24 કલાક સુધી સાયકલોનિક સર્ક્યુલેશનની અસર રહેશે

પાકિસ્તાન પરથી સરકીને આવેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયકલોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ છેલ્લા ૩ દિવસથી હવામાનમાં પલ્ટાનો માહોલ જોવા મળ્યો હતો. આજે રાજયમાં ૯ તાલુકાઓમાં માવઠું થયુ હતું. આગામી ૨૪ કલાક સુધી રાજયમાં આ સિસ્ટમની અસર રહેશે. તે પછી રાજયમાં ત્રણ દિવસ માટે ઠંડીનો પારો ૬ ડિગ્રી સુધી નીચે ગગડી શકે છે.
આજે દિવસ દરમ્યાન હવામાન વિભાગ દ્વ્રારા ધૂળની ડમ્મરી સાથે સૌરાષ્ટ્રમાં તોફાની પવન ફૂંકાવવાની ચેતવણી ઈશ્યુ કરાઈ હતી. આજે સવારથી ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાયો હતો. જેના પગલે શીત લહેરની પણ અસર જોવા મળી હતી રાજયમાં આજે દિવસ દરમ્યાન ૯ તાલુકાઓમાં વરસાદ થયો હતો. જેમાં છોટા ઉદેપુરના શંખેડામાં ૯ મીમી, જામનગરના ધ્રોલમાં ૯ મીમી, છોટા ઉદેપુરમાં ૪ મીમી, ડભોઈમાં ૪ મીમી, કરજણમાં ૨ મીમી, સુરેન્દ્રનગરના ચુડામાં ૨ મીમી , બોડેલીમાં ૧ મીમી , લીંબડીમાં ૧ મીમી અને થાનગઢમાં ૧ મીમી વરસાદ થયો હતો.
રાજયમાં આજે પણ ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો.અલબત્ત, થોડીક ઠંડી ઘટી છે. રાજયમાં આજે ડિસા તથા ગાંધીનગરમાં ૧૭ ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.
હવામાન વિભાગના સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ, આજે રાજયમાં અમદાવાદમાં ઠંડી ઘટીને ૨૦ ડિ.સે.,ગાંધીનગરમાં ૧૭ ડિ.સે.,ડીસામાં ૧૭ ડિ.સે.,વડોદરામાં ૧૮ ડિ.સે.,સુરતમાં ૨૧ ડિ.સે., ભૂજમાં ૧૯ ડિ.સે.,નલિયામાં ૨૦ ડિ.સે., ભાવનગરમાં ૨૦ ડિ.સે.,રાજકોટમાં ૨૦ ડિ.સે.,સુરેન્દ્રનગરમાં ૧૯ ડિ.સે.,લધુત્તમ તાપમાન નોંધાયુ હતું.

Most Popular

To Top