મળી હતી, જે બોમ્મન સાથે રહીને રઘુને માતાની મમતા આપતી હતી. બેલ્લી એક એવી મહિલા છે, જેનો જન્મ જંગલમાં થયો હતો અને ઉછેર પણ જંગલમાં થયો હતો. રઘુની જિંદગી બાબતમાં દસ્તાવેજી ફિલ્મ બનાવતી વખતે કાર્તીકિને ખ્યાલ આવ્યો હતો કે જળવાયુ પરિવર્તનને કારણે જંગલો પાંખાં બની રહ્યાં છે, વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં માનવવસતિ તરફ સ્થળાંતર કરી રહ્યાં છે અને મનુષ્ય તેમ જ પ્રાણીઓ વચ્ચે સંઘર્ષની ઘટનાઓ વધી રહી છે.

મુદુમલાઈ અભયારણ્યની આજુબાજુ પર્યટન ઉદ્યોગને કારણે થયેલું નુકસાન પણ તેણે જોયું હતું. કાર્તીકિએ ગુણીત મોંગાને હાથીનાં બચ્ચાં વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવવાની વાત કરી ત્યારે તે અત્યંત ઉત્તેજીત બની ગઈ હતી. તેણે કાર્તીકિને પોતાના ઘરે મળવા અને પ્રોજેક્ટ વિશે ચર્ચા કરવા બોલાવી હતી. ગુણીત મોંગા દિલ્હીના છત્તરપુરના બાબાને પોતાના ગુરુ માને છે. તેણે પોતાના ગુરુની અનુમતિ લઈ લીધી હતી. પછી બંને મુદુમલાઈના જંગલમાં ગયા હતા. ત્યારે બોમ્મન અને બેલ્લીનાં લગ્નનો ઉત્સવ ચાલી રહ્યો હતો. તેમણે તેનું શૂટીંગ કરી લીધું હતું. હકીકતમાં ફિલ્મમાં બોમ્મન અને બેલ્લીના લગ્નનો જે પ્રસંગ બતાડવામાં આવ્યો છે તે કાલ્પનિક નથી પણ વાસ્તવિક છે.

ધ એલિફન્ટ વ્હિસ્પરર ફિલ્મ માત્ર ૪૧ મિનિટની દસ્તાવેજી ફિલ્મ છે, પણ તેનું શૂટીંગ કરવામાં તેમને સાડા ત્રણ વર્ષ લાગ્યાં હતાં. તેમણે બોમ્મન, બેલી અને રઘુ પાસે કોઈ કૃત્રિમ અભિનય કરાવ્યો નહોતો, પણ દિવસ-રાત તેમની પાછળ કેમેરા લઈને ફર્યા હતા. તે દરમિયાન તેઓ બોમ્મન અને બેલીને રઘુના ઉછેર બાબતમાં સવાલો કરતા ગયા હતા અને તેમના જવાબો તેમની તળપદી બોલીમાં જ રેકોર્ડ કરતા ગયા હતા. આ રેકોર્ડિંગ કરતી વખતે જંગલના, પશુઓના અને પંખીઓના જે કુદરતી અવાજો સાંભળવા મળે તેનું પણ તેઓ રેકોર્ડિંગ કરતા ગયા હતા. સાડા ત્રણ વર્ષની જહેમતને અંતે તેમણે કુલ ૪૦૦ કલાક જેટલું રેકોર્ડિંગ કર્યું હતું. તેમાં કાપકૂપ કરીને માત્ર ૪૧ મિનિટની દસ્તાવેજી ફિલ્મ બનાવવી તે ૪૦૦ કલાકના રેકોર્ડિંગ કરતાં કપરું કાર્ય હતું.

તામિલનાડુના હાથી વિશે દસ્તાવેજી ફિલ્મ બનાવ્યા પછી કાર્તીકિ અને ગુણીત હવે ત્રણ નવા પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે, જે ત્રણેયનો સંબંધ ભારતની ભાતીગળ સંસ્કૃતિ સાથે છે. પહેલો પ્રોજેક્ટ પશ્ચિમ ઘાટના જંગલોમાં ઊંચાઈ ઉપર વસવાટ કરતા જંગલી બિલાડા બાબતમાં છે તો બીજો પ્રોજેક્ટ મધ્ય ભારતનાં જંગલોમાં વસતાં ભીલ લોકોની કળાઓ બાબતમાં છે. ત્રીજો પ્રોજેક્ટ ભારત-ચીનની સરહદે આવેલા વેરાન રણમાં જીવતા વણઝારા લોકોની જિંદગી બાબતમાં છે. ઓસ્કાર વિજેતા દસ્તાવેજી ફિલ્મનું ટાઈટલ ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર’એક ખાસ મતલબ ધરાવે છે.

મનુષ્યો જે રીતે પોતાના આપ્તજનના કાનમાં ફૂંક મારીને પોતાની ખાનગી વાત કરતા હોય છે, તેમ વન્ય પ્રાણીઓ પણ પોતાની ખાનગી વાત કાનમાં ગણગણાટ કરવા દ્વારા કરતા હોય છે. આ વાત તેવા મનુષ્યો જ સમજી શકે છે, જેઓ પ્રાણીઓ સાથે એકાકાર થઈ ગયાં હોય. જે રીતે વન્ય જીવો મનુષ્યના કાનમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હોય છે તેવી રીતે કુદરત પણ પોતાની વાત અલગ અંદાજમાં કહેતી હોય છે, પણ તે સાંભળવા માટેના કાન હોવા જોઈએ. જંગલમાં રહેતાં મનુષ્યો કુદરતની નજીક રહેતાં હોવાથી કુદરતી આફતોની તેમને આગોતરી જાણ થઈ જતી હોય છે.

જંગલમાં રહેતી બેલ્લીને જ્યારે સમાચાર આપવામાં આવ્યા કે તેની જિંદગી પરથી બનેલી ફિલ્મને ઓસ્કાર મળ્યો છે, ત્યારે તે આનંદિત થઈ ગઈ હતી, પણ તેણે સહજ ભાવે જણાવ્યું હતું કે મારી પાસે આ ફિલ્મ જોવા માટે ટી.વી. કે મોબાઈલ નથી. કદાચ તેને મોબાઇલ આપવામાં આવે તો તેના જંગલમાં મોબાઇલનું નેટવર્ક નથી. ભારતના શહેરના લોકો જે મોબાઈલને આશીર્વાદ માનતા હતા તે હવે તેમના માટે અભિશાપ બની રહ્યો છે. વનવાસીઓ તેના વગર પણ સુખી છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top