Columns

પર્યાવરણનું ધ્યાન રાખી ઘરને બનાવો ઇકો ફ્રેન્ડલી

તા. 5 જૂનને દર વર્ષે ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. સ્વસ્થ રહેવા માટે આપણે પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ અને જાગૃત રહીએ તે જરૂરી છે. તમે વિચારતા હશો કે બિઝી લાઇફ સ્ટાઇલમાં એ કઇ રીતે શકય છે? પરંતુ તમારા નાના નાના પ્રયાસ પણ પર્યાવરણની જાળવણીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

GO GREEN અભિયાન, પર્યાવરણ સાથે દોસ્તી કે ઇકો ફ્રેન્ડલી બધાનો એક જ અર્થ છે કે આપણે પર્યાવરણનું ધ્યાન રાખવું જોઇએ. જો આપણી આસપાસની હવા કે પીવાનું પાણી જ શુદ્ધ ન હોય તો આપણે કઇ રીતે સ્વસ્થ રહી શકીશું? આજકાલ વધતાં પ્રદૂષણ અને બીમારીથી સૌ કોઇ ચિંતિત છે ત્યારે આપણે પ્રકૃતિ અને પર્યાવરણનું ધ્યાન રાખવું જ પડશે અને એની શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી પડશે.

પાણીનું દરેક ટીપું બચાવો
પ્રકૃતિ અને પાણીને અતૂટ સંબંધ છે. જો આપણા પર્યાવરણમાં પાણી નહીં હશે તો ફૂલછોડ – વૃક્ષ લીલાં થતાં પહેલાં જ મુરઝાઇ જશે એટલે પાણીને બચાવવું બહુ જરૂરી છે. તમે શાવરમાં બાથ લેતા હશો તો એમાં ઘણું પાણી વેડફાઇ જાય છે. જો તમે ડોલમાં પાણી ભરી સ્નાન કરશો તો પાણીની બચત થશે અને જરૂરિયાતમંદ સુધી એ પાણી પહોંચાડી શકાશે. એ જ રીતે બ્રશ કે દાઢી કરતી વખતે ઘણાને નળ ખુલ્લો રાખવાની ટેવ હોય છે, તો એ આદત સુધારવી જ રહી. નળ ખુલ્લો ન રહી જાય તે ખાસ ધ્યાન રાખો.

ઊર્જા બચાવો
તમે જાણતા જ હશો કે વીજળી પાણીમાંથી બને છે. હવે તો વીજળી બનાવવા માટે વેસ્ટ પ્રોડકટનો પણ ઉપયોગ થાય છે. પાણીમાંથી ઊર્જા બનાવવા માટે બંધ બાંધી પાણી રોકવામાં આવે છે. એનાથી આગળની નદીઓ સુકાવા લાગે છે એટલે જયારે જરૂર હોય ત્યારે જ વીજળીનો ઉપયોગ કરો. AC, જનરેટરનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. ઘરમાં YELLOW લાઇટને બદલે CFLનો જ ઉપયોગ કરો. બલ્બ અને ટયુબલાઇટ ખરાબ થયા બાદ કચરામાં નાખવામાં આવે છે, તો એ જમીનને બહુ નુકસાન પહોંચાડે છે. CFLથી ઊર્જાની બચત તો થાય જ છે, સાથે પ્રકૃતિને નુકસાન પણ ઘણું ઓછું થાય છે.

રીસાઇકલિંગની કમાલ
ઘરમાં પડેલા કન્ટેનર અને કેનને રીસાઇકલિંગ સેન્ટરમાં આપો. ઘરમાં નકામા પડેલા કેલક્યુલેટર, ઘડિયાળ, બેટરી વગેરેને કચરામાં ફેંકવાને બદલે રીસાઇકલ કરવામાં આવે તો પર્યાવરણ માટે ઘણું ફાયદાકારક રહેશે. એ જો જમીનમાં જાય તો જમીનને ઘણુ નુકસાન કરે છે.

સૂકો – ભીનો કચરો
આપણા ઘરમાં રસોઇનો ભીનો કચરો અને કાગળ, ડબ્બા, પેકિંગ વગેરે સૂકો કચરો હોય છે. ભીનો કચરો એટલે કે એવી વસ્તુઓ જે કુદરતી રીતે બનતી હોય. દા.ત. શાકભાજીનાં છોડાં. સૂકો કચરો એટલે ફેકટરીમાં બનતી વસ્તુઓનો કચરો. દા.ત. દૂધની કોથળી, પૂઠાનું બોકસ. આપણે સૂકો – ભીનો કચરો અલગ અલગ રાખવો જોઇએ. જેથી બંને કચરાનો બીજી વાર ઉપયોગ કરી શકાય.

ફૂલછોડ રોપો
GO GREEN અભિયાનનું પહેલું કદમ છે – હરિયાળી વધારવી. એની શરૂઆત ઘરમાં અને ઘરની આસપાસ ફૂલછોડ રોપી કરી શકાય. જો તમને પર્યાવરણની ચિંતા હોય તો હવે પ્લાસ્ટિકનાં કૂંડાંને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. માત્ર પ્લાસ્ટિક જ નહીં પરંતુ સિરામિક પોટ્‌સ અને પ્લાન્ટર્સ પણ પર્યાવરણ માટે નુકસાનકારક છે. એને બદલે તમે ઇનડોર પ્લાન્ટસ માટે જયુટ પ્લાન્ટર્સનો ઉપયોગ કરી શકો. તમે હર્બ ગાર્ડન પણ બનાવી શકો.

કાગળ બચાવો
કદાચ તમને ખબર નહીં હોય કે એક બુક બનાવવા માટે એક વૃક્ષ કાપવામાં આવે છે. જો તમે પર્યાવરણની રક્ષા કરવા માંગતાં હો તો સંતાનો માટે નવાં પુસ્તકો લાવવાને બદલે જૂનાથી કામ ચલાવી શકો. પાનાંની બંને બાજુ લખી શકો, કોરા કાગળમાંથી રફબુક બનાવી શકાય. હવે તો મોટા ભાગના ટ્રાન્ઝેકશન ઓનલાઇન, નેટ બેન્કિંગ દ્વારા, ઇમેલ દ્વારા કરી શકાય છે. તો એ દ્વારા પણ કાગળની બચત કરી વૃક્ષોનું નિકંદન થતાં અટકાવી શકાય.

પ્લાસ્ટિકનો મર્યાદિત ઉપયોગ
જો પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા હો તો એ ઓછો કરો. પ્લાસ્ટિક માત્ર મનુષ્યને માટે જ નહીં, પરંતુ પશુ – પક્ષી, ફૂલછોડ – વૃક્ષ માટે પણ હાનિકારક છે. પ્લાસ્ટિકને બદલે કાચ, સ્ટીલ કે અન્ય ધાતુનો ઉપયોગ કરી શકાય. પોલિથિનને બદલે કાપડ કે કાગળની બેગનો ઉપયોગ કરી શકાય. શોપિંગ પર જાવ ત્યારે એ હંમેશાં સાથે રાખો. પોલિથિન પર્યાવરણને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે.

સાઇકલનો ઉપયોગ
હવે વાહનોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધતી જાય છે. એને લઇને એર પોલ્યુશન પણ વધે છે. જો આપણે સાઇકલનો વધુ ઉપયોગ કરશું તો પર્યાવરણને તો બચાવી જ શકીશું. સાથે આપણે ફીટ પણ રહીશું.

Most Popular

To Top