Sports

ઓસ્ટ્રેલિયાના બોલરોની ધૂળ કાઢનાર સૂર્યકુમાર યાદવને મેચ પહેલાં તાવ હતો, ડોક્ટરને કહ્યું..

હૈદરાબાદ: ટીમ ઈન્ડિયાએ (Indian Cricket Team) ઓસ્ટ્રેલિયા (Australia) સામેની T20 શ્રેણી 2-1થી જીતી લીધી છે. રવિવારે હૈદરાબાદમાં આ શ્રેણીની ફાઈનલ (Final) મેચ રમાઈ હતી, જેમાં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવે (SuryaKumar Yadav) શાનદાર ઇનિંગ રમી હતી. સૂર્યાએ મેદાન પર આવતાની સાથે જ તોફાન સર્જી દીધું અને ઓસ્ટ્રેલિયાના બોલરોની હાલત કફોડી કરી દીધી. પરંતુ સુર્યા માટે આ ઈનિંગ રમવી સરળ ન હતી, કારણ કે મેચ પહેલા સૂર્યાને તાવ (Fever) આવ્યો હતો.

બીસીસીઆઈએ (BCCI) મેચ બાદ સૂર્યકુમાર યાદવ અને અક્ષર પટેલનો (Akshar Patel) ઈન્ટરવ્યુ પોસ્ટ કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે કેવી રીતે મેચ પહેલા તેની તબિયત ખૂબ જ ખરાબ હતી. તે ઈન્જેક્શન લઈને મેચ રમવા માટે મેદાનમાં ઉતર્યો હતો. અક્ષર પટેલે ઈન્ટરવ્યુ દરમિયાન સૂર્યકુમાર યાદવને પૂછ્યું કે જ્યારે તે સવારે ઉઠ્યો ત્યારે ફિઝિયો રૂમમાં ખૂબ હલચલ હતી અને બધા તમારા વિશે વાત કરી રહ્યા હતા. ત્યાં શું થયું હતું? અક્ષર પટેલના સવાલનો જવાબ આપતા સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે, હવામાનમાં અચાનક આવતા ઉતારચઢાવ તેમજ સતત મુસાફરીના લીધે સવારે મને પેટમાં દુ:ખાવો થયો અને પછી તાવ આવ્યો હતો.

સૂર્યકુમાર યાદવે કહ્યું કારણ કે આ મેચ નિર્ણાયક છે. મારું રમવું જરૂરી છે. આ વર્લ્ડકપની ફાઈનલ મેચ હોત તો હું પેવેલિયનમાં બેસી રહ્યો ન હોત તે રીતે આ મેચ વખતે પણ હું બેસી રહી શકું નહીં. તમે મને ઈન્જેક્શન લગાવો કે પછી કોઈ ગોળી આપો, પરંતુ મને જલ્દીથી સ્વસ્થ કરી દો. ત્યાર બાદ હું મેદાનમાં રમવા ઉતર્યો અને થોડી જ વારમાં બધું નોર્મલ થઈ ગયું.

તમને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયાએ ભારતને 187 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ભારતને કેએલ રાહુલ અને રોહિત શર્માના રૂપમાં શરૂઆતી ઝટકો લાગ્યો હતો. પરંતુ બાદમાં સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલી સાથે અદ્ભુત ભાગીદારી કરી અને મેચને ભારત તરફ વાળ્યો. સૂર્યકુમાર યાદવે પોતાની ઈનિંગમાં 36 બોલમાં 69 રન બનાવ્યા જેમાં 5 ફોર અને 5 સિક્સ સામેલ હતી. છેલ્લા એક વર્ષમાં સૂર્યકુમાર યાદવ T20 ક્રિકેટમાં ભારત માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો છે. આ જ કારણ છે કે તેના પર T20 વર્લ્ડ કપ માટે દાવ લગાવવામાં આવી રહ્યો છે, સૂર્યકુમાર યાદવે અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 31 મેચમાં 926 રન બનાવ્યા છે, જે દરમિયાન તેની એવરેજ 37થી ઉપર રહી છે. સૂર્યકુમાર યાદવે પણ 7 અડધી સદી અને એક સદી ફટકારી છે.

Most Popular

To Top