Charchapatra

EDની કાર્યવાહી પ્રશંસાને પાત્ર છે

દેશમાં કેન્દ્ર સરકારના ED દ્વારા કરાતા કેસ અને દરોડાઓની ચર્ચા વિરોધ પક્ષો દ્વારા આજે સતત થઇ રહી છે. ત્યારે ED એ આજદિન સુધીની કરેલ કાર્યવાહીની પણ ચર્ચાઓ કરવી હવે જરૂરી બનેલ છે. મોદી સરકારના 8 વર્ષમાં EDના કામમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. EDના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે એપ્રિલ – 2014 થી માર્ચ – 2022 સુધી ED એ કુલ 3555 કેસો નોંધ્યા અને 99,355 કરોડ રૂપિયાની વિક્રમી સંપતિ જપ્ત કરેલ હતી. જ્યારે કોંગ્રેસની UPA શાસનના 9 વર્ષ એટલે કે જુલાઇ – 2005 થી માર્ચ – 2014 સુધીના કાર્યકાળમાં મની લોન્ડરીંગ કાયદા હેઠળ માત્ર 1867 કેસ નોંધાયા અને માત્ર 4,156 કરોડ રૂપિયાની જ સંપત્તિ જપ્ત કરાયેલ હતી. છેલ્લા 4 મહિનાની વાત કરીએ તો આ સમય દરમ્યાન ED દ્વારા 785 નવા કેસ થયા અને વિક્રમ એવી 7,833 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાયેલ હતી. જે રકમ UPAના શાસનના જુલાઇ – 2005 થી માર્ચ – 2014 (9 વર્ષ)ની કુલ રકમ “ 4,156 કરોડ રૂપિયા કરતા વધારે થાય છે. ઉપરોકત હકીકતો જોતા હાલ ED વધુ સક્ષમ થઇને કાર્યરત બનેલ છે અને વધુ રકમની સંપત્તિ જપ્તી કરતી થઇ છે. જેને ખરેખર તો અભિનંદનને પાત્ર ગણવાની જરૂર છે. EDના વધુ દરોડાઓ અને વધુ રકમની જપ્તી દેશમાં અપનાવાતી વર્ષોથી ખોટી રીત – રસમોને કારણે છે, જેને રાજકીય રક્ષણ અપાતું હતું. આ ખોટી રકમોને સ્વચ્છ કરવાનું કાર્ય કેન્દ્ર સરકારનું ED કરી રહી છે તે માનવાની જરૂર છે અને તેથી તેના સતત ખોટા વિરોધો હવે જવાબદારોએ સદંતર બંધ કરવાની જરૂર છે.  EDના દરોડાઓ માટે કેન્દ્ર સરકાર પર આક્ષેપો મૂકવા તે વધુ પડતા રાજકીય છે તેવું લાગે છે. હકીકતમાં ED પર આક્ષેપો મૂકનારે નિયમાનુસાર કાર્ય કરવાની પહેલા કરતા આજે વધુ જરૂરી બનેલ છે.
અમદાવાદ           – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top