SURAT

PMના કાકરાપારના કાર્યક્રમમાંથી પરત આવતા સુરતના યુવાન પોલીસ કોન્સ્ટેબલનું રસ્તામાં થયું મોત

સુરત(Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMNarendraModi) ગઈકાલે તા. 22 ફેબ્રુઆરીએ ગુજરાતના (Gujarat) પ્રવાસે હતા. વડાપ્રધાનના દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) નવસારી (Navsari) અને કાકરાપાર (Kakrapar) ખાતે બે કાર્યક્રમો હતો. આ કાર્યક્રમમાં સુરતથી પોલીસ બંદોબસ્ત માટે ગઈ હતી. ગઈકાલે રાત્રિએ કાકરાપાર ખાતે સુરતના પોલીસ જવાનો ફરજ બજાવી હતી. મોડી રાત્રે કાર્યક્રમ પુરો થયા બાદ પોલીસ જવાનો સુરત પરત ફર્યા હતા, પરંતુ ત્યારે જ એક આઘાતજનક ઘટના બની હતી.

  • સુરતના 30 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ સેતુલકુમાર ચૌધરીનું અકસ્માતમાં મોત
  • સેતુલકુમાર કાકરાપારથી પરત આવતા હતા ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારી
  • નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું
  • સુરતના પોલીસ મહેકમે ગાર્ડ ઓફ ઓનર આપ્યું

કાકરાપારમાં વડાપ્રધાનના બંદોબસ્તમાં ફરજ બજાવ્યા બાદ સુરત પરત ફરતા યુવાન પોલીસ કોન્સ્ટેબલનું (PoliceConstable) અકસ્માતમાં મોત (AccidentDeath) થયું છે. આ આઘાતજનક ઘટનાના લીધે સુરતના પોલીસ મહેકમમાં શોકની લાગણી ફરી વળી છે. આજે તા. 23 ફેબ્રુઆરીએ યુવાન કોન્સ્ટેબલના મૃતદેહને સુરતની નવી સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રુમ પાસે પોલીસકર્મીઓ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.

આ ઘટનાની વધુ વિગત એવી છે કે, મૂળ વ્યારાના પરંતુ શહેરના સુરતના નાનપુરા વિસ્તારમાં રહેતા 30 વર્ષીય સેતુલકુમાર જયંતીલાલ ચૌધરી સુરત પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા. તેમના પરિવારમાં માતા-પિતા અને એક બહેન છે. સેતુલ સુરત પોલીસ હેડ ક્વાર્ટરમાં આર્મડ એલઆર તરીકે ફરજ બજાવતા હતા. 2019ની ભરતીમાં તેમની પસંદગી થઈ હતી. છેલ્લાં ચાર વર્ષથી તેઓ સુરતમાં ફરજ બજાવતા હતા.

દરમિયાન ગઈકાલે તા. 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી અને તાપીના કાકરાપાર ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેતુલ ચૌધરી પોલીસ બંદોબસ્તની ફરજના ભાગરૂપે કાકરાપાર ખાતે ગયા હતા. રાત્રે કાર્યક્રમ પુરો થયા બાદ સેતુલકુમાર પોતાની બાઈક લઈને પરત સુરત આવી રહ્યાં હતાં. ત્યારે આરટીઓ પાસે એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી ગયા હતા. આ અકસ્માતમાં સેતુલ ચૌધરીને ગંભીર ઇજાઓ થઈ હતી. તાત્કાલિક તેમને વ્યારાની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ઈજાઓ વધુ ગંભીર હોય સેતુલકુમારને વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન સેતુલકુમાર ચૌધરીનું મોત નીપજ્યું હતું. સેતુલના મોતના પગલે તેમના પરિવાર અને સુરતના પોલીસ મહેકમમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. પોસ્ટમોર્ટમ બાદ સુરત સિવિલ હોસ્પિટલમાં પોલીસ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને સેતુલના મૃતદેહને લઈ જવામાં આવ્યો હતો.

Most Popular

To Top