Charchapatra

‘અગ્નિપથ’નો આટલો આંધળો ઝનૂની વિરોધ શાને કાજે?

ભારતીય લશ્કરમાં ચાર વર્ષના ટૂંકા ગાળા માટે સાડા સત્તર વર્ષથી તેવીસ વર્ષ સુધીના યુવાનોને ‘અગ્નિપથ’ યોજના હેઠળ નોકરીઓની ઓફર કરવામાં આવી છે. સમજયા કે જાણ્યા વગર ઉત્તર ભારતનાં રાજયોમાં એનો ભયંકર વિરોધ કરવામાં આવ્યો છે અને એકલી સરકારની નહિ, પણ આપણી જનતાની કરોડો રૂપિયાની મિલકતોનો નાશ કરવામાં આવ્યો છે. પહેલાં તો આ વાત સમજી લઇએ કે આ યોજના તળે આર્મીમાં જોડાવાની વાત ફરજીયાત નથી. જે વાલીઓનાં સંતાનોને એમાં જવાની ઇચ્છા નથી, એ લોકો એમને ના મોકલે. દા.ત. મારે મારા સંતાનને આ યોજના તળે આર્મીમાં નથી મોકલવો  તો પછી મારે આ બાબતે વિરોધરૂપી ધમપછાડા કરવાની કાંઇ જરૂર ખરી કે?! આજે ભણેલા યુવાનોમાં ભારે બેકારી પ્રવર્તે છે.

ગ્રેજયુએટ અને માસ્ટર થયેલા સેંકડો યુવક – યુવતીઓ નોકરી વગરનાં બેકાર ફરે છે. કેટલાંકની ઉમ્મર તો નોકરીની શોધમાં ૩૦ વર્ષ ઉપર પણ થઇ ગઇ હશે. તો આ યોજના તળે ચાર વર્ષ માટે લશ્કરમાં નોકરી કરીને અર્થાત્ દેશસેવા કરીને આશરે ૧૫ થી ૨૦ લાખ રૂપિયા ભેગા કરી લેવામાં કયો ગેરલાભ એમને થવાનો છે?!  નોકરી પૂર્ણ કર્યા પછી પણ જો એ યુવાનોને આગળ ભણવું હશે તો પ્રાયોરીટીના બેઝ ઉપર ભણી પણ શકાશે. અરે, નાનો અમથો ધંધો પણ કરી શકાય એટલી ધનરાશી તો ઉપર કહ્યા મુજબ એમની પાસે હશે જ.

એટલું જ નહિ, નિવૃત્ત થનાર યુવાનોને બીજે પણ નોકરીઓ મળશે જ. મને યાદ છે ત્યાં સુધી ૧૯૬૮ માં ઇન્દિરાજીની સરકાર વખતે ‘શોર્ટ સર્વિસ કમિશન’ નામક યોજના તળે પાંચ વર્ષના કરાર હેઠળ યુવાનોને લશ્કરમાં લેવાતા હતા. પાંચ વર્ષની નોકરી પછી નિવૃત્ત થયા પછી એ યુવાનોને કોઇક ને કોઇક ઠેકાણે નોકરીઓ મળતી જતી હતી. ‘અગ્નિપથ’ યોજના હેઠળ પણ ૨૫ ટકા યુવાનોને તો કાયમ કરવાની વાત તો છે જ. આજે પ્રવર્તતી ભયંકર બેકારીમાં ‘અગ્નિપથ યોજના તળે યુવાનોએ, ખરેખર એમના ઉજળા ભવિષ્ય માટે લશ્કરમાં જેાડાવું, કાંઇ ખોટનો ધંધો તો નથી જ. યોજના જ આખી મરજીયાત છે, તો પછી આટલો બધો આંધળો ઝનૂની વિરોધ શા માટે?!
સુરત     – બાબુભાઇ નાઇ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top