Editorial

ઇન્ડોનેશિયાની દંડ સંહિતામાં કરાયેલા સુધારા રસપ્રદ છે

ઇન્ડોનેશિયા એ વિશ્વનો સૌથી વધુ મુસ્લિમ વસ્તી ધરાવતો દેશ છે અને તેની ૮૦ ટકા જેટલી વસ્તી મુસ્લિમ છે પણ આ દેશે પોતાને મુસ્લિમ દેશ કે ઇસ્લામી દેશ જાહેર કર્યો નથી પરંતુ તે પોતાને બિનસાંપ્રદાયિક દેશ ગણાવે છે. આ દેશમાં  હિન્દુ અને બૌદ્ધ સંસ્કૃતિનો મોટો પ્રભાવ છે. જો કે સાથે એ પણ એક વરવી વાસ્તવિકતા છે કે સાંપ્રદાયિક વિખવાદ, ખાસ કરીને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચેના અનેક રમખાણો આ દેશ જોઇ ચુક્યો છે. હાલ જો કે ત્યાં લાંબા સમયથી એકંદરે  શાંતિ છે. હાલમાં ઇન્ડોનેશિયાની સંસદે દેશની દંડ સંહિતામાં કેટલાક ફેરફારો અને સુધારા કર્યા છે જે રસપ્રદ જણાય છે.

ઇન્ડોનેશિયાએ કરેલા આ નવા કાયદાકીય ફેરફારોમાં અલબત્ત, ધર્મનો થોડો પ્રભાવ તો જોવા મળી જ જાય છે. અને  રસપ્રદ રીતે ઇન્ડોનેશિયાએ ધર્મનિંદાને અપરાધ ગણવાનો સુધારો પણ કર્યો છે પરંતુ આમાં ફક્ત ઇસ્લામ જ નહીં પણ હિન્દુ સહિત ઇન્ડોનેશિયાના તમામ છ મોટા ધર્મોનું અપમાન એ અપરાધ ગણાશે એમ જણાવાયું છે. ઇન્ડોનેશિયાની સંસદે  જેની લાંબા સમયથી પ્રતિક્ષા થઇ રહી હતી તે કાયદો પસાર કર્યો છે જે આ દેશની દંડ સંહિતામાં કેટલોક સુધારો કરે છે જે અનુસાર લગ્ન બાહ્ય જાતીય સંબંધો હવે ગુનો ગણાશે અને આ કાયદો દેશના નાગરિકો અને વિદેશથી આવતા  પ્રવાસીઓને પણ લાગુ પડશે.

લગ્ન બાહ્ય સંબંધોને આ પહેલા ઇન્ડોનેશિયામાં ગુનો ગણવામાં આવતો ન હતો પરંતુ હવે ગણવામાં આવશે. દેખીતી રીતે ધર્મગુરુઓના દબાણ હેઠળ આ કાયદાકીય સુધારો કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયામાં વ્યભિચાર બદલ ફટકા મારવાની સજા ફકત તેના સ્વાયત્ત પ્રાંત  આસેહમાં કરવામાં આવે છે બીજા પ્રાંતોમાં આવી સજાની જોગવાઇ નથી. ઇન્ડોનેશિયાનો બાલી ટાપુ દુનિયાના ટોચના ટુરિસ્ટ સ્પોટ્સમાં ગણના પામે છે અને ત્યાં હજારો વિદેશી પર્યટકો આવે છે જેમાં ઘણા અપરિણીત યુગલો પણ હોય છે જેઓ  પરણ્યા વિના લીવ-ઇનમાં રહેતા હોય છે. તેઓ જે હોટલોમાં ઉતર્યા હોય તેમના પર પોલીસ દરોડા પાડવા માંડશે તો ઇન્ડોનેશિયાના ટુરિઝમ ઉદ્યોગને ફટકો પડી શકે છે.

 ઇન્ડોનેશિયામાં ક્રિમિનલ કાયદો તત્કાળ લાગુ પડતો નથી પણ જૂના કાયદાનું સ્થાન નવો કાયદો લે તેને મહત્તમ ત્રણ વર્ષનો સમય લાગે છે. આ નવા કાયદામાં ઘણા બધા લાગુ પાડવાના નિયંત્રણો છે જેના પર કામ કરવાની જરૂર છે. તેથી  તે એક વર્ષમાં અમલી બની જાય તે અશક્ય છે, પણ મહત્તમ ટ્રાન્ઝિટ સમયગાળો ત્રણ વર્ષનો છે. સુધારેલા કાયદાની મળતી માહિતી જાણવા મળે છે કે ઘણી સુધારેલી કલમ કોઇ વ્યક્તિ પોતાના લગ્નની બહાર અન્ય કોઇ સાથે જાતીય સંબંધ  બાંધે તો તેને એક વર્ષની જેલની સજા થઇ શકે છે અને લગ્ન વિના એક બીજાની સાથે રહેનાર યુગલને છ મહિનાની સજા થઇ શકે છે, પણ વ્યભિચારના આરોપો પોલીસ રિપોર્ટ પર આધારિત હોવા જોઇએ જેની ફરિયાદ જે-તે વ્યક્તિના  જીવન સાથી, મા-બાપ કે બાળકો દ્વારા નોંધાવવામાં આવી હોવી જોઇએ.

વ્યભિચાર અંગેનો કાયદો સાઉદી અરેબિયા જેવા દેશોમાં અમલી એવા કાયદા કરતા ઇન્ડોનેશિયામાં ઘણો જ ઢીલો છે તે સ્પષ્ટ જણાય છે. ગર્ભપાતને ગુનો ગણવાનું  ચાલુ રાખવામાં આવ્યું છે પરંતુ તેમાં બળાત્કારથી સગર્ભા થયેલી સ્ત્રી અને જોખમી ગર્ભ ધરાવતી સ્ત્રીને ગર્ભ પડાવવાની મંજૂરી આપવામાં આવી છે.  સુધારેલો કાયદો એમ પણ જણાવે છે કે  ધર્મ નિંદા ગેરકાયદે છે અને હોદ્દા પરના પ્રમુખ અને  નાયબ પ્રમુખનું અપમાન કરવું એ એક અપરાધ છે, જો કે આ અપમાનનો અહેવાલ પ્રમુખ દ્વારા અપાવો જોઇએ અને તેનાથી ત્રણ વર્ષની કેદની સજા થઇ શકે છે. પ્રમુખનું અપમાન એટલે શું? તેની વ્યાખ્યા શું કરવામાં આવી છે તે સ્પષ્ટ  જાણવા મળ્યું નથી.

વળી પ્રમુખ જેવા ઉંચા હોદ્દા પર બેઠેલ વ્યક્તિ પોતાના અપમાન અંગે ફરિયાદ કરે તેવો આગ્રહ થોડો રમૂજી પણ લાગે છે. નાયબ કાયદામંત્રીએ જણાવ્યું હતું કે ટીકા અને અપમાન વચ્ચે ભેદરેખા સ્પષ્ટ દોરવામાં આવી છે  એટલે કે પ્રમુખની ટીકા કરી શકાશે પણ અપમાન નહીં. ધર્મનિંદાનો કાયદો વધુ વિસ્તૃત બનાવવામાં આવ્યો છે અને તેમાં ઇસ્લામ ઉપરાંત ઇન્ડોશિયામાં પાળવામાં આવતા અન્ય પાંચ મોટા ધર્મો ખ્રિસ્તી કેથોલીક, પ્રોટેસ્ટન્ટ, હિન્દુ, બૌધ્ધ અને  કન્ફ્યુશિયસ ધર્મોના મૂળ ઉપદેશોનું અપમાન કરનારને પાંચ વર્ષની સજા થઇ શકશે.

સામ્યવાદના લેનિનવાદ કે માર્ક્સવાદમાં માનતા જૂથ સાથે સંકળાયેલાને દસ વર્ષની સજા થઇ શકશે. સામ્યવાદનો પ્રચાર કરનારને ચાર વર્ષની સજા  થશે. પોતાના દેશમાં સામ્યવાદનો ફેલાવો થતો રોકવા ઇન્ડોનેશિયાની સરકાર ખૂબ સાવધ જણાય છે. જો કે ઇસ્લામીક જૂથો જે કલમની તરફેણ કરે છે તે સજાતીય સંબંધોને ગુનો ગણતી કલમ નાબૂદ કરવા માટે સાંસદો સહમત થયા હતા.  આ વળી એક આશ્ચર્યજનક બાબત છે. માનવ અધિકાર પંચ દ્વારા હાકલ છતાં દેહાંતદંડની જોગવાઇને નાબૂદ કરવામાં આવી નથી.

દરેક દેશને પોત પોતાની આગવી સ્થિતિ અને સંજોગો હોય છે અને તેનો પ્રભાવ જે-તે દેશના કાયદાઓ પર પડતો હોય છે. સમયે સમયે કાયદાઓ બદલતા પણ રહે છે. કેટલાક દેશોમાં કે દેશોના રાજ્યોમાં કેટલાક તો રમૂજી જણાય તેવા કાયદાઓ પણ અસ્તિત્વમાં છે. કેટલાક દેશોમાં જરી પુરાણા કેટલાક કાયદાઓ માત્ર કાગળ પર જ અસ્તિત્વ ધરાવે છે. ભારતમાં આપણી હાલની સરકારે અનેક આવા જરી પુરાણા કાયદાઓ રદ કર્યા છે. કાયદાઓનું પણ આગવું વિશ્વ છે અને ઇન્ડોનેશિયામાં હાલમાં દંડ સંહિતામાં થયેલા વ્યાપક ફેરફારોના અહેવાલો આપણને કાયદાઓના વિશ્વમાં રસ લેવાની પ્રેરણા આપે છે.

Most Popular

To Top