SURAT

સુરતના પિત્ઝા હટ, ડોમિનોઝ સહિત 6 રેસ્ટોરાંના ચીઝ-માયોનીઝમાં ભેળસેળ!

સુરત: ખાણી-પીણીના શોખિન સુરતીઓને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. 5G અને મોર્ડન લાઈફ સ્ટાઈલ, ઈન્ટરકોન્ટિનેન્ટલ ફૂડના શોખને સુરતીઓએ ગળે વળગાડ્યો છે, ત્યારે ઈટાલિયન ફૂડ (Italian Food) માટે વિશ્વવિખ્યાત કક્ષાની ગણાતી કેટલીક રેસ્ટોરાંમાં ચીઝ-માયોનીઝ (Cheese mayonnaise) ઉતરતી ગુણવત્તાના મળી આવ્યા છે.

સુરત મનપાના (SMC) ફૂડ વિભાગે (Food Department) કરેલા આકસ્મિક ચેકિંગમાં પિત્ઝા હટ (Pizza hut ), લા-પિનોઝ (La Pinoz) પિત્ઝા, કોમિનોઝ પિત્ઝા જેવી 6 રેસ્ટોરાંમાંથી ચીઝ અને માયોનીઝ અખાદ્ય મળતાં અંદાજે 40 કિલો જથ્થાનો નાશ કરાયો છે. એટલું જ નહીં, આ તમામ સામે ફરિયાદ કરવાની તજવીજ પણ હાથ ધરી છે.

સુરતીઓ પહેલેથી ખાણી-પીણીના શોખિન તો છે જ, પરંતુ છેલ્લાં કેટલાક વર્ષોથી સુરતીઓને ઈન્ટરકોન્ટિનેન્ટલ ફૂડનું ઘેલું લાગ્યું છે. સ્વાદ તો ઠીક, પરંતુ મોર્ડન લાઈફસ્ટાઈલ બતાવવા માટે પણ ઈન્ટરકોન્ટિનેન્ટલ, મેક્સિકન, ઈટાલિયન ફૂડ પીરસતી રેસ્ટોરાં તરફ સુરતીઓનો ઝોંક વધ્યો છે.

તેમાં પણ ઈટાલિયન ફૂડ પિત્ઝા, બર્ગર જેવી વાનગીઓ તો ફેવરિટ બનવા લાગી છે. આવી વાનગીઓની ગુણવત્તાની વિશ્વસનીયતા માટે સુરતીઓ કેટલીક આંતરરાષ્ટ્રીય ફૂડ ચેઈન પર નિર્ભર રહે છે. પરંતુ હવે સુરતીઓ માટે એક મોટો આંચકો આપનારી ઘટના બની છે.

સુરત મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમે ચાલુ માસ દરમિયાન શહેરની કેટલીક ટોપ રેસ્ટોરાંમાં આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું અને વાનગીઓ બનાવવા માટે વપરાતાં ચીઝ તેમજ માયોનીઝના નમૂનાઓ લીધાં હતાં. આ સેમ્પલ્સને ગુણવત્તાલક્ષી તપાસ માટે લેબોરેટરીમાં મોકલી અપાયા હતાં અને આજે જે રિપોર્ટ આવ્યો તે ચોંકાવનારો રહ્યો છે.

મનપાના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ ઘોડદોડ રોડની પિત્ઝા હટ (સફાયર ફૂડ્સ ઈન્ડિયા લિમિટેડ), પાલનપોરની લા-પિનોઝ પિત્ઝા (દેવ હોસ્પિટાલિટી), પીપલોદના કે. એસ. ચારકોલ (પ્રેરણા હોસ્પિટાલિટી), અડાજણના ડેન્સ પિત્ઝા, જહાંગીરાબાદના ગુજ્જુ કાફે અને વેસુના ડેમિનોઝ પિત્ઝા (જુબિલિયન્ટ ફૂડ વર્ક્સ લિ.)ના નમુના ફેઈલ માલુમ પડ્યાં છે.

આરોગ્યના સૂત્રો મુજબ ચીઝ અને માયોનીઝના નમૂના ફેઈલ જવાનો અર્થ એવો થાય છે કે વાનગીઓ બનાવવા માટે વપરાતી આ બંને વસ્તુઓ ખાવાલાયક ન હતી કે આરોગ્યને નુક્સાન પહોંચાડે તેવી હતી. સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે 6 પૈકીની કેટલીક સંસ્થાઓની સ્થળ તપાસમાં પ્રાથમિક દૃષ્ટિએ જ કેટલુંક ચીઝ અને માયોનીઝ અખાદ્ય લાગ્યું હતું અને જે તે વખતે જ અંદાજે 40 કિલો જેટલા તે જથ્થાનો નાશ કરાયો હતો. હવે સુરત મહાનગરપાલિકા આ સંસ્થાઓના એજ્યુકેટિંગ ઓફિસરો સામે ફરિયાદ કરશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

અલબત્ત સેમ્પલો લેવાયા અને તેનું ટેસ્ટિંગ થયું, આજે રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી આ તમામ રેસ્ટોરાં ચાલુ હતાં અને હજારો લોકોએ ત્યાં વિવિધ પ્રકારની વાનગીઓ પેટમાં પધરાવી હશે. જો આ રેસ્ટોરાં દ્વારા આ સમયગાળા દરમિયાન પણ અખાદ્ય ચીઝ-માયોનીઝથી જ વાનગીઓ બનાવાઈ હશે તો તે ખાનારાના આરોગ્ય માટે ખતરો ઉભો કરશે તે વાતમાં કોઈ બેમત નથી.

અગાઉ મનપાના ફૂડ વિભાગે આઈસ ડીશ માટે વપરાતાં ક્રીમ તેમજ કલર ઉપરાંત ડેરીઓમાં વેચાતાં પનીરના પણ સેમ્પલો લીધા હતાં અને અનેક સેમ્પલો ફેઈલ થયા હતાં. ત્યારે શહેરીજનોને પીરસાનારી વાનગીઓ ભેળસેળ વિનાની જ હોવી જોઈએ, તેની ખાતરી માટે ચોક્કસ નિયમો, કડક કાયદા ઘડાય તે જરૂરી લાગી રહ્યું છે.

Most Popular

To Top