Sports

કેટલાક સુરતી સ્પોર્ટસ સિતારાઓ ઇન્ટરનેશનલ લેવલ પર સુરતનું નામ રોશન કરવા માંગે છે

હાલમાં જ ઇંગ્લેન્ડના બર્મિંગહામમાં આયોજિત કોમનવેલ્થ ગેમ્સ-2022માં ભારતે શાનદાર પ્રદર્શન કરી કુલ 61 મેડલ પોતાના નામે કર્યા હતા. જેમાં 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ મેડલ શામેલ છે. ભારતે સૌથી વધારે મેડલ કુસ્તીમાં અને વેટલિફ્ટિંગમાં મેળવ્યા હતા. ભારતના આ શાનદાર પ્રદર્શન બાદ સુરત સહિત સમગ્ર ભારતના ઉત્સાહી ખેલાડીઓ વિભિન્ન રમતોમાં શ્રેષ્ઠ દેખાવ કરી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને પ્રાઉડ ફીલ કરાવવા માટે થનગની રહ્યા છે. સુરતી ખેલાડીઓ તો ગાંઠના પૈસે શ્રેષ્ઠતમ પ્રેક્ટિસ કરી ભારતનું નામ રોશન કરવા સ્પોર્ટસ ગ્રાઉન્ડ પર પરસેવો પાડી રહ્યા છે. સુરત આજે સમગ્ર વિશ્વમાં ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે નામના મેળવી ચૂક્યું છે પણ સુરતમાં સ્પોર્ટસ ક્ષેત્રમાં ઇન્ટરનેશનલ લેવલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનો દબાતા સ્વરે સુરતી ખેલાડીઓ સ્વીકાર કરી રહ્યા છે. હવે સુરતીઓ પણ ક્રિકેટ અને બેડમિન્ટન સિવાયની રમતોમાં માહિર બનવા માટે પરસેવો પાડી રહ્યા છે. માતા-પિતા પોતાનાં બાળકોમાં સ્પોર્ટસ પ્રત્યેની અભિરૂચિને જાણીને બાળકોને ખેલ ક્ષેત્રમાં આગળ વધવા માટે સપોર્ટ કરી રહ્યાં છે. આગામી 29 ઓગસ્ટે નેશનલ સ્પોર્ટસ ડે છે. તો આવો આપણે સુરતી ખેલાડીઓ પાસેથી જાણીએ કે તેઓ સ્પોર્ટસ ક્ષેત્રમાં કરિયર બનાવવા માટે કઈ રીતે પરિશ્રમ કરી રહ્યા છે? શું સુરતમાં સ્પોર્ટસની તમામ સુવિધાઓ તેમને મળી રહી છે ખરી? શું તેમને સરકાર તરફથી પૂરતી સહાય મળી રહે છે? આપણે તેમના જ શબ્દોમાં જાણીએ…

દર મહિને મળતી આર્થિક સહાય આફ્ટર કોવિડ નથી મળી જે ચાલુ થાય: ભાર્ગવ સેલર (સ્વિમર)
સુરતમાં મોરાભાગળ વિસ્તારમાં રહેતાં 22 વર્ષીય સ્વિમર ભાર્ગવ સેલરે નેશનલ લેવલ પર 6 મેડલ મેળવ્યા છે જેમાં 5 બ્રોન્ઝ અને એક સિલ્વર મેડલ છે. ભાર્ગવ સેલરે જણાવ્યું કે, ‘’હું 13 વર્ષથી સ્વિમિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છું. M.Sc. IT ની સ્ટડીની સાથે સ્વિમિંગની પ્રેક્ટિસ રૂસ્તમપુરાના SMCના સ્વિમિંગ પૂલમાં સવારે 5થી 10 વાગ્યા સુધી અને સાંજે 5.30થી 9 વાગ્યા સુધી કરું છું. જો કે સુરતમાં ઓલfમ્પિક લેવલનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. હું પુણે, દિલ્હી, હરિદ્વાર, બેંગ્લોર, ચંદીગઢ, મધ્યપ્રદેશ, કેરાલામાં સ્વિમિંગ કોમ્પીટીશનમાં ભાગ લઈ ચૂક્યો છું. મને ગુજરાત સરકાર તરફથી જયદીપસિંહ એવોર્ડ મળ્યો છે. હું ઇન્ટરનેશનલ લેવલ પર ભારતનું પ્રતિનિધિત્વ કરું અને મેડલ મેળવું તેવો મારો ગોલ છે. મારા પિતા સ્વિમિંગના કોચ છે એટલે મને બાળપણથી પાણીમાં રમવું ગમતું અને બીજાને સ્વિમિંગ કરતાં જોઈ મને પણ સ્વિમિંગમાં આગળ વધવાની ઈચ્છા બાળપણથી હતી. સુરતમાં નેશનલ, ઇન્ટરનેશનલ કક્ષાના કોચ છે. સુરતમાં ઘણા બધા સ્વિમર્સ છે પણ જરૂર છે ઓલિમ્પિક લેવલના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની. સેન્ટર ઓફ એક્સિલન્સ તરફથી દર મહિને રમતવીરને 3 થી 5 હજાર રૂપિયાની સહાય પ્લેયરના પર્ફોર્મન્સના આધારે મળે છે. જે કોવિડના સમયે મળતા બંધ થયા હતા. આફ્ટર કોવિડ હજી સુધી મળવાનું ચાલુ નથી થયું જે ચાલુ થવું જોઈએ. મને પરિવારનો ફુલ સપોર્ટ મળે છે. પરિવારના સપોર્ટ વગર આગળ વધી જ નહીં શકાય. મને જે સક્સેસ મળી છે તે ફેમિલી સપોર્ટને કારણે જ છે. ફેમિલી ફિનેન્શલ સપોર્ટ કરે છે.’’

સ્પોન્સર થ્રુ સરકાર હેલ્પ કરે: મીત કોસંબીયા (જિમ્નેસ્ટિક)
માસ્ટર ઇન લેબર વેલફેરની ડિગ્રી મેળવી ચૂકેલા પારલેપોઇન્ટ વિસ્તારમાં રહેતા 24 વર્ષીય જિમ્નેસ્ટિક ખેલાડી મીત કોસંબીયા 13 વર્ષથી જિમ્નેસ્ટિકની પ્રેક્ટિસ કરી રહ્યા છે. મીત કોસંબીયાએ જણાવ્યું કે, ‘‘મેં નેશનલ લેવલ પર અંડર 14 અને અંડર 17માં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. નાગપુરમાં સીનિયર ઇન્ડીવિજ્યુઅલ મેન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ અને બેંગલોરમાં ઇન્ડીવિજ્યુઅલ ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ મેળવ્યો છે. 2010માં વિયેતનામમાં સેકન્ડ એશિયન એરોબિક જિમ્નેસ્ટિક ચેમ્પિયનશીપમાં પાર્ટીસીપેટ કર્યું હતું અને ચોથા નંબર પર રહ્યો હતો. બલ્ગેરીયામાં 2012માં આયોજિત 12મી એરોબિક જિમ્નેસ્ટિકમાં પાર્ટીસીપેટ કર્યું હતું. મને સરદાર પટેલ જુનિયર એવોર્ડ મળ્યો છે. મારું ડ્રીમ છે કે હું ઇન્ડિયા માટે પ્રાઉડ ફીલ કરાવું તે રીતનું શ્રેષ્ઠતમ પર્ફોર્મ કરું. જિમ્નેસ્ટિક ખર્ચાળ ગેમ છે. મારું ફેમિલી મને આ ગેમ માટે ફિનેન્શલ સારો સપોર્ટ કરે છે. ગવર્મેન્ટ તરફથી ફિનેન્શલ સપોર્ટ મળે છે પણ તે પર્યાપ્ત નથી. સરકાર બધી જ ગેમને સ્પોન્સર કરાવે જેથી ટેલેન્ટેડ ખેલાડીઓ પાછળ ના રહી જાય. સરકાર સ્પોન્સર થ્રુ હેલ્પ કરે. મારું ભવિષ્યનું પ્લાનિંગ ઇન્ડિયા માટે વધુમાં વધુ મેડલ જીતવાનું છે. હું કોચિંગ લાઈનમાં જવાનું વિચારું છું. મારું લક્ષ્ય કોચિંગ લાઈનમાં જઈને જિમ્નેસ્ટિકના પ્લેયર વધારવાનું છે. સેન્ટર ઓફ એક્સિલન્સીમાંથી દર મહિને 4 હજાર રૂપિયાની હેલ્પ મળે છે પણ તે કોવિડને કારણે બંધ થયેલી જે હવે સરકાર પાછી સ્ટાર્ટ કરશે.’’

ડિફેન્સ માટે છોકરીઓ માર્શલ આર્ટની ગેમ શીખે: દીક્ષી સેલર (જુડો)
મોરાભાગળ વિસ્તારમાં રહેતી 19 વર્ષની દીક્ષી સેલરે UK માં કોમનવેલ્થ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવેલો છે. હાલ અમદાવાદમાં રહીને નડિયાદમાં B.A. ની સ્ટડી કરી રહેલી દીક્ષી સેલરે જણાવ્યું કે, ‘’હું છેલ્લાં 8 વર્ષથી જુડોની પ્રેક્ટિસ કરી રહી છું. મને જુડોની ગેમમાં ઇન્ટરેસ્ટ હતો અને મારે કાંઈક નવું કરવું હતું એટલે હું જુડોની ગેમમાં આગળ વધી. મારાં મમ્મી-પપ્પાએ પણ મને જુડોની ગેમમાં ઇન્ટરેસ્ટ દાખવ એવું કીધું હતું. મારી મમ્મી સ્વિમિંગ કોચ છે. જુડો એ ડિફેન્સની ગેમ છે. છોકરીઓને ડિફેન્સ કરતા આવડવું જોઈએ એટલે જ મને આ ગેમ ગમે છે. હું માનું છું કે છોકરીઓએ માર્શલ આર્ટની ગેમ શીખવી જોઈએ. મેં નેશનલ લેવલ પર પુણેમાં ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ, લખનૌમાં જુનિયર નેશનલમાં બ્રોન્ઝ મેડલ, તેલંગાણામાં સિલ્વર મેડલ, દિલ્હીમાં બ્રોન્ઝ મેડલ, નડિયાદમાં સ્કૂલ ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે. હાલમાં હું લખનૌમાં સીનિયર નેશનલ માટે આવી છું. મારું હાલમાં એ ધ્યેય છે કે હું આગામી ઓકટોબરમાં ગુજરાતમાં આયોજિત થનારા નેશનલ ગેમમાં મેડલ જીતું. કોમનવેલ્થ ગેમમાં ઇન્ડિયાએ 3 મેડલ મેળવ્યા છે એટલે અત્યારે નાના છોકરાઓમાં જુડોનો ક્રેઝ વધ્યો છે. હું રોજ સવારે 6.00 થી 8.30 વાગ્યા સુધી અને સાંજે 5.00 થી 8.00 વાગ્યા સુધી જુડોની પ્રેક્ટિસ કરું છું. વીકમાં ત્રણ વખત બપોરનું સેશન હોય જેમાં સવારે 10.30 થી બપોરના 12.30 સુધી પ્રેક્ટિસ કરું છું. ગુજરાત સરકાર ફિનેન્શલી સપોર્ટ કરે છે. હજી વધારે ફિનેન્શલ સપોર્ટ કરે તો જુડો પ્લેયર્સની સંખ્યા હજી વધશે.’’

સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર થોડું ઓછું પડે છે: યુતિ ગજ્જર (બેડમિન્ટન)
અડાજણ વિસ્તારમાં રહેતી અને Ty. B.Com. નો અભ્યાસ કરી રહેલી 19 વર્ષીય યુતિ ગજ્જર બેડમિન્ટન પ્લેયર છે. આ બેડમિન્ટન પ્લેયર યુતિએ જણાવ્યું કે તેના પિતા પીયૂષ ગજ્જર પણ સ્ટેટ લેવલ પર બેડમિન્ટન રમ્યા છે. હું નાની હતી ત્યારે જિમ્નેસ્ટિક પણ કરતી અને સાઈડ પર બેડમિન્ટન રમતી પછી મને વધારે ઇન્ટરેસ્ટ બેડમિન્ટનમાં પડતા મેં બેડમિન્ટન પર વધારે ધ્યાન આપવાનું શરૂ કર્યું. મેં 2017માં હૈદરાબાદમાં ખેલો ઇન્ડિયામાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. સ્કૂલ ગેમ્સ ઓફ ઇન્ડિયામાં 4 મેડલ મેળવ્યા છે. હું નેશનલ લેવલ પર ઔરંગાબાદ, જમ્મુ-કાશ્મીર, આંધ્રપ્રદેશ, ગોવામાં બેડમિન્ટન રમી ચૂકી છું. બેડમિન્ટન પ્લેયર લક્ષ્ય સેન અને પી વી સિંધુ મારા આદર્શ છે. સ્ટેટ ગવર્મેન્ટ ગુજરાત દ્વારા સેન્ટર ફોર એક્સિલન્સી તરફથી મન્થલી આર્થિક સહાય મળે છે પણ કોવિડને કારણે આ સહાય મળતી બંધ થઈ હતી જે આ વર્ષથી મળવાની શરૂ થશે. હું આખા દિવસમાં 6થી 7 કલાક પ્રેક્ટિસ કરું છું. સુરતમાં પ્રોફેશનલ બેડમિન્ટન પ્લેયર બનવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઓછું પડે છે એટલે સારી ટ્રેનિંગ મળે એના માટે સુરત બહાર જવું પડે છે. સુરતમાં બેડમિન્ટ પ્લેયરની અછત છે. ખેલાડીઓનું વેરિયેશન મળે તે માટે બહાર જવું પડે છે. ફેમિલી તરફથી ફુલ્લી સપોર્ટ મળે છે. મહિને આ રમત પાછળ 45થી 50 હજાર રૂપિયા ખર્ચ થાય છે જે ફેમિલી ઉઠાવે છે. સેન્ટ્રલ ગવર્મેન્ટ તરફથી આર્થિક સહાય મળવી જોઈએ. મારો ગોલ એ છે કે હું કોમનવેલ્થ, ઓલિમ્પિકમાં ઇન્ડિયાનું પ્રતિનિધિત્વ કરું. તે માટે વધારે પ્રેક્ટિસની જરૂર છે.’’

ઓછા ફિનેન્શલ સપોર્ટને કારણે ટેલેન્ટેડ ખેલાડી આગળ વધી નથી શકતા: પ્રકૃતિ શિંદે (જિમ્નેસ્ટિક)
જિમ્નેસ્ટિકમાં રાજ્ય સરકાર તરફથી જયદીપસિંહ જુનિયર એવોર્ડ મેળવનાર ઘોડદોડ વિસ્તારમાં રહેતી 19 વર્ષની પ્રકૃતિ શિંદે છેલ્લાં 10 વર્ષથી જિમ્નેસ્ટિકની પ્રેક્ટિસ કરે છે. આ હોનહાર ટેલેન્ટેડ ખેલાડી પ્રકૃતિ શિંદેએ જણાવ્યું કે, ‘‘મેં જિમ્નેસ્ટિકસ હોબી તરીકે સ્ટાર્ટ કર્યું હતું. ઘર નજદીકના જિમ્નેસ્ટિકના કલાસમાં જતી. ધીરે-ધીરે જિમ્નેસ્ટિકમાં ઇન્ટરેસ્ટ વધ્યો. મેં બેંગ્લોરમાં આયોજિત 16મી નેશનલ ચેમ્પિયનશીપમાં 2 સિલ્વર મેડલ મેળવ્યા હતા. નાગપુરમાં 15મી એરોબિક જિમ્નેસ્ટિક નેશનલ ચેમ્પિયનશીપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. 2018માં માંગોલીયામાં આયોજિત એરોબીક જિમ્નેસ્ટિક એશિયન કપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મારો ગોલ ઇન્ટરનેશનલ રમતમાં મેડલ મેળવતા રહેવાનો છે જેથી મારી અને મારા ગુરુ એવા કોચની મહેનત એળે નહીં જાય. સરકાર તરફથી ફિનેન્શલ સપોર્ટ ઓછો મળતો હોવાથી ટેલેન્ટેડ ખેલાડી આગળ કન્ટીન્યુ નથી કરતા. જિમ્નેસ્ટિકના કોસ્ચ્યુમ શોર્ટ હોય છે એટલે લોકો ટોન્ટ મારતા હોય છે કે કેવાં કપડાં પહેરે છે. મને જિમ્નેસ્ટિક માટે મારાં પેરેન્ટ્સ સપોર્ટ કરે છે. પેરેન્ટ્સના સપોર્ટ વગર આગળ નહીં વધી શકાય. હું રોજ સવારે ત્રણ કલાક અને સાંજે 4 કલાક પ્રેક્ટિસ કરું છું.’’

ફૂટબોલમાં છોકરીઓનો ઇન્ટરેસ્ટ ઓછો: યશવી શેઠ : (ફૂટબોલ પ્લેયર)
ઘોડદોડ વિસ્તારમાં રહેતી 15 વર્ષીય યશવી શેઠ ફૂટબોલ પ્લેયર છે. તેણે જણાવ્યું કે, ‘’હું છેલ્લાં 4 વર્ષથી ફૂટબોલની પ્રેક્ટિસ કરું છું. હું ખેલમહાકુંભમાં દર વર્ષે ભાગ લઉં છું. મને જયપુરમાં ગોલ્ડન બુટ એવોર્ડ મળ્યો છે. મારી સ્કૂલના મોટાભાગના સ્ટુડન્ટ્સ ફૂટબોલ રમે છે. જો કે સુરતમાં ફૂટબોલ રમનારા ખેલાડી ઓછા છે. અમદાવાદમાં ફૂટબોલનો ક્રેઝ વધારે છે. મેં પુણે અને આસામમાં ફૂટબોલ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે. મારું સપનું છે કે હું ઇન્ડિયાની ટીમમાં રમું. તેના માટે વધારે મહેનત કરવી પડશે. મારી સ્કૂલમાં દરરોજ ફૂટબોલ રમાડે છે. હું રોજ સવારે 6 થી 7 વાગ્યા સુધી અને સાંજે 7.30 થી 9 વાગ્યા સુધી ફૂટબોલની પ્રેક્ટિસ કરું છું. અમને રાજ્ય સરકાર તરફથી ફૂટબોલ રમવા માટે સુવિધા મળે છે.’’

સ્પોન્સર મળે તો ફિનેન્શલ સપોર્ટ મળી જાય: રેણુકા ચૌધરી (ક્રિકેટ)
ગુજરાત મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન 24 વર્ષીય રેણુકા ચૌધરી 10 વર્ષથી ક્રિકેટ રમે છે. માંડવી તાલુકાના રૂપણ ગામની રેણુકા ચૌધરીએ નેશનલ લેવલ પર બેસ્ટ બોલરનો એવોર્ડ મેળવ્યો છે. રેણુકા ચૌધરીએ જણાવ્યું કે, ‘‘મને બાળપણથી ક્રિકેટ રમવું ગમતું. હું બોયઝ સાથે ક્રિકેટ રમતી. મને ક્રિકેટ ક્ષેત્રની કેટલીક વ્યક્તિઓ પાસેથી ક્રિકેટની પ્રેક્ટિસ માટે સપોર્ટ મળ્યો છે. હું સવારે 6.30 થી 10 વાગ્યા સુધી અને સાંજે 3.00 થી 6 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરું છું. પ્રેક્ટિસના ત્રણ સેશન પણ હોય પણ અત્યારે મોનસુન હોવાથી બે સેશન ચાલે છે. અમારા ગામડાંમાં નાની ઉંમરે છોકરીઓના લગ્ન કરી દેવામાં આવે છે. મારાં માતા-પિતાને પણ લોકો કહેતાં કે છોકરી મોટી ઉંમરની થઈ ગઈ છે અને હજી તમે એના લગ્ન નથી કરાવ્યા? ત્યારે મારાં મમ્મી-પપ્પા લોકોને જવાબ આપે છે કે ક્રિકેટમાં અમારી દીકરીનું કરિયર બની શકે છે અત્યારે તેના લગ્ન નહીં કરીએ. મારાં મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા ખેતમજૂરી કરે છે. મારાં મમ્મી-પપ્પાના સપોર્ટને કારણે જ હું ક્રિકેટ ક્ષેત્રે આગળ વધી શકી છું. હું નેશનલ લેવલ પર દેશમાં ઘણી જગ્યાએ રમી ચૂકી છું. બેલગાંવ, પોન્ડિચેરીમાં ક્રિકેટ રમવા ગઈ છું. મારું સપનું છે કે હું ક્રિકેટમાં શ્રેષ્ઠથી પણ શ્રેષ્ઠ પર્ફોર્મ કરું. અમને એક વનડે ક્રિકેટ રમવાની 20 હજારની સહાય રાજ્ય સરકાર તરફથી મળે. સ્પોન્સર મળી જાય તો ફિનેન્શલ સપોર્ટ મળી જશે. અત્યારે હું હૈદરાબાદમાં કેમ્પમાં છું.’’

સુરતમાં સ્પોર્ટસ પ્રત્યે લોકોની રૂચિ વધી છે પણ રમતો માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ એટલું નથી. એને કારણે પ્રોફેશનલ રમવા માંગતા ખેલાડીઓ પ્રેક્ટિસ માટે સુરતની બહાર જાય છે. જો કે હાલની સ્થિતિમાં રમત ક્ષેત્રે સુરતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ તો થઈ રહ્યું છે પણ તે પૂરતું નથી. સુરતના ખેલાડીઓએ પણ નેશનલ અને ઇન્ટરનેશનલ ક્ષેત્રે સિદ્ધિ મેળવી છે. જો રાજ્ય સરકાર રમતોને માટે ખેલાડીઓને ફિનેન્શલી સપોર્ટ વધારે, ઈન્ફ્રાસ્ટ્રક્ચરની શ્રેષ્ઠતમ સુવિધા આપે તો સ્પોર્ટસ ક્ષેત્રે સુરત વધારે ખીલી ઊઠશે

Most Popular

To Top