Comments

વાત કરી છે પરાજીતોની….

દરેક ચૂંટણી જંગવિજેતાઓ અને પરાજીતોની કહાણી હોય છે. તાજેતરમાં પાંચ વિધાનસભાઓની ચૂંટણીનાં આવેલાં પરિણામોમાં મોટા વિજેતાઓ વિશે ઘણું કહેવાશે પણ મારે વાત કરવી છે મુખ્ય પરાજીતોની. યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશમાં ભવ્ય પુનર્વિજય અને આમઆદમી પક્ષના પંજાબમાં સપાટાની આગળ જઇને આપણે કોંગ્રેસને લાગેલા લૂણાની વાત કરવી છે. વાત શરૂ કરીએ. લોકસભામાં ૮૦ સભ્યો મોકલતા ભારતના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશ સંસ્થાનવાદના સમયમાં કોંગ્રેસની આગેવાની હેઠળના કોંગ્રેસનું કેન્દ્ર હતું. સ્વતંત્રતા મળ્યા પછી તેણે દેશને ત્રણ વડા પ્રધાનો આપ્યા. આમ છતાં ૧૯૬૦ ના દાયકાના અંત ભાગે ઉત્તર પ્રદેશ પર કોંગ્રેસની પકડ ઢીલી પડતી ચાલી. ૧૯૮૦ ના દાયકાથી રાજયમાં તે સીમાંત ખેલાડી બની રહ્યો અને હવે નેહરુ-ગાંધી રાજકારણનો પ્રવેશ થયો. પ્રિયંકા ગાંધીએ પક્ષને બેઠો કરવાનું બીડું ઝડપ્યું અને પોતાના વતન નગર દિલ્હીથી લખનૌ આવવાનો ઇન્કાર કર્યો અને વિધાનસભાની કોઇ પણ બેઠક પર જાતે ચૂંટણી લડવાની ના પાડી, પણ ઉત્તર પ્રદેશનો પ્રવાસ કરવા માંડયો.

પત્રકારો અને સોશ્યલ મીડિયાએ નેહરુ – ગાંધીઓને હાઉસ ઓફ વિન્ડઝરની ભારતીય આવૃત્તિ જોઇ. કોંગ્રેસભકત પત્રકારો પક્ષની રજેરજનું ગજ કરીને બહાર પાડી, પણ પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસને માંડ બે ટકા મત મળ્યા અને પક્ષે અગાઉ હતી તેમાંથી પણ બેઠકો ગુમાવી. ઠીક છે પ્રિયંકાની નોંધ તો લેવાઇ. પંજાબમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે પ્રિયંકાના ભાઇ રાહુલે ચૂંટણીના એક વર્ષ પહેલાં સત્તાધીશ મુખ્ય પ્રધાનને બદલી પક્ષની ફરી ચૂંટાવાની તક પર પાણી ફેરવી દીધું. કેપ્ટન અમરિન્દરસિંહ કેટલાક ધારાસભ્યોમાં પ્રિય ન હોય છતાં તેમને રાજકારણનો વ્યાપક અનુભવ હતો અને ખેડૂતોની ચળવળના ટેકામાં મજબૂત વલણ લીધું હતું. એક વર્ષ પહેલાં કોંગ્રેસ અને આમ આદમી પક્ષ બંનેને પંજાબમાં ચૂંટણી જીતવાની સરખી તક હતી ત્યાં કેપ્ટન અમરિન્દરસિંહને ખસેડી ચન્નીને મૂકવામાં આવ્યા અને રાહુલની દરમ્યાનગીરીનું અવમૂલ્યન કરી નવજોતસિંહ સિધ્ધુએ પંજાબમાં કોંગ્રેસનાં ચીંથરાં ઉડાડી દીધાં!

ગોવા અને ઉત્તરા ખંડની વાત કરીએ. બંને રાજયોમાં ભારતીય જનતા પક્ષની સરકાર સત્તા પર હતી. પણ ભ્રષ્ટ જણાતી હોવાથી લોકોમાં અપ્રિય હતી. ઉત્તરાખંડમાં ભારતીય જનતા પક્ષે અસંતોષને કાબૂમાં લેવા બે મુખ્ય પ્રધાનોને બદલ્યા. બંને રાજયોમાં કોંગ્રેસ મુખ્ય વિરોધ પક્ષ હતો, પણ સત્તા ફરી હાંસલ કરી શકે તેટલું બળ દાખવી શકે તેમ નહતો. ખાલી મણિપુરમાં તે કંઇક નોંધપાત્ર દેખાવ કરી શકયો. હવે એ લાંબા સમયથી પુરવાર થઇ ગયું છે કે કોંગ્રેસ રાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વનો ખેલાડી બની શકવાને અસમર્થ છે. ૨૦૧૯ ની સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસને ભૂંડા પરાજય તરફ દોરી ગયા પછી રાહુલ ગાંધીએ પક્ષના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું. પણ તેની માતા સોનિયા પક્ષના ‘કાર્યકારી’ પ્રમુખ બન્યાં અને પક્ષ ગાંધી-નેહરુ કુટુંબની પેઢી બની ગયો અને તેનું પરિણામ આપણે જોઇએ છીએ. ૨૦૧૯ માં કોંગ્રેસ પાસે બેઠા થવાની તક હતી પણ તે તેણે ફેંકી દીધી. હવે શું? મને લાગે છે કે હવેના કોંગ્રેસી ગાંધીવાદીઓએ પક્ષનું નેતૃત્વ છોડવું જોઇએ અને રાજકારણ પણ છોડવું જોઇએ. રાહુલ અને પ્રિયંકાએ પક્ષને સ્પર્ધાત્મક બળ બનાવવામાં બાલિશતા બતાવી હોવાથી તેમને પક્ષમાં હાજરી મોદી અને ભારતીય જનતા પક્ષ માટે સરકારની નિષ્ફળતાઓ તરફથી અન્યત્ર ધ્યાન વાળવાનું સહેલું બનાવશે. તેની કોઇ પણ દલીલનો રાજીવ ગાંધી, ઇંદિરા ગાંધી અને તેમની કટોકટી તેમજ નેહરુ અને ૧૯૬૨ ના યુદ્ધ વગેરે વડે જવાબ અપાશે જ.

મોદીએ આઠ વર્ષમાં ઘણી બડાઇઓ મારી છે. વૃધ્ધિ દર ઘટયો છે, બેરોજગારી વધી છે, હિંદુ અને મુસલમાનોના વૈમનસ્યને કારણે દેશની આબરૂ ઘટી છે. આપણી મહત્ત્વની સંસ્થાઓ ભ્રષ્ટ બની છે. પર્યાવરણ ખોરવાયું છે. મોદીની સરકારને કારણે દેશનું આર્થિક, સામાજિક, સંસ્થાકીય રીતે, આંતરરાષ્ટ્રીય રીતે ધોવાણ વધ્યું છે. છતાં મોદી અને ભારતીય જનતા પક્ષનો ઝળહળતો વિજય થાય છે. કારણ કે તેનો મુખ્ય ‘રાષ્ટ્રીય’ વિરોધ પક્ષ નેહરુ-ગાંધી પરિવારના નેતૃત્વ હેઠળનો કોંગ્રેસ પક્ષ છે, તૃણમૂલ કોંગ્રેસ, દ્રવિડ મુનેત્ર કળગમ્‌, માર્કસવાદી પક્ષ આમ આદમી પક્ષ વગેરે ભારતીય જનતા પક્ષમાં મુખ્ય વિરોધ પક્ષ જયાં બની શકયો ત્યાં બનશે, પણ કોંગ્રેસ કંઇ નહીં કરી શકે એમ ચૂંટણીના તાજેતરનાં પરિણામો બતાવે છે. ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો શું દેખાવ હતો? રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદી સામે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે મૂકવાના હતા પણ કોંગ્રેસનો દેખાવ કેવો રહ્યો?મા-દીકરાને કારણે ભારતીય જનતા પક્ષ રાષ્ટ્રીય રાજકારણ પર સવાર થઇ જાય છે. આ ગંભીર ગેરલાભ છે અને કોંગ્રેસ ખુશામતખોરો દ્વારા ચલાવાય છે અને મા-દીકરાને બિલકુલ ભાન નથી કે ૨૧ મી સદીમાં ભારતીયો ખરેખર કઇ રીતે વિચારે છે. આતીશ તાસીર કડક રીતે અને હતાશાજનક રીતે લખે છે કે રાહુલ ગાંધી પોતાના પિતા, દાદી અને વડદાદાની વારંવારની છાયામાં ઘોઘો પુરવાર થાય છે. તેમને ખબર હોય કે ન હોય, ગાંધી આવે કે ન આવે, પણ ગાંધી પરિવાર હિંદુત્વ આપખુદીને સક્રિય રીતે સુગમ બનાવનાર બન્યા છે. તેઓ ન હોય, કોંગ્રેસનું વિઘટન થઇ જાય, કોંગ્રેસ ન પણ હોય, તેમનું સ્થાન અન્ય કોઇ લેશે. હિંદુત્વનો વિરોધ કરનારાઓએ હાલના ભારતને પાર સારું ભવિષ્ય જોવા માટે લડત આપવી પડશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top