Feature Stories

ઘરમાં તો ખરા જ પરંતુ પ્રવાસમાં પણ ‘હમ સાથ સાથ હૈ’

વેકેશન પૂરું થવાની તૈયારી છે અને ઘણાની સ્કૂલ્સ તો ચાલુ પણ થઇ ગઇ હશે ખરું ને? વેકેશનમાં તમે બધા કશે ને કશે હરવા-ફરવા પણ ગયા જ હશો! બ્રેક લેવો પણ તો એટલો જ જરૂરી છે ને. તો આ વખતે આપણે સન્નારીમાં આવો જ કંઇક ટોપિક લઇને આવ્યા છીએ. આજે પણ ઘણા પરિવારો સંયુક્ત રીતે રહે છે. સાથે રહેવાના ઘણા ફાયદા પણ હોય અને થોડી અગવડો પણ વેઠવાની હોય ત્યારે આપણે આજે મળીએ એવી સન્નારીઓને અને જાણીએ કે જ્યારે વેકેશન પર જવાનું હોય ત્યારે પણ તેઓ પરિવાર સાથે જવાનું પ્રીફર કરે કે અલગ જવાનો કે મિત્રો સાથે જવાનો આગ્રહ રાખે છે? ઘણી વાર ચેન્જ માટે પણ અલગ જતા હોય છે અને ઘણી વાર પરિવાર સાથે એડજસ્ટ કરવામાં પણ સાથે ન જઇ શકાતું હોય અને સાથે જ મળીએ એવા પુરુષોને કે જેમ તેઓની પત્નીઓ પરિવારમાં એડજસ્ટ થઇને રહે છે તેમ શું તેઓ પણ પોતાનાં સાસુ-સસરા અને પત્નીના પરિવારજનો સાથે ફરવા જવાનું પસંદ કરે છે? તો ચાલો… આપણે મળીએ અને જાણીએ એ લોકો તરફની ઇન્ટરેસ્ટીંગ વાતો…

સાસુ-સસરા સાથે નાની ટ્રીપ્સ મારીએ છીએ: તાશી દેવલાની
ચીખલી નિવાસી તાશી હોમ મેકર છે. તે કહે છે કે, ‘‘હું 35 લોકોના સંયુક્ત કુટુંબમાં રહું છું. અમારા મોટા પરિવારમાં ફેમિલી ફંક્શન્સ તો થતાં જ રહે છે. જ્યારે ફેમિલી ફંકશન હોય ત્યારે અમારું આખું ફેમિલી સાથે જઇએ છીએ. બહારગામમાં જરૂરી નથી કે આખું ફેમિલી સાથે જ જાય. ઇન્ડીવીડ્યુઅલ ફેમિલીઝ પણ એકલા ટ્રીપ્સ મારતાં જ હોય છે કારણ કે બધા સાથે નીકળી જઇએ એ શક્ય પણ નથી અને ઘણા એડજસ્ટમેન્ટ્સ કરવાના રહે છે. અમે મારાં સાસુ-સસરા સાથે નાની ટ્રીપ્સ મારીએ છીએ. મોટી-લાંબી ટ્રીપ્સ ઓછી થાય છે પણ જો સાથે જવાનું આવે તો અમને મોટી ટ્રીપ્સ પણ સાથે મારવાનો કંઇ વાંધો નથી. આમ અમારું જોઇન્ટ ફેમિલી હોવા છતાં અમને ઘણી ફ્રીડમ આપવામાં આવે છે.’’

મારા ફેમિલીમાંથી વધારે ધાર્મિક ટ્રીપ્સ જ થતી હોય છે જ્યારે મારાં સાસુ-સસરા સાથે એન્ટરટેઇનમેન્ટ ટ્રીપ્સ થાય છે: નિમેષ પટેલ
41 વર્ષીય નિમેષ નવસારીમાં ઇન્ટીરિયર ડિઝાઇનીંગનું કામ કરે છે. તેઓ કહે છે કે, ‘‘વર્ષમાં 3 ટ્રીપ તો હું મારાં સાસુ-સસરા સાથે કરું છું. દિવાળીમાં તો મારે 2 ટ્રીપ્સ થાય છે. એક સાસુ-સસરા સાથે અને એક ટ્રીપ મિત્રો સાથે. વધુમાં તેઓ કહે છે કે મારી મારા પરિવારજનો સાથે બહારગામની ટ્રીપ્સ ઓછી થાય છે કેમ કે મારા ફેમિલીમાંથી વધારે તો ધાર્મિક ટ્રીપ્સ જ થતી હોય છે. જ્યારે મારાં સાસુ-સસરા સાથે ધાર્મિક કમ એન્ટરટેઇનમેન્ટ ટ્રીપ્સ પણ થાય છે. જો કે તેઓ કહે છે કે મારું સાસરું સુરતમાં જ છે અને હું ત્યાં વારે-પ્રસંગે આવતો રહું છું પરંતુ રાત્રે કેટલું પણ મોડું થાય તો પણ હું સાસરે બહુ રોકાતો નથી. નવસારી પરત આવી જ જાઉં છું પરંતુ મને મારાં સાસુ- સસરા સાથે બહારગામ ફરવાની મજા આવે છે.’’ મિત્રો સાથે પણ તેઓ અલગ-અલગ ગ્રુપ્સમાં ઘણી ટ્રીપ્સ કરે છે. જેના માટે દર મહિને થોડા રૂપિયા બચાવીને ભેગા કરતા રહે છે.

હું ઈચ્છું કે દીકરા-વહુ એકલાં જાય: પ્રજ્ઞાબહેન કડકિયા
67 વર્ષીય પ્રજ્ઞાબહેન કડકિયા સોશ્યલ વર્કર છે અને પોલિટિક્સ તથા અન્ય ઘણાં ક્ષેત્રો સાથે સંકળાયેલાં છે. તેઓ 6 સભ્યોના જોઈન્ટ ફેમિલીમાં રહે છે. પ્રજ્ઞાબહેન કહે છે કે, ‘‘વેકેશનમાં બહાર ફરવા જવાની વાત તો જવા દો અમે તો અહીં પણ પિક્ચર જોવા, કલબમાં કે કોઈ પણ જગ્યાએ સાથે જ જઈએ છીએ. દર વીકએન્ડમાં અમે બધાં સાથે જ હોઈએ. પ્રવાસે પછી તે ધાર્મિક હોય કે અન્ય દીકરા-વહુ, દીકરી-જમાઈ સાથે જઈએ. ક્યારેક ભાઈનું ફેમિલી પણ હોય. આજે વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યાં છે ત્યારે આવો પ્રવાસ સાથે કરીએ તો એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકાય. સાથે જવાના ઘણા ફાયદા છે. દરેક ત્યાં જઈ પોતાને મનગમતી પ્રવૃત્તિ કરી શકે. દાદા-દાદી સંતાનોને સાચવે તો કપલ પોતાની રીતે એકલા ફરી શકે. એ રીતે ધાર્મિક પ્રવાસમાં જઈએ ત્યારે હું જાઉં અને મારા પતિએ ન આવવું હોય તો મારા પતિને દીકરા-વહુ સાચવી લે. ઘણી વાર તો હું ઈચ્છું કે છોકરાઓ એકલા ફરવા જાય. યંગસ્ટર્સે પણ પોતાની રીતે મોજમસ્તી કરવી હોય એટલે હું સામે ચાલીને એમને એકલા પ્રવાસે મોકલું છું.’’

સાથે ગયાં હોઈએ તો પણ ફ્રીડમ મળે જ છે: ડૉ. દિવ્યા વીણ
35 વર્ષીય ડૉ. દિવ્યા વીણ હોમિયોપેથ ડૉક્ટર છે. તેઓ, તેમના પતિ, સાસુસસરા અને બે દીકરીઓ જોઈન્ટ ફેમિલીમાં રહે છે. દિવ્યાબહેન કહે છે કે, ‘‘અમે વેકેશનમાં બે ટ્રીપ કરીએ છીએ. એક સાસુ-સસરાને પસંદ હોય એવી અને એક બાળકો એન્જોય કરી શકે એવા સ્થળની. જેથી બંનેના મન સચવાય. જો તમે પ્રેમથી એકબીજા સાથે રહેતાં હો તો કોઈ અડચણ પડતી નથી. બે-ચાર દિવસ સાથે ફ્રી ટાઈમ ગાળી શકાય. રૂટિનમાં તો બધાં પોતપોતાનામાં બિઝી હોય. આપણી સાથે વડીલો હોય તો તેઓ આપણું વધારે ધ્યાન રાખે છે. તેઓ બાળકોને સાચવે અને આપણને એકલાં ફરવા જવા દે જેથી આપણે પણ એન્જોય કરી શકીએ. સાથે ગયાં હોઈએ તો પણ ફ્રીડમ મળી જ રહે.’’

પેરન્ટસને પણ ફ્રેશ થવાની જરૂર હોય છે: પરાગ ચોખાવાળા
42 વર્ષીય પરાગભાઈ બિઝનેસમેન છે. તેઓનું કાકાઓ સાથે 35 સભ્યોનું ફેમિલી છે. તેઓ જણાવે છે કે, ‘‘દરેકના સમય-સંજોગો અનુકૂળ ન થાય એટલે સાથે તો ન જવાય પરંતુ હું મારાં પેરન્ટ્સ અને બહેન તથા અમારે ત્યાં વર્ષોથી કામ કરતાં એક કાકા સાથે મોટા ભાગે પ્રવાસે જવાનું પસંદ કરું છું. હા, અમે ક્યારેક એકલા પણ જઈએ છીએ. હું માનું છું કે એમણે આપણને બાળપણથી સાચવ્યાં તો હવે આપણે એમને સાચવવા જોઈએ. આપણને ફ્રેશ થવાની જરૂર છે તો એમને પણ જરૂર હોય ને! અને કોવિડકાળ પછી તો એમની સાથે રહેવાની વધુ જરૂર છે. મારાં પેરન્ટ્સ ફીટ છે એટલે પ્રવાસમાં એમને સાચવવાની જરૂર પડતી નથી. મારા સાસરાની વાત કરું તો સસરા નથી. સાસુ છે. સાસુ સાથે ફરવા જવાનું રેર બને છે કારણ કે એમને એમના ઘરની જવાબદારી નિભાવવાની હોય છે. સુરતમાં ને સુરતમાં ક્યારેક અમે સાથે બહાર જઈએ છીએ.’’

ફેમિલી ફેમિલી હોય અને ફ્રેન્ડસ એની રીતે જ હોય છે: ડિમ્પલ દુબે
36 વર્ષીય ડિમ્પલ બારડોલી રહે છે અને લેબ ટેકિનશ્યન તરીકે કામ કરે છે. તેઓ જણાવે છે કે, ‘મારું 16 મેમ્બર્સનું સંયુકત પરિવાર છે. અમે 2 વર્ષ પહેલાં સુધી સાથે રહેતા હતા પણ હવે અલગ રહેવા છતાં પણ સાથે જ છીએ. તેઓ કહે છે કે હું બહારગામ જવાનું આવે ત્યારે મારા પરિવાર સાથે જ વધારે જવાનો આગ્રહ રાખું છું. મિત્રો સાથે બહાર ફરવા જવાનું ઓછું બને છે. તેઓનું માનવું છે કે ખાલી પોતાનો નાનો પરિવાર ફરવા જાય તો મજા ન આવે જેટલા વધારે લોકો હોય એટલી વધારે મજા આવે અને પરિવારજનો સાથે આપણે એડજસ્ટ થઇ ગયા હોવાથી એ લોકો સાથે જ ફરવાની વધારે મજા આવે છે. ડિમ્પલબેન કહે છે કે ફેમિલી ફેમિલી હોય અને ફ્રેન્ડસ એની રીતે જ હોય છે. સુખેદુ:ખે મિત્રો કરતાં પરિવારજનો જ વધારે સાથ નિભાવે છે. ફેમિલી સાથે અમે આજે પણ વર્ષમાં એક ટ્રીપ તો સાથે કરીએ જ છે.’

બધાએ વારાફરતી પિયર જવાનું એડજસ્ટમેન્ટ પણ જોવું પડે છે: ક્રિષ્પા શાહ
40 વર્ષીય વલસાડ નિવાસી ક્રિષ્પા વ્યવસાયે પ્રોફેસર છે. તેઓ કહે છે કે, ‘‘હું 11 મેમ્બર્સના સંયુક્ત પરિવારમાં રહું છું. અમારા બધાંનું પ્રોફેશન અલગ છે પરંતુ એક જ ઘરમાં સાથે રહીએ છીએ. અમે આખું ફેમિલી સાથે બહારગામ ઓછું જઇએ છીએ પરંતુ વર્ષમાં એકાદ વાર એવો સંયોગ થઇ જાય છે કે બધાં નાની ટ્રીપ્સ સાથે મારે. મારાં સાસુ હવે બહુ બહાર નથી જતાં એટલે કોઇક એક કપલે એમની સાથે ઘરમાં રહેવું પડે છે. વર્ષમાં એક વાર સિવાય આખા વર્ષ દરમ્યાન બધા અલગ-અલગ ટ્રીપ્સ મારીએ છીએ અને ફ્રેન્ડ્સ સાથે પણ જવાનું પ્રીફર કરીએ છીએ. ઘણી વાર બધાએ વારાફરતી પિયર જવાનું એડજસ્ટમેન્ટ પણ જોવું પડે છે એટલે પણ સાથે ઘણી વાર નથી જઇ શકાતું. ફ્રેન્ડસ સાથે પણ ઘણી ટ્રીપ્સ મારીએ છીએ અને મજા આવે છે.’’

બધાંના અભિપ્રાયો જોતાં એક તારણ નીકળે છે કે જોઈન્ટ ફેમિલીમાં સાથે રહેવા છતાં પણ આખું ફેમિલી સાથે ફરવા જાય જ છે અને એન્જોય પણ કરે છે. ઘણી વાર સંજોગોવશાત કે ચેન્જ લેવા માટે પણ ફેમિલી ટ્રીપ્સ ઓછી અને ઈન્ડીવિડયુઅલ અને ફ્રેન્ડઝ સાથેની ટ્રીપ વધારે પણ થતી હોય છે. જો કે દરેક વસ્તુ કરવામાં Balance is the key.

Most Popular

To Top