Vadodara

કાર્યકર્તાઓમાં જોશ ભરતા મુખ્યમંત્રી

વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વડોદરા લોકસભા વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં નવા જોશ અને ઉત્સાહનો સંચાર કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વડાપ્રધાન પદ ઉપર સેવાદાયિત્વને નવ વર્ષ પૂર્ણ થવાના અવસર ઉપર આયોજિત સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના નવ વર્ષ શ્રૃખંલાની જાહેર સભાને સંબોધન કરતા મુખ્યમંત્રી પટેલે દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોએ પોતાનો મિજાજ દર્શાવી ભાજપા ઉપર ભરોસો મૂક્યો છે, એ જ મિજાજ લોકાસભાની આગામી ચૂંટણીમાં પણ જોવા મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાન પદ ઉપર નરેન્દ્રભાઇ મોદીના આ નવ વર્ષના કાર્યકાળમાં ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત થયું છે. તેમણે રાજનીતિનો નવો આધ્યાય શરૂ કર્યો છે અને એ અધ્યાયનું નામ વિકાસની રાજનીતિ છે. વડાપ્રધાને પોતાના સેવા દાયિત્વમાં ગરીબો, વંચિતો, શોષિતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી છે. તેમણે ગરીબોનું ખરા અર્થમાં કલ્યાણ કર્યું છે. વડાપ્રધાનના નેતૃત્વમાં ડબલ એન્જીનની સરકારનો ગુજરાતને મહત્તમ લાભ મળ્યો છે, એમ કહેતા પટેલે ઉમેર્યું કે, નરેન્દ્રભાઇ મોદીની તાજેતરની અમેરિકાની મુલાકાત બહુ જ ફળદાયી રહી છે.

આ મુલાકાત બાદ ગુજરાતમાં સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ સ્થાપવા માટેના સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. પાછલા તમામ વડાપ્રધાને સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશમાં લાવવા માટે પ્રયત્નો કર્યા હતા, પણ નરેન્દ્રભાઇ તેમાં સફળ રહ્યા છે અને તેનો લાભ ગુજરાતને મળ્યો છે. અમેરિકાની પાર્લામેન્ટમાં વડાપ્રધાને તેમના પ્રવચન દરમિયાન ૧૯ વખત સ્ટેન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું તે વાતનો સગર્વ ઉલ્લેખ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇએ કહ્યું કે, તેમની સફળ વિદેશ નીતિઓના પરિણામે ભારતનું સમગ્ર વિશ્વમાં ગૌરવ વધ્યું છે.

આર્થિક દ્રષ્ટિએ પણ ભારતનું કદ વધીને ૧૦માંથી પાંચમા સ્થાને પહોંચી ગયું છે. કેન્દ્ર સરકારની તમામ યોજનાનો લાભ પાત્ર તમામ લાભાર્થીઓને લાભ મળે એ માટે વડાપ્રધાન દ્વારા અભિયાન ઉપાડવામાં આવ્યું છે, એમ કહેતા પટેલે ઉમેર્યું કે, વિકાસના ફળ છેવાડાના માનવીને પણ મળ્યા છે. વડાપ્રધાન દ્વારા અમલમાં મૂકવામાં આવેલી વિવિધ યોજનાનો પણ મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો અને આ નવ વર્ષ ખરા અર્થમાં ગરીબ કલ્યાણના અને સુસશાનના બની રહ્યા છે, એમ ભારપૂર્વક કહ્યું હતું. સેવાનો ધ્યેય હોય તો પણ સરકારમાં સુશાસન હોવું ખૂબ આવશ્યક છે. તેમણે આ સુશાસન સ્થાપિત કર્યું છે. એમ પણ ઉમેર્યું હતું. મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં આરોગ્યલક્ષી સુવિધાઓ બહેતર બનાવવામાં આવી છે. તાલુકા કક્ષાએ પણ અદ્યતન સારવાર મળી રહે છે. તાલુકા કક્ષાના સરકારી દવાખાનાઓમાં ડાયાલિસીસની સુવિધાઓ શરૂ કરવામાં આવી છે.

CMની જાહેર સભાના અંશો
વડાપ્રધાન પદ ઉપર નરેન્દ્રભાઇ મોદીના આ નવ વર્ષના કાર્યકાળમાં ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત થયું છે
વડાપ્રધાને પોતાના સેવા દાયિત્વમાં ગરીબો, વંચિતો, શોષિતોના કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિક્તા આપી છે
મોંઘવારીથી અનેક દેશો ત્રસ્ત છે, ત્યારે કેન્દ્રની સફળ નીતિને પરિણામે ભારતમાં મોંઘવારીનો દર પાંચ ટકા જેટલો જ છે.

ભારતમાં મોંઘવારીનો દર 5 ટકા જેટલો જ રહ્યો છે
મોંઘવારીના કારણે વિશ્વના અનેક દેશો ત્રસ્ત છે, ત્યારે કેન્દ્ર સરકારની સફળ નીતિને પરિણામે ભારતમાં મોંઘવારીનો દર પાંચ ટકા જેટલો જ રહેવા પામ્યો છે. ગરીબલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ થકી તેમણે સામાન્ય માનવીને મુખ્યપ્રવાહમાં લાવી સ્વમાન બક્ષવાનું કાર્ય કર્યું છે. તેમ પણ ભુપેન્દ્ર મુખ્યમંત્રી પટેલે કહ્યું હતું.

Most Popular

To Top