SURAT

મેટ્રો ટ્રેન માટે સુરતની આ જાણીતી ઐતિહાસિક ઈમારતને અંશત: તોડી પાડવામાં આવશે

સુરતઃ સુરત (Surat) શહેર માટે અતિ મહત્ત્વના પ્રોજેક્ટ એવા મેટ્રોની (SuratMetro) કામગીરી પૂરઝડપે ચાલી રહી છે. શહેરમાં મેટ્રોની કામગીરી પગલે ઘણાં સ્ટ્રક્ચર નડતરરૂપ હોય તેને તોડી પાડવામાં આવી રહ્યાં છે. મનપાનાં (SMC) ઘણાં સર્કલ પણ મેટ્રોના રૂટમાં આવતા હોય, તે પણ તોડી પડાશે.

  • રંગ ઉપવનના આંશિક હિસ્સાની સાથે હોમિયોપેથિક દવાખાનું, વોર્ડ ઓફિસ, ફુડની ઓફિસ, બસ સ્ટેશન પણ કાઢી નખાશે

સુરતના ચોક બજાર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક અને જાણીતા રંગઉપવન (RangUpvan)ને પણ અંશત: તોડી પાડવામાં આવશે. આ ઈમારત મેટ્રોના રૂટમાં આવતી હોય તેને તોડી પાડવાનું નક્કી કરાયું છે. જે કામ ઝડપથી કરવા માટે જીએમઆરસી (GMRC) દ્વારા મનપા કમિશનરને માંગ કરવામાં આવી હતી. જેને પગલે હવે મેટ્રોની કામગીરીમાં નડતરરૂપ રંગઉપવનનો આંશિક ભાગ તોડી પાડવા માટે શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી છે.

સુરત મેટ્રોમાં શહેરમાં બે ફેઝમાં કામગીરી થઈ રહી છે, જેમાં પ્રથમ ફેઝમાં ડ્રીમ સિટીથી સરથાણાના રૂટમાં 6 કિ.મી.નો અંડરગ્રાઉન્ડ રૂટ છે. જે ચોક વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે. જે ગાંધી બાગમાંથી મુખ્ય રસ્તાને સમાંતર પસાર થાય છે. જેની અસરમાં ગાંધી બાગ તેની કમ્પાઉન્ડ વોલ અને રંગઉપવનનો આંશિક ભાગ પણ અસરમાં આવી રહ્યો છે.

ઉપરાંત સુરત મહાનગર પાલિકાનું હોમિયોપેથિક દવાખાનું, વોર્ડ ઓફિસ, ફૂડ ઇન્સ્પેક્શન ઓફિસ, પે એન્ડ યૂઝ ટોઇલેટ તથા બસ સ્ટેશન અસર હેઠળ છે. હાલ રંગઉપવન અને મક્કાઈ પુલ ખાતે વોર્ડ ઓફિસને ઉતારી પાડવા સ્ક્રેપ વેલ્યુને મંજૂરી માંગતી દરખાસ્ત મૂકવામાં આવી છે. જેને મંજૂરી મળતાં જ જમીન ખુલ્લી કરીને સુરત મેટ્રોને તેનો કબજો સોંપવામાં આવશે.

Most Popular

To Top