Charchapatra

અંધશ્રદ્ધાનો અંધારિયો કૂવો

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધો. 10 માં  અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને સાપ કરડયો. અંધશ્રદ્ધામાં માનતા આ દીકરીનાં માતા-પિતા તથા વડીલો દીકરીને દવાખાને કે હોસ્પિટલમાં લઇ જવાને બદલે ભૂવા પાસે લઇ ગયા! ભૂવાએ પીંછી નાંખી, મંત્રોચ્ચાર કર્યા. ઝેરી સાપના દંશનો ભોગ બનેલી આ દીકરીના શરીરમાં ઝેર પ્રસરી રહ્યું હતું.  તબિયત વધુ બગડી રહી હતી. ચકકર આવવાની સાથે વારંવાર વોમિટ થવા લાગી. કેટલાક સમજુ લોકોના આગ્રહથી દીકરીને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. હોસ્પિટલ પહોંચતાં સુધીમાં બે-ત્રણ કલાક જેટલો સમય પસાર થઇ ગયો હતો! વધુ સારવાર મળે એ પહેલાં જ દીકરીએ દમ તોડી દીધો.  તબીબોનું કહેવું હતું કે જો આ દીકરીને સમયસર હોસ્પિટલ લઇ જવામાં આવી હોત તો ચોકકસ તેનો જીવ બચાવી શકાયો હોત. વડીલોના વહેમ અને અંધશ્રદ્ધાએ નિર્દોષ દીકરીનો જીવ લીધો!

આ બનાવ બન્યાના થોડા જ દિવસો બાદ આ જ વિસ્તારમાં અન્ય એક યુવતીને પણ સાપ કરડયો. આ યુવતીને પણ ભૂવા પાસે લઇ જવામાં આવી! ભૂવાએ દંભી સારવાર આપ્યા બાદ જાહેર કર્યું કે આજ રોજ ‘મંગળવાર’ હોવાથી સાપનું ઝેર ચડશે નહિ. ભૂવાનું કહેવું હતું કે રવિવારે અને મંગળવારે ગમે તેવા ઝેરી સાપ કે જીવજંતુ કરડયા હોય તો પણ દર્દીને એનું ઝેર ચડતું નથી! લોકોની સમજાવટથી આ યુવતીને પણ હોસ્પિટલમાં લઇ જવામાં આવી. સદ્‌નસીબે બિનઝેરી સાપ કરડયો હોવાથી થોડી સારવાર બાદ યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. એક જિંદગી બચી ગઇ. અહીં પ્રશ્ન એ થાય કે આઝાદીનાં 75 વર્ષ બાદ પણ આપણા દેશનાં અસંખ્ય લોકો વહેમ અને અંધશ્રદ્ધા, ભૂવા અને ધુતારાઓની ચુંગાલમાંથી સંપૂર્ણપણે મુકત થતા આપણા ભારતીય સમાજને હજુ કેટલાં વર્ષ લાગશે?
સુરત પ્રફુલ્લ એમ. રાઠોડ આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top