Business

પ્રિય સન્નારી

કેમ છો?
તહેવારોની આ મોસમમાં સમય ખૂબ ઝડપથી પસાર થાય છે. તહેવારો ગૃહિણીઓ અને નિવૃત્ત લોકોને ચેન્જ આપી મુખ્ય પ્રવાહ સાથે જોડે છે. બાકી, આજે કોર્પોરેટ જોબ અને કોલ સેન્ટરમાં કામ કરતા લોકોને આ બધા માટે ભાગ્યે જ સમય મળે છે. જો કે તેઓ એમનાં કામમાંથી આનંદ શોધી લે…. બાકીનાં લોકો માટે ધાર્મિક – સામાજિક તહેવારો ધર્મ સાથે જોડાણ, પરિવર્તન, આનંદ અને સમય પસાર કરવાની તક લઇને આવે છે. આવતા સપ્તાહે ગણેશચતુર્થી અને સંવત્સરી એક સાથે બે તહેવારો છે.

સન્નારીઓ, વિઘ્નહર્તાની સ્થાપના આપણે વિઘ્નો દૂર કરવા માટે કરીએ છીએ પરંતુ આપણા મોટાભાગનાં વિઘ્નો અને સંકટો આપણે હાથે કરીને નથી ઊભાં કરતાં? મોબાઇલ – ઇન્ટરનેટે આપણા સંબંધોનો સમય છીનવી લીધો. નવાં – નવાં આકર્ષણો ઊભાં કર્યાં, જેનાં મોહ અને લાલચમાં જૂઠ – ચીટીંગ આમ બની રહ્યાં છે. હવે જે સંબંધોનું સત્યાનાશ જાણતાં જ કર્યું હોય એને વિઘ્નહર્તા કઇ રીતે બચાવે? એ જ રીતે કુદરતી આપત્તિઓ માટે પર્યાવરણ સાથેના ચેડા જવાબદાર છે. બેફામ પરિણામો પછી પણ આપણે સુધરવાનું નામ જ ન દઇએ તો ભગવાન પણ બિચારા શું કરે?

સન્નારીઓ, આ ગણેશચતુર્થીએ વિઘ્નહર્તા પાસે વિઘ્નોના નાશ માટે પ્રાર્થના કરવાને બદલે કોઇ પણ જાતનાં વિઘ્નો ઊભાં કરવામાં નિમિત્ત ન બનીએ એવો સંકલ્પ કરીએ. મે, બી વિઘ્નહર્તાને આપણા પર ભરોસો બેસે અને એમની કૃપા વરસાવતાં રહે. બીજું પર્વ છે જૈનોની સંવત્સરી અને ક્ષમાપના પર્વ. એમાં એકબીજાના અપરાધોને માફ કરવાની વાત છે, સાયકોલોજીકલ સ્ટડી મુજબ જયારે તમે કોઇને માફ કરો છો ત્યારે તમારી જાતને પણ માફ કરો છો. સમજવા જેવી વાત છે કે જયારે તમને કોઇ હર્ટ કરે છે ત્યારે એ વાત માત્ર સામી વ્યકિત પૂરતી સીમિત નથી હોતી પરંતુ તમે એને હર્ટ કરવાની તક કે પરવાનગી આપો છો તેથી તેઓ તમને હર્ટ કરે છે. સામી વ્યકિતની વર્તણૂક માટે આપણને આપણી જાત પર ગુસ્સો આવે છે. તેથી મન સતત ઉદ્વેગમાં રહે છે. અગર આપણે હર્ટ કરનારને માફ કરીશું તો આપણી જાત માટેની ફરિયાદ ઓછી થશે અને ખુદને પણ માફ કરીશું. જેથી મન હળવું બનશે.

જયારે આપણે હર્ટ થઇએ છે ત્યારે ‘વિક્ટિમ મોડ’ યાને પીડિત હોવાનો અહેસાસ સતત અનુભવીએ છીએ. આપણને એવું લાગે કે અરે! મારી સાથે કેટલું ખરાબ થયું? હું કેટલો દુ:ખી છું. મારી સાથે જ કેમ આવું થાય છે? એવા અનેક પ્રશ્નો મનને પીડે છે. આત્મગ્લાનિ માણસની ખુદ માટેની શ્રદ્ધા, ભરોસો અને વિશ્વાસ તોડી નાંખે છે. એ માણસને આનંદનો ઓડકાર ખાવા નથી દેતો અને જેના જીવનમાં આનંદ ન હોય એ બીજાને આનંદિત રહેવા દે ખરો? જયારે આપણે બીજાને માફ કરીએ છીએ ત્યારે આ વિક્ટિમ મોડમાંથી બહાર આવી ખુદ માટેની શ્રદ્ધા ફરી પ્રાપ્ત કરીએ છીએ, ખુદ ખુશ રહી બીજાની ખુશીમાં આગ લગાડતા અટકીએ છીએ. એટલું જ નહીં પોતાનાં કામ પર ફોકસ કરી જીવનમાં આગળ વધી શકીએ.

માફ કરવાનો ત્રીજો મહત્ત્વનો ફાયદો એ છે કે માફી આપણને નકારાત્મકતાથી મુકત કરે છે. આપણી જે શકિત અને લાગણી અત્યાર સુધી ખુદને મેનેજ કરવા માટે વપરાતી હતી તેમાંથી મુકત બનતાં આપણે વધુ મીનીંગફુલ કામમાં વધુ એનર્જીથી જોડાઈ શકીએ. જયાં સુધી મનમાં કોઇ માટે વેર – પૂર્વગ્રહ હોય ત્યાં સુધી આપણી વિચારધારા અને એકશન એ જ દિશામાં ગતિશીલ રહે છે. માફી આ બધાથી મુકત કરે છે. વેર – બદલો – ગુસ્સો આ બધાથી મુકત થતાં જ જીવન સાત્ત્વિકતાને સ્પર્શે છે.

નેગેટિવ બાબતો આપણી શકિતને હણી શરીર, મન અને ઉત્સાહ પર હુમલો કરે છે. ગુસ્સો, ચિંતા, હતાશા અને તનાવ શરીર પર અસર કરે છે. બ્લડપ્રેશર, હાર્ટપ્રેશર, શુગર જેવી બીમારી સ્ટ્રેસ અને ગુસ્સાને કારણે આવે છે. અગર ક્ષમા દ્વારા મનને મુકત કરીશું તો તનની સમસ્યા પણ હળવી થઇ જશે.

જયાં સુધી આપણે કોઇને માફ નથી કરતાં ત્યાં સુધી ત્યાં ને ત્યાં જ અટકેલાં રહીએ છીએ. મનની શુદ્ધિ થતી નથી અને મનની શુદ્ધિ વિના ધાર્મિક ક્રિયા કે અન્ય કોઇ પણ શુભકાર્યનું યોગ્ય ફળ મળતું નથી. મનની ગૂંચવણોમાંથી મુકત થયા વિના મોક્ષનો માર્ગ મળતો નથી. સો….
તનથી સ્વસ્થ થવું છે?
મનથી મસ્ત બનવું છે?
પીડાથી મુકત થવું છે?
આત્મદયાને છોડવી છે?
આત્મવિકાસને પંથે આગળ વધવું છે તો માફ કરતાં શીખો. ‘વિના માફી નહીં ઉધ્ધાર’ એ આધ્યાત્મિક જગતનો મંત્ર છે.
– સંપાદક

Most Popular

To Top