India

આજ થી શરૂ થશે ચારધામ યાત્રા

ગંગોત્રી-યમુનોત્રીથી લઈને કેદારનાથ-બદ્રીનાથ સુધી જાણો કયા દિવસે ખુલશે કપાટ

ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા 2026નો પ્રારંભ 19 એપ્રિલે અક્ષય તૃતીયા એટલે કે આજ ના શુભ દિવસે છે. આ દિવસે ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવશે અને તેના સાથે આ વર્ષની ચારધામ યાત્રાની સત્તાવાર શરૂઆત થશે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં ભાગ લેતા હોય છે અને આ વર્ષે પણ વિશાળ સંખ્યામાં ભક્તો પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ચારધામ યાત્રામાં કુલ ચાર પવિત્ર ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદ્રીનાથનો સમાવેશ થાય છે. પરંપરા મુજબ યાત્રાની શરૂઆત યમુનોત્રીથી થાય છે, ત્યારબાદ ગંગોત્રી, પછી કેદારનાથ અને અંતે બદ્રીનાથના દર્શન કરવામાં આવે છે. આ ચારેય ધામ હિમાલયના ઊંચા વિસ્તારોમાં સ્થિત હોવાથી દર વર્ષે માત્ર ઉનાળાના સમયમાં જ યાત્રા માટે ખુલ્લા રહે છે.
આ વર્ષે જાહેર થયેલા શેડ્યૂલ અનુસાર 19 એપ્રિલે યમુનોત્રી અને ગંગોત્રી ધામના કપાટ ખુલશે જેવી માહિતી આપવામાં આવી હતી , ત્યારબાદ 22 એપ્રિલે કેદારનાથ ધામના દ્વાર ભક્તો માટે ખુલશે, જ્યારે 23 એપ્રિલે બદ્રીનાથ ધામના કપાટ ખૂલશે. આ રીતે ચાર દિવસની અંદર ચારેય પવિત્ર ધામ યાત્રાળુઓ માટે ખુલ્લા થઈ જશે.

ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકાર અને સ્થાનિક પ્રશાસન દ્વારા વિશાળ સ્તરે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. યાત્રાળુઓની સુરક્ષા, આરોગ્ય સેવાઓ, ટ્રાફિક વ્યવસ્થા અને રહેવાની સુવિધાઓને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા દરમિયાન ભીડ નિયંત્રણ અને સલામતી સુનિશ્ચિત કરવા માટે વધારાની પોલીસ અને સુરક્ષા દળોની પણ તૈનાતી કરવામાં આવશે.

આ ઉપરાંત યાત્રાળુઓ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી યાત્રાનું સંચાલન વધુ સરળ અને વ્યવસ્થિત રીતે થઈ શકે. સરકારના અંદાજ મુજબ દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ચારધામ યાત્રામાં ભાગ લે છે અને આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો ઉત્તરાખંડ પહોંચવાની શક્યતા છે. ચારધામ યાત્રા હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને માન્યતા મુજબ આ યાત્રા કરવાથી આધ્યાત્મિક શાંતિ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તેથી અક્ષય તૃતીયાના પવિત્ર દિવસે શરૂ થતી આ યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top