SURAT

સુરતીઓનું કાઉન્ટડાઉન શરૂ: ઉકાઈની સપાટી 341.80 ફૂટે પહોંચી

સુરત: (Surat) દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં સુરતીઓના (Surties) જીવ તાળવે ચોંટે છે. એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ ઉકાઈ ડેમ (Ukai Dam) ની સપાટીમાં સતત થઈ રહેલો વધારો હવે તંત્ર માટે પણ ચિંતાનો વિષય બન્યો છે. શહેરમાં બે-ત્રણ દિવસથી સતત વરસાદી માહોલ છે. સુરત જિલ્લામાં સર્વત્ર ધોધમાર વરસાદ નોંધાયો છે. ત્યારે ઉપરવાસમાં પણ વરસાદ (Rain) થઈ રહ્યો છે. એવામાં ઉકાઈ ડેમની સપાટી 341.80 ફૂટ પર પહોંચી ગઈ છે. જેને લઈને સુરતીઓ ચિંતામાં મુકાયા છે. તંત્ર પણ સતત પાણીની આવક અને જાવક પર નજર રાખી રહ્યું છે.

સુરત શહેરમાં સોમવાર સવારથી જ સતત વરસી રહેલા વરસાદ વચ્ચે બપોરે 4 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમની સપાટી 341.80 ફૂટ નોંધાઈ છે જ્યારે ડેમમાં પાણીની આવક 88,643 ક્યૂસેક અને જાવક 57,720 ક્યૂસેક છે. જણાવી દઈએ કે ઉકાઈ ડેમનું ડેંજર લેવલ 345 ફૂટ છે. હાલ ઉકાઈ ડેમની જે સપાટી છે તેનાથી ડેંજર લેવલ હવે ફક્ત 3.5 ફૂટ દૂર રહી ગઈ છે. આ વર્ષે પણ ઉકાઈ ડેમના ઉપરવાસમાં સામાન્ય કરતા સારો વરસાદ નોંધાયો છે. જોકે હાલ ડેમમાં લગભગ 88 હજાર ક્યુસેક પાણીની આવક ચાલું છે. ડેમની સપાટી 341.80 ફુટે પહોંચી જતા ડેમમાંથી 57 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રાખવામાં આવ્યું હતું.

હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં થી 40 60 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતના આકાશમાં વાદળોનું લો પ્રેશર સર્જાયું છે. આ સાથે જ પાડોશી રાજ્યોમાં ખાંડવા, બાલાઘાટ, રાયપુર, સંબલપુરના આભમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે. જેના લીધે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડ જિલ્લામાં તથા સૌરાષ્ટ્ર, રાજકોટ, જામનગર, ગિર સોમનાથ, દીવદમણ, દાદરાનગર હવેલી, કચ્છ સહિતના વિસ્તારોમાં આગામી ચારથી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

સુરતના મોરાભાગળ વિસ્તારમાં આજે સવારે એક જૂનું જર્જરિત મકાન તૂટી પડ્યું હતું, જેની નીચે પાંચ બાઈક દબાઈ ગયા હતા. કોઈ જાનહાનિના સમાચાર સાંપડ્યા નથી. રવિવારે બપોર બાદથી રાજ્યમાં મેઘરાજાએ રૌદ્રરૂપ ધારણ કર્યું છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 212 તાલુકાઓમાં મેહૂલો મન મૂકીને વરસ્યો છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. પાણી ભરાઈ જવાના પગલે રાજ્યના 15 સ્ટેટ હાઈવે સહિત કુલ 136 રસ્તાઓ બંધ કરી દેવાની ફરજ પડી છે. અત્યાર સુધી સિઝનનો 64.44 ટકા વરસાદ થયો છે. ઝોન પ્રમાણેની સ્થિતિ જોઈએ તો, કચ્છમાં 66.13 ટકા, ઉત્તર ગુજરાતમાં 54.45 ટકા, મધ્યગુજરાતમાં 55.92 ટકા અને સૌરાષ્ટ્રમાં 68.74 ટકા વરસાદ થયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 64.44 ટકા વરસાદ નોંધાયો છે.

Most Popular

To Top