
પીપોદરા ગામ સુરત જિલ્લા અને માંગરોળ તાલુકામાં 20 વર્ષ પહેલાં સામાન્ય સ્થાન ધરાવતું હતું. પરંતુ ઔદ્યોગિક એકમની સ્થાપના થતાં અહીં 2000 જેટલી નાની-મોટી ફેક્ટરી આવતા વિકાસની હરણફાળ ભરવા લાગ્યું. આથી દૂરદરાજથી તેમજ સ્થાનિક મળી 60થી 70 હજાર લોકોને નોકરીની તકો મળી છે. આ ફેક્ટરીઓમાં વરસેદહાડે કરોડો નહીં, પરંતુ અબજો રૂપિયાની માલની ડિલિવરી થતી હોય છે. ફેક્ટરીઓ દ્વારા તેમજ દુકાન માલિકો દ્વારા પંચાયતમાં નિયમિતપણે વેરો ભરાતા અને પંચાયતની સૂઝબૂઝના કારણે સરકારી ગ્રાન્ટો પણ ઘણી મળી રહી છે. જેને કારણે પીપોદરા ગામનો વિકાસ કરવામાં ઘણો લાભ મળે છે. 2000 જેટલી ફેક્ટરીમાં મોટી માત્રામાં કામદારો કામ કરતા હોવાથી નાની-મોટી દુકાનો, એપાર્ટમેન્ટ્સ, સોસાયટીઓની પણ નિર્માણ થઈ છે. જેના કારણે અગાઉના સમયે સામાન્ય ગણાતો પીપોદરા વિસ્તાર તાજેતરમાં સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સૌથી મોટો વિસ્તાર બની ગયો હોવાનું સ્પષ્ટ નજરે જણાઇ આવે છે. પીપોદરા ગામની વસતી આમ તો પચરંગી છે, પરંતુ તમામ જ્ઞાતિના લોકો સંપીલા અને હળીમળી તમામ તહેવાર ટાણે એકએકની સાથે ઊભા રહે છે. કોઈ નાની-મોટી ઘટના બને તો પણ એકબીજા સાથે ખભેખભા મિલાવી જરૂર પડે અડધી રાત્રે તમામ જ્ઞાતિના લોકો એકસંપ થઈ હાજર રહે છે. ઉપરાંત પીપોદરા ગ્રામ પંચાયતની બોડી પણ હદ વિસ્તારમાં કરોડો રૂપિયાના ખર્ચે હદ વિસ્તારના તમામ માર્ગો, સોસાયટીઓમાં વિકાસ કામો કરી રહી છે. વર્ષોથી પંચાયત દ્વારા કરાતાં વિકાસ કાર્યોની ખુદ અધિકારીઓ નોંધ લઈ રહ્યા છે. પીપોદરા હદ વિસ્તારમાં ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, કર્ણાટક સહિત અનેક વિસ્તારોમાંથી પરપ્રાંતિય કામદારો વર્ષોથી રોજીરોટી માટે સ્થાયી થયા છે. ગામની ભાગોળેથી પસાર થતો નેશનલ હાઇવે નં.48 ગામની પ્રજા માટે માથાનો દુખાવો બન્યો હતો. કારણ કે, ગામની મધ્યમાંથી હાઇવે પસાર થતાં રોજેરોજ નાના-મોટા અકસ્માત સર્જાતા હતા. ત્યારે ગામવાસીઓએ અવાજ ઉઠાવી ઓવરબ્રિજની માંગ કરવા સાથે ભારે વિરોધ કરતાં આખરે ઓવરબ્રિજ પણ બની ગયો ને ગામવાસીઓને અકસ્માતમાં કંઈક અંશે રાહત થઈ છે. ગામના મુખ્ય રસ્તાઓ પર રોજેરોજ ડોર ટુ ડોર સાફસફાઈ કરાવી કચરો ઉઠાવવામાં આવે છે. હદ વિસ્તારની જનતાને નિયમિત પીવાનું પાણી મફતમાં પૂરું પાડવામાં આવે છે. પીપોદરા ગામ સ્ટ્રીટ લાઈટથી સાંજે 7:00 વાગ્યેથી જ ઝળહળી ઊઠે છે. ગામમાં પચરંગી વસતી હોવા છતાં આજદિન સુધી કોઈ વાદવિવાદ જોવા મળ્યો નથી.

પશુપાલન આર્થિક આધારસ્તંભ
પીપોદરા ગામના લોકો પશુપાલનનો વ્યવસાય પણ કરે છે. ગામમાં દૂધમંડળી પણ આવેલી છે. મહિને હજારો લિટર દૂધ મંડળી દ્વારા સુમુલને પહોંચાડી ગામના પશુપાલક સભ્યો નિયમિત દૂધમંડળીમાંથી આવક મેળવે છે. જ્યારે સામા છેડે દૂધમંડળીને પણ ખાસ્સો નફો મળે છે. દૂધમંડળીના પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ વર્ષોથી સુંદર વહીવટ સંભાળે છે. તેમના વહીવટથી દૂધમંડળીના સભાસદો પણ ખુશ છે.
આ છે સુવિધા
ગામમાં પેટ્રોલ પંપ, બેંક, સેવા સહકારી મંડળીની પણ સુવિધા છે. ઉપરાંત હજારો કામદારો માટે બેન્કની પણ સુવિધા ઉપલબ્ધ છે. પીપોદરા ગામેથી કામધંધે તેમજ ખાનગી કામે સરકારી કામે સુરત, નવસારી, વલસાડ, મુંબઈ, બરોડા, અમદાવાદ જવા માટે હાઇવે પરથી બસોની પણ સુવિધા છે. ગામમાં ST સ્ટેન્ડ પણ આવેલું છે. આમ, ગામવાસીઓને વિકાસનાં ફળ ખાવા મળતાં સુમેળભર્યા વાતાવરણમાં જીવન પસાર કરી રહ્યા છે.
પંચાયત દ્વારા પોલીસ સ્ટેશન બનાવવા માટે જગ્યાની ફાળવણી કરાઈ
પીપોદરા ગામની જનતાને સલામત રાખવાની જવાબદારી નજીકમાં આવેલી પાલોદ પોલીસ ચોકીના નેજામાં આવે છે. પરંતુ આ પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તાર ઘણો મોટો હોવાથી મોટા બોરસરા, નવાપરા, પાલોદ, મોટી નરોલી, પાનસરા અને છેક હરિયાલ, કરંજ સુધી આવેલો જીઆઇડીસી વિસ્તાર અને પીપોદરા, હથોડા સહિત 13 ગામડાંને સાચવતી આ પાલોદ પોલીસ હવે પોલીસ ચોકીના નામે ચાલે તેમ નથી અને અનેકવાર નાના-મોટા ગુના બનતા પોલીસ મથક બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ જગ્યાનો અભાવ હોવાથી પાલોદ પંચાયતે માનવતાની પહેલ કરી પોલીસ મથક બનાવવા પાલોદ ગામની ભાગોળે નવી શિયાલજ ખાતે જગ્યાની પણ ફાળવણી કરી આપી છે. જેથી પાલોદની જનતાને વધુ સલામતી મળી શકે.
પીપોદરાના પેટા ફળિયા ગણાતા બંભોરા ખાતે પણ વિકાસ કાર્યો થતાં જનતાને રાહત
પીપોદરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં સમાયેલા બંભોરા ગામ પીપોદરા પંચાયતનું પેટા ફળિયા તરીકે ઓળખાય છે. બંભોરા ગામે આશરે 50 જેટલાં મકાન આવેલાં છે. આશરે 300ની વસતી આવેલી છે. ગામમાં રસ્તા પાકા અને પેવર બ્લોક સાથે બનાવવામાં આવ્યા છે. પીવાના પાણી અને સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. રોજેરોજ સાફસફાઈ અને ડોર ટુ ડોર કચરો ઉઠાવવામાં આવે છે. ગામમાં સરકારી પ્રાથમિક શાળા પણ આવેલી છે. આ શાળામાં નાનાં બાળકો શિક્ષણ મેળવે છે. સ્ટ્રીટ લાઈટની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. અહીંના લોકોને અન્ય તમામ સુવિધા મળી રહે એ માટે પીપોદરા પંચાયત દ્વારા સતત ધ્યાન આપવામાં આવે છે. ભલે નાનું સરખું ગામ હોવા છતાં ગામના લોકો સુખચેનથી જીવન પસાર કરી નોકરી-ધંધા અને ખેડૂતો શેરડી, ડાંગર, સોયાબીન વગેરે પાક લઈને સારી આવક મેળવે છે. આમ બંભોરા ગામવાસીઓ ભલે પંચાયતનું પેટા ફળિયા ગણાય છે, પરંતુ તમામ મોરચે વિકાસ સારી રીતે થતા જનતા પંચાયતની આભારી છે. બંબોરા ગામની આસપાસ ગાયત્રીનગર તેમજ અલગ વિસ્તારની ફેક્ટરીઓમાં કેટલાક પરપ્રાંતિયો પણ મજૂરીકામ કરી વર્ષોથી રહે છે. જેઓ પણ ગામવાસીઓ સાથે દૂધમાં સાકરની જેમ ભળી ગયા હોય તેમ પ્રેમભાવથી રહે છે. મુસ્લિમ, આદિવાસી તેમજ અલગ અલગ જ્ઞાતિના પરપ્રાંતીયો પણ ગામની ભાગોળે રહે છે. આજદિન સુધી પોલીસ સ્ટેશનમાં મારામારીની કે ગંભીર ગુનાની એકપણ ફરિયાદ નોંધાઈ નથી. આ બાબત પણ ગામવાસીઓ માટે ગૌરવસમાન છે.