Editorial

દેશમાં આતંકવાદનું ભૂત ફરી ધૂણે તે પહેલા જ ડામી દેવું જોઇએ

દેશમાં જમ્મુ અને કાશમીરમાં આતંકવાદ કાબૂમાં આવી ગયો હોય તેમ નથી પરંતુ ભારતના જવાનો આતંકવાદીઓ ઉપર હાલમાં હાવી હોય તેવું ચોક્કસ પણે કહી શકાય. ખાસ કરીને ઓપરેશન ઓલઆઉટમાં તેનો મહ્તવનો ફાળો છે. જો કે, માત્રને માત્ર જમ્મુ અને કાશ્મીર તરફ ધ્યાન આપવાના બદલે હવે ખાલિસ્તાની આતંકવાદીઓનું ભૂત ફરી ધૂણવા લાગ્યું છે. તેનું ઉદાહરણ એ છે કે, હરિયાણાના કરનાલ જિલ્લામાં ગુરૂવારે સવારે પોલીસે 4 ખાલીસ્તાની ત્રાસવાદીઓને નેશનલ હાઇવે પર ઇનોવા કાર સાથે ઝડપી લીધા હતા.

ચારેય ત્રાસવાદી હાઇવે પરથી ઇનોવામાં પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસના ચેકીંગમં ઝડપાઇ ગયા હતા. ઇન્ટેલિજન્સ બ્યુરોએ આ બાબતે માહિતી આપી હતી. ગુરપ્રિત, અમનદીપ, પરવિન્દર અને ભૂપેન્દરમાંથી ત્રણ ફિરોઝપુરના અને એક લુધિયાણાનો રહીશ છે. આ ચારેય ખાલિસ્તાની ત્રાસવાદી સંગઠન બબ્બર ખાલસા સાથે જોડાયેલા છે. તેમની પુછપરછ માટે પંજાબ પોલીસ સહિતની અન્ય સુરક્ષા એજન્સીઓની ટીમ પહોંચી ગઇ છે. હરિયાણા પોલીસના ડીજીપી પીકે અગ્રવાલે કહ્યું હતું કે ગુપ્તચર તંત્રની બાતમીને કારણે હરિયાણા અને પંજાબ પોલીસ દ્વારા ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં આ ચારેય ઝડપાયા હતા. તેમની પાસેથી દેસી પિસ્તોલ, 31 કારતુસ, 2.5 કિગ્રાની એક એવી કુલ ત્રણ આઇઇડી મળી આવી છે, જેમાં આરડીએક્સ ભરેલો હતો. સાથે જ તેમની પાસેથી 1.3 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા છે.

એસપી ગંગારામ પુનિયાએ જણાવ્યું હતું કે આ ચારેય ત્રાસવાદીઓ પાકિસ્તાની ત્રાસવાદી હરવિન્દર સિંહ રિન્દાના ઇશારે કામ કરતાં હતા અને રિન્દા જ તેમને હથિયારો પુરા પાડતો હતો. તેમને આ હથિયારો તેલંગાણાના આદિલાબાદ પહોંચાડવાનું કામ સોંપાયું હતું. તેના બદલે ચારેયને મોટી રકમ મળવાની હતી. આ પહેલા પણ આ આરોપીઓ મહારાષ્ટ્રના નાંદેડ પાસે આવું કન્સાઇનમેન્ટ પહોંચાડી ચુકયા છે. રિન્દા ડ્રોન વડે હથિયારો પહોંચાડીને મોબાઇલ એપથી તેમને લોકેશન મોકલાવી દેતો હતો.  કરનાલમાંથી પકડાયેલા 20થી 25 વર્ષની વયના ચાર યુવાનો ગુરપ્રીત, અમનદીપ, પરમિન્દર અને ભુપીન્દર ત્રાસવાદી હરવિન્દર સિંહ ઉર્ફે રિન્દા સાથે સંપર્ક ઘરાવતા હતા.

આ ચારેય યુવાનોને રિન્દાએ જ ડ્રોન દ્વારા પાકિસ્તાનથી ફિરોજપુરમાં આ હથિયારો મોકલાવ્યા હતા. તેમની ઇનોવામાંથી પોલીસને એક પિસ્તોલ, ત્રણ આઇઇડી અને 31 કારતૂસ પણ મળ્યા હતા. કરનાલ પોલીસનું કહેવું છે કે પકડાયેલા ચારેય શંકાસ્પદ કોઇ મોટી ઘટનાને અંજામ આપવા માગતા હતા. આ ચારમાંથી ત્રણ પંજાબના ફિરોજપૂરના રહીશ છે જ્ચારે ચોથો લુધીયાણાનો રહીશ છે. પોલીસે એવું પણ કહ્યું હતું કે આ ચારેય શકમંદો દિલ્હી થઇને મહારાષ્ટ્રના નાંદેડ જવા માગતા હતા. જો કે પંજાબના પટિયાલામાં થયેલી હિંસા અને ગુપ્તચર તંત્રની બાતમીને કારણે સુરક્ષા એજન્સીઓ સતર્ક હોવાથી તેઓ પકડાઇ ગયા હતા.

ખાલિસ્તાની આતંકવાદીઓ ફરી માથું ઊંચકે તે પહેલા જ તેમને ડામી દેવા જોઇએ. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, ખાલિસ્તાની આતંકવાદીઓ સમાપ્ત થઇ ગયા છે પરંતુ એવું જરા પણ નથી. હા તેઓ સુષુપ્ત અવસ્થામાં છે એમ ચોક્કસ કહી શકાય અને આ સુષુપ્ત અવસ્થા સુષુપ્ત જ્વાલામુખી જેવી હોય છે. એટલે કે જે રીતે જ્વાળામુખી અચાનક જ ફાટે તે રીતે ખાલિસ્તાની આતંકવાદ પણ ફાટી શકે છે. કારણ કે, તેના આકાઓ પાકિસ્તાન, કેનેડા, યુરોપ અને ઇંગ્લેન્ડમાં હજી સક્રિય છે અને તેઓ હજી પણ ભારતમાં આ પ્રવૃત્તિને વેગ આપનારાઓને ફાયનાન્સ કરી રહ્યાં છે. એટલે આ આંતકવાદનું ભૂત ફરી ધૂણે તે પહેલા જ તેને ડામી દેવું જોઇએ.

Most Popular

To Top