Charchapatra

સુરતી મોઢ વણિક સમાજના કેરીગાળાની બોલબાલા

હજુ આજે પણ બજારમાં મળતી કેરીની પેટીની ભાગ્યેજ ખરીદી કરે, સુરતી મોઢવણિક સમાજનો એના ઘરનો વડીલ તો પકવવાની કાચી કેરી ખરીદી કરે. આ સમાજમાં રાજાપુરી, હાફુસ અને કેસર કેરીની જથ્થાબંધ ખરીદી કરી અંદરોઅંદર પછી વહેંચી લે. ઘરના એક ઓરડામાં એ કેરીને જમીન પર અખબારના પાના પર અથવા અનાજની ગુણ પર ખુલ્લી મૂકીને પકવવામાં આવે. એ બધી જવાબદારી ઘરની મહિલા સુપેરે બજાવે. અઠવાડિયામાં એ કેરી કલર પકડે, એની સુગંધ ઘરમાં ફેલાય એટલે સૌથી પહેલાં એ પાકેલી કેરી ઘર પાસે આવેલા મંદિરમાં ધરાવે. પછી પણ એકલા એકલા ઘરમાં નહીં ખાય.

એના ઘરમાં દીકરી-જમાઈ, બાળગોપાલે બહેન-ભાણેજ અટકે. એ સાથે એના ઘરની કામવાળી પણ યાદ આવે. ઘરમાં એક દિવસ પત્ની હુકમ કરે પછી રવિવારનો રજાનો દિવસ પસંદ કરી કેરીગાળાના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવે. આ રીતે કાર્યક્રમ નક્કી થાય. સવારથી બધા ભેગા થાય. મોટે ભાગે બપોરનું ભોજન સાદું હોય, પણ કેરીના ટુકડા કરીને મલાઈ સાથે રસ ખવડાવે. બપોરે પણ કેરી તો હોય જ.

ઘરમાં હસીખુશીનું એવું વાતાવરણ જામે કે પડોશી પણ સમજી જાય કે આજે કેરીગાળાની ઉજવણી થવાની. ઉજવણી પણ જેવી તેવી નહીં, રંગેચંગે ગીતો ગાતાં ગાતાં થાય. મોટે ભાગે દાળનાં પાંતરાં, વેઢમી, બજારના ખાજા, સુતરફેણી અને ધેબર ખાજલી અને કેરીના રસની મજા લૂંટે. હજુ આજે પણ ઈતર સમાજના લોકો સુરતી મોઢવણિક સમાજનાં પાંતરાં હોંશે હોંશે ખાય. સામે ચાલીને મંગાવે અને કહે કે દાળનાં પાંતરાં તો સુરતી મોઢ વણિક સમાજના અમારા મહિલા વર્ગથી આવી મહેનત પણ નહીં થાય અને આવો સ્વાદ પણ નહીં આવે.

ખાસ કરીને એ સાથે ઘરમાં વાલની સળંગની રસાવાળી દાળ પણ અવશ્ય બનાવવામાં આવે. બધા ભેગા મળીને મોડી રાત સુધી કેરીગાળાની મજા લૂંટે. પહેલાં તો ઘરની મહિલાઓનો કામકાજથી ભોગ લેવાનો પરંતુ સમય સાથે જબરજસ્ત પરિવર્તન આવી ગયું છે. એ દિવસે વધારાની બે કામવાળી બોલાવવામાં આવે એટલે હવે એ લોકોને પણ નિરાંત. કેરીના રસ સાથે વેઢમી, સુતરફેણી, ખાજા, પુરી, રોટલી, માલપુવા એટલું જ નહીં, બજારમાં મળતા ચાંપા સાથે પણ કેરીના રસની મજા માણે. એનું નામ જ સુરતી મોઢ વણિક સમાજ. કેરીગાળામાં આ સમાજની બોલબાલા હજુ આજે પણ અકબંધ રહી છે.
સુરત     – જગદીશ પાનવાલા          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સ્વામી નારાયણ ઉદ્યાનની કાયાપલટ કરો
સરદાર પુલના અડાજણ તરફના છેડે આવેલ ‘સ્વામી નારાયણ ઉદ્યાન’ હાલમાં ગંધાતી કચરા પેટીનો પર્યાય બની ગયો છે. કચરો સળગાવે ત્યારે હવાનું પ્રદૂષણ વધી જતું હોય છે. સુરત સ્વચ્છતા માટે ગુજરાતમાં જાણીતું છે. સુરતને અતિ સુંદર બનાવવા ‘સ્વામી નારાયણ ઉદ્યાન’ની કાયાપલટ SMC કરે એવું આજુબાજુનાં રહીશોની લાગણી છે.
સુરત     – રમેશ પટેલ        – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top