Comments

ઘઉંની નિકાસ વૃદ્ધિની ઊભી થયેલી તક હીટ વેવને કારણે ઝૂંટવાઈ જશે?

યુરોપના પ્રવાસે ગયેલા ભારતના વડા પ્રધાને બર્લિનમાં ભારતીય ડાયસ્પોરાને સંબોધતાં કહ્યું હતું કે હાલમાં ઘણા દેશો ઘઉંની તીવ્ર અછતનો સામનો કરી રહ્યા છે. મોટાં રાષ્ટ્રો ખાદ્ય સુરક્ષાને લઈને ચિંતિત છે અને આ સમયે ભારતના ખેડૂતો વિશ્વનું પેટ ભરવા આગળ આવી રહ્યા છે. ભારત ઘઉંનું વિશ્વમાં બીજું સૌથી મોટું ઉત્પાદક છે. અત્યાર સુધી ભારતના ઘઉંની નિકાસ બહુ ઓછી હતી પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ભારત માટે ઘઉંની નિકાસની તક ઊભી થઈ છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ભારતે ૨૩૫.૨૨ કરોડ ડોલરની કિંમતના ઘઉંની નિકાસ કરી છે. આ વરસે યુદ્ધને કારણે ભારતના ઘઉંની માંગ યુરોપ સહિત એશિયા અને આફ્રિકાના દેશોમાં વધવા લાગી છે.

ચીનમાં પૂર તેમજ મોડી વાવણીને કારણે ઘઉંનો પાક નબળો ઉતરવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. યુદ્ધના કારણે ભારતના ખેડૂતોને ઘઉંના અત્યાર સુધીના સૌથી ઊંચા ભાવ મળવાનું શરૂ થયું છે. તાજેતરમાં IMF દ્વારા અમેરિકામાં આયોજિત સ્પ્રિંગ બેઠકમાં ભારતના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (WTO)ના એક અધિકારી સમક્ષ અનાજની નિકાસનો મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે ભારત જેવા કૃષિ પ્રધાન દેશોને અનાજ નિકાસ કરવામાં WTO સાથે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે ઈંધણની વધતી કિંમતી અને ખાદ્યાન્નની અછતના કારણે પેદા થઈ રહેલ ખાદ્ય સંકટ વચ્ચે ભારતે પોતાના સરપ્લસ અનાજની મદદની રજૂઆત કરી છે.

નાણાં મંત્રીની આ ચિંતા પર પ્રતિક્રિયા આપતા WTOના મહાનિર્દેશકે વિશ્વાસ અપાવ્યો હતો કે WTO આ મુદ્દે જલદી ઉકેલ લાવશે. અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સંધુએ કહ્યું હતું કે અમેરિકાએ અનાજને લઈને ભારત પાસે મદદ માંગી છે. આ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે હાલમાં જ્યારે વિશ્વમાં અન્ન ખૂટવાનો ડર છે ત્યારે જો WTO પરવાનગી આપે તો અમે આખા વિશ્વને ભોજન કરાવવા તૈયાર છીએ. તાજેતરમાં ભારતના વડા પ્રધાન અને અમેરિકાના પ્રમુખ જો બાઈડેન વર્ચ્યુઅલી મળ્યા ત્યારે યુક્રેન-રશિયા યુદ્ધ ઉપરાંત અન્ન સંકટને લઈને ચર્ચા થઈ હતી.

ફેબ્રુઆરીના મધ્યમાં સરકારે જણાવ્યું હતું કે ભારત અગાઉના વર્ષના ૧૦૯.૫૯ મિલિયન ટન કરતાં વધુ ૧૧૧.૩૨ મિલિયન ટન ઘઉંની લણણી કરવા જઈ રહ્યું છે. ઉનાળો વહેલો અને સામાન્ય કરતાં વધુ આકરો શરૂ થતાં કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ૨૦૨૧-૨૨ માટે ઘઉંના ઉત્પાદનનો અંદાજ ૫.૭ ટકા ઘટાડી ૧૦૫ મિલિયન ટન કર્યો છે. ખાદ્ય સચિવે જણાવ્યું હતું કે આ વખતે ઉનાળો વહેલો શરૂ થતાં ઘઉંનું ઉત્પાદન ઘટવાનો અંદાજ છે. જો કે ઘઉંની નિકાસ પર કોઈ નિયંત્રણો લાદવામાં આવ્યાં નથી.

ઉત્પાદનમાં ઘટાડો ઘઉંની નિકાસને સીધી અસર કરી શકે છે. ભારતમાં માર્ચના મધ્યમાં તાપમાનમાં અચાનક તીવ્ર વધારો થવાને કારણે સતત પાંચ વરસની રેકોર્ડ લણણી પછી ૨૦૨૨ માં ભારતનું ઘઉંનું ઉત્પાદન ઘટવાની સંભાવના છે. ઉત્પાદનમાં આ ઘટાડાથી ભારતીય ઘઉંની નિકાસ પર અંકુશ આવી શકે છે. રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યા પછી વૈશ્વિક ઘઉંના ભાવમાં આવેલી તેજીનો લાભ ઉઠાવતા, ભારતે ગયા નાણાંકીય વર્ષમાં માર્ચ સુધીમાં વિક્રમી ૭.૮૫ મિલિયન ટન ઘઉંની નિકાસ કરી હતી – જે અગાઉના વર્ષ કરતાં ૨૭૫ ટકા વધારે છે. આ વરસે પણ ઘઉંના વિક્રમી પાકની અપેક્ષા રાખીને, વેપારીઓ અને સરકારી અધિકારીઓએ ચાલુ નાણાંકીય વર્ષમાં ૧૨ મિલિયન ટન ઘઉંની નિકાસ થવાની શક્યતા વ્યક્ત કરી હતી. પરંતુ દેશમાં ચાલી રહેલ હીટ વેવને કારણે ઘઉંની નિકાસની આ તક છીનવાઇ જવાની શક્યતા ઊભી થઈ છે.

ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા જારી કરાયેલ ઉત્પાદનના અંદાજોના આધારે, આપણે સરળતાથી ૧૨ મિલિયન ટન કરતાં વધુની નિકાસ કરી શક્યા હોત, પરંતુ હવે એવું લાગે છે કે આપણે લગભગ ૧૦ મિલિયન ટનની નિકાસ કરી શકીશું. જો કે આટલું ગરમ હવામાન હોવા છતાં, ભારતની ઘઉંની નિકાસ ગયા વર્ષના શિપમેન્ટને કરતાં તો વધુ રહેવાની પૂરી શક્યતા છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઘઉંનું ઉત્પાદન ૧૦ ટકા ઘટીને લગભગ ૧૦૦ મિલિયન ટન થાય તો સરકાર ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી શકે છે.
– ડૉ. જયનારાયણ વ્યાસ   – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top