દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સાબરકાંઠાના આદિવાસી ક્રાંતિવીરોની કથા ઉજાગર કરતો ટેબલો રજૂ કરાશે

ગુજરાત આ વર્ષે 26 મી જાન્યુઆરીએ નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરશે. ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો’ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.
જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ પાલ-દઢવાવની આ ઐતિહાસિક ઘટના શું છે ?
આજથી 100 વર્ષ પહેલાંની આ વાત… તા. 7મી માર્ચ 1922. ગુજરાતના અંતરિયાળ વિસ્તાર – સાબરકાંઠા જિલ્લામાં ભીલ દિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, દઢવાવ, ચિતરીયાના ત્રિભેટે હેર નદીના કાંઠે ભીલ આદિવાસીઓ જમીન મહેસુલ વ્યવસ્થા, જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકત્ર થયા હતા. આદિવાસી બહુમતીવાળા કોલિયારી ગામમાં, વણિક પરિવારમાં જન્મેલા મોતીલાલ તેજાવત કરુણા, આત્મીયતા અને નિર્મળ પ્રેમના ગુણો ધરાવતા સાહસિક અને સ્વાભિમાની વ્યક્તિ હતા. આદિવાસીઓ પર થતા બેસુમાર અત્યાચાર અને શોષણના વિરોધમાં તેમનામાં સંવેદનાની સરવાણી ફૂટી હતી.

સત્ય,વફાદારી, સમર્પણ અને વિશ્વાસ જેવા તેમના સદ્ગુણો આદિવાસીઓને સ્પર્શી ગયા હતા. આદિવાસી કિસાનોમાં એકતા માટે, તેમનામાં રહેલા સામાજિક દુષણોને નાથવા માટે મોતીલાલ તેજાવતે પ્રયત્નો કર્યા હતા. બ્રિટિશ તંત્ર અને દેશી રજવાડાઓને મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભીલ આદિવાસીઓની એકતા અને પ્રવૃત્તિઓ વિઘાતક લાગી હતી. 1919 ની 13મી એપ્રિલે પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં 600 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી. 1920 માં કલકત્તામાં પૂ. ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી દીધી હતી. સમગ્ર દેશમાં આઝાદીના સંગ્રામનાની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લીની ગિરિમાળાઓમાં ખુમારીભર્યું જીવન જીવતા ભીલ આદિવાસીઓમાં પણ અંગ્રેજો અને સામંતોના શોષણ, આકરા કરવેરા તથા વેઠપ્રથા સામે વિરોધનો સૂર પ્રગટ્યો હતો.

હોળીના દિવસો નજીક હતા… તે દિવસે આમલકી અગિયારસ હતી. ‘કોલિયારીના ગાંધી’ તરીકે ઓળખાતા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો મેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા… ત્યાં જ મેવાડ ભીલ કોર્પ્સ (એમ. બી. સી.) નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા. એમ.બી.સી. ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી. સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. લગભગ 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા. આદિવાસીઓના નર્તન અને ઢોલના નાદ મશીનગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા… ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા. લડાઈના મેદાનની જેમ આખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું. બાજુમાં આવેલા ઢેખડીયા કુવા અને દુધિયા કૂવા 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા. મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી, તેમના સાથીદારો તેમને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા. આજે પણ આ વિસ્તારના આદીવાસીઓ પોતાના લગ્ન ગીતોમાં આ ઘટનાના ગાણા ગૌરવભેર ગાય છે.

Most Popular

To Top